ભાજપમાં કકળાટઃ લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ  ઉથલપાથલ થઇ શકે છે

1151

ગુજરાત ભાજપમાં લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ મોટા ફેરફાર થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. પક્ષમાં ગણગણાટ શરૃ થઈ ગયો છે કે, કેન્દ્રમાં ફરી સરકાર માટે એકેએક સીટ જીતવી મહત્ત્વની હોઈ ગુજરાતમાં પાર્ટીની ગણતરી ઊંધી પડી તો મોવડીઓનો ગુસ્સો પ્રદેશના નેતાઓ ઉપર ઊતરશે તે પાક્કું છે.

ભાજપના સૂત્રો કહે છે કે, રાજ્યમાં ૨૪થી એક પણ બેઠક ઓછી આવશે તો પાર્ટીમાં કકળાટ શરૃ થઈ જશે, કેમ કે પ્રદેશ પ્રમુખ જાહેરમાં ભલે છવ્વીસે છવ્વીસનું રટણ કર્યે રાખતા હોય પણ પાર્ટીની આંતરિક ગણતરી બે સીટ માઈનસ થઈ રહી હોવાની છે.

આ સૂત્રો કહે છે કે, રાજ્ય ભાજપમાં મોટા ભાગે ૨૦૧૧ની બોડી કાર્યરત છે. રણછોડ ફળદુ ગયા પછી મહામંત્રી, મંત્રી, પ્રવક્તા કે અન્ય સ્તરે ખાસ કોઈ ફેરફાર થયો નથી, એટલે આઠ વર્ષમાં એકની એક જગ્યાએ ગ્રોથ વગર કામ કરતાં બધાં કંટાળ્યા છે. દા.ત. ભરતસિંહ પરમાર ૨૦૦૬થી પ્રદેશ મહામંત્રી છે. જિલ્લા સ્તરે પણ પાર્ટીમાં ખાસ બદલાવ થયો નથી. પરિણામે બેથી વધુ સીટના ઘટાડાના પગલે કમ સે કમ સંગઠન સ્તરે તો મોટા ફેરફાર થવાનું નિવૃત લાગે છે, કેમ કે ૨૦૧૯ની આ ચૂંટણીમાં ૨૦૧૪ જેવી સ્થિતિ નથી તેવો સર્વ સામાન્ય મત છે.

ભાજપના સૂત્રો એવું પણ કહે છે કે, આમ તો ૨૦૧૭માં પાર્ટીના ખરાબ પર્ફોર્મન્સના કારણે સંગઠકીય ફેરફારો થવાના હતાં, પરંતુ એક યા બીજા કારણસર નેતાઓને જીવતદાન મળ્યું હતું, એટલે ફરી વાર પ્રદેશના નેતાઓને આવો મોકો નહીં અપાય તે બાબતે બધા એકમત છે.

Previous articleજેઈઈ મેઈનનું પરિણામ અને રેન્ક લિસ્ટ ૩૦ એપ્રિલ જાહેર કરી દેવાશે
Next articleસ્ટેટીકની ૨૦ ટીમે ૨૩ નાકા ઉપર ૧૫૨૬૬ જેટલાં વાહનની તપાસ કરી