ભાવ. જિલ્લામાં ૬૭૩૮ દિવ્યાંગ મતદારો

831

આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ના અનુસંધાને દેશના નાગરિકોમાં મતાધિકાર પ્રત્યે જાગૃતિ આવે અને લોકશાહી વધુ મજબૂત બને એવા હેતુસર ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમો સહિત વિવિધ પ્રકારનાં આયોજનો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ભાવનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લામાં વસતા કુલ ૬૭૩૮ દિવ્યાંગ મતદારોને મતદાન કરવામાં સુગમતા રહે એ હેતુસર સહાયકોની તેમજ વ્હીલચેર સહિતની વિવિધ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ – પીડબલ્યુડી મતદારો માટે પાંચ સ્પેશિયલ બુથ ઊભા કરવામાં આવનાર છે. તદુપરાંત, કોઇ પણ દિવ્યાંગ મતદાર મતાધિકારથી વંચિત ન રહે તે હેતુથી મતદાર મતદાન મથક સુધી પહોંચી શકે એ માટે વાહનની સુવિધા પૂરી પાડવામાં આવશે. જિલ્લામાં દૃષ્ટિની ખામીવાળા ૭૬૪ મતદાર, બોલી કે સાંભળી ન શકનારા ૫૦૧ મતદાર, હાથ અથવા પગની ખામીવાળા ૪૨૬૦ મતદાર અથવા તે સિવાયની અન્ય દિવ્યાંગતા ધરાવનારા ૧૨૧૩ મળી કુલ ૬૭૩૮ દિવ્યાંગ મતદારો નોંધાયેલા છે. આ તમામ મતદારો માટે તંત્ર દ્વારા વ્હીલચેર તેમજ સહાયકોની વ્યવસ્થા કરવામાં આવશે.

આ માટે રચવામાં આવેલી પીડબલ્યૂડી કમિટીના નોડલ અધિકારી વૈશાલીબેન જોશી તેમજ મદદનીશ નોડલ પ્રદીપસિંહ ગોહિલ અને તેજપાલસિંહ ગોહિલ દ્વારા દિવ્યાંગ મતદારો માટે તેમજ મેન્ટલી રિટાર્ડેડ બાળકો માટે મતદાર જાગૃતિ કાર્યક્રમો, ઈફસ્ નિદર્શન, સ્પેશિયલ ટીચર્સ માટેની તાલીમ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા તેમજ પોલિંગ સ્ટાફને પણ આ માટેની વિશેષ તાલીમની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

Previous articleપ્રોટેક્ટ અવર સ્પેસીસ ચિત્ર સ્પર્ધા
Next articleભાજપના ભારતીબેન શિયાળના સમર્થનમાં ગ્રામ્ય પંથકમાં જાહેરસભા અને રોડ-શો