શ્રીલંકા આઠ બ્લાસ્ટથી રક્તરંજિત : ૨૧૫ લોકોના મોત : ૫૦૦લોકો ઘાયલ

491

શ્રીલંકામાં એક પછી એક છ બ્લાસ્ટ બાદ વધુ બીજા બે બ્લાસ્ટ થતાં કુલ આઠ બ્લાસ્ટ થયા છે. સ્થાનિક સમય પ્રમાણે આજે વહેલી સવારે શ્રીલંકાના ૩ ચર્ચ અને ૩ હોટલોમાં જબરદસ્ત બોમ્બ બ્લાસ્ટ થયા છે. ત્યારે થોડીકવાર પહેલાં આવેલા સમાચાર પ્રમાણે વધુ બે બ્લાસ્ટ થયા છે, તેમાંથી એક દેહીવાલા શહેરમાં થયો છે.

આ ખતરનાર બ્લાસ્ટમાં ૨૧૫ લોકોના દર્દનાક મોત થયા છે જ્યારે ૫૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃત્યુપામનાર લોકોમાં ૩૫ વિદેશી વ્યક્તિઓ હોવાનું જાણવા મળે છે. બોમ્બ બ્લાસ્ટના સ્થળો પર ક્ષત-વિક્ષત હાલતમાં મૃતદેહો જોવા મળી રહ્યા છે. પોલીસે કહ્યું કે કોલંબોમાં સેન્ટ એન્થની ચર્ચ, નૌગોંબોમાં સેન્ટ સેબેસ્ટિયન ચર્ચ અને બટ્ટિકલોબામાં એક ચર્ચને નિશાન બનાવ્યું.

આ સિવાય હોટલ શાંગ્રી-લા, સિનામેન ગ્રાન્ડ અને કિંગ્સબરીમાં પણ બ્લાસ્ટ થયા છે. આજે ઈસ્ટર તહેવાર હોવાથી ખ્રિસ્તી લોકો ચર્ચમાં મોટી સંખ્યામાં સમૂહ પ્રાર્થના માટે એકત્ર થયા હતા. સીરીયલ બ્લાસ્ટથી શ્રીલંકા ધણધણી ગયું છે. આખા દેશમાં હાઇ એલર્ટ જાહેર કરી દેવાયો છે. એરપોર્ટ પર સુરક્ષા વધારી દીધી છે. લિટ્ટે સંકટ બાદ શ્રીલંકાના રાષ્ટ્રપતિ એ ધડાકા પર શોક વ્યકત કરતાં લોકોને શાંતિ બનાવી રાખવા અપીલ કરી છે.

રાજધાની કોલંબોમાં થયેલા હુમલાને જોતા આવનારા બે દિવસ સુધી તમામ સરકારી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. શ્રીલંકાના શિક્ષણમંત્રીએ તમામ શાળાઓમાં રજાની જાહેરાત કરી હતી. અત્યાર સુધી કોઈ પણ આતંકી સંગઠને હુમલાની જવાબદારી લીધી નથી.

જો કે માનવામાં આવી રહ્યું છે કે છેલ્લા ઘણા સમયમાં ઈસ્લામિક સ્ટેટે દેશમાં ગઢ બનાવવાના પ્રયાસ કરી રહ્યા છે. ગત વર્ષે શ્રીલંકામાં બૌદ્ધ સિંહલા અને મુસ્લિમ સમુદાય વચ્ચે ટકરાવની ઘણી ઘટનાઓ સામે આવી હતી. માર્ચ, ૨૦૧૮માં સરકારે આ જ કારણે ઈમજન્સી જાહેર કરી હતી.

બેટ્ટીકેલોઆ શહેરના એક ચર્ચમાં, કોલંબોના કોચ્છીકાડે વિસ્તારના સેન્ટ એન્થનીઝ ચર્ચમાં અને કાતુવાપીતીયાના સેન્ટ સેબેસ્ટીયન ચર્ચમાં ધડાકો થયો હતો. આ હુમલાઓમાં ૫૦૦થી વધારે લોકો ઘાયલ થયા છે.

દેશની મુખ્ય પોલીસે વિસ્ફોટના ૧૦ દિવસ અગાઉ જ હુમલાનું એલર્ટ આપ્યું હતું. મુખ્ય પોલીસ અધિકારી પુજુત જયસુંદરાએ ૧૧ એપ્રિલે ચેતવણી આપતા કહ્યું હતું કે, એક વિદેશી ગુપ્ત એજન્સીએ કહ્યું હતું કે, નેશનલ થોહીથ જમાત દેશના મુખ્ય ચર્ચ અને કોલંબોના ભારતીય હાઈકમિશન પર આત્મઘાતી હુમલાનું ષડયંત્ર રચી રહ્યો છે.

આ ઉપરાંત સોશયલ મીડિયા પર પણ હાલની પરિસ્થિતીને જોતા પ્રતિબંધ લગાવી દીધો છે. સુરક્ષા અધિકારીઓને શંકા છે કે આત્મઘાતી હુમલાખોરો દ્વારા બે ચર્ચમાં વિસ્ફોટ કરવામાં આવ્યો હતો.

એનટીજે શ્રીલંકાના કટ્ટરપંથી મુસ્લિમ સંગઠન છે. આ સંગઠન ગત વર્ષે બુદ્ધની મૂર્તિઓ તોડવાને કારણે ચર્ચામાં આવ્યું હતું. શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે પરિસ્થિતીની જાણકારી મેળવવા માટે મિટિંગ બોલાવી હતી. નાણામંત્રી મંગલા સમરવીરાએ ટ્‌વીટ કર્યુ કે, એવું લાગે છે કે  હત્યા, અફરાતફરી અને અરાજકતા ફેલાવવા માટે આ હુમલાને અંજામ આપવામાં આવ્યો છે.

Previous articleમતદાન જાગૃતિ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘વોક ફોર વોટ’ રેલી યોજાઇ
Next articleરાજ્યમાં ગરમીનું પ્રમાણ વધ્યું, તાપમાન ૪૧ થઈ ગયું