ભાવનગર લોકસભા બેઠકનું સરેરાશ ૫૮.૧૪ ટકા મતદાન

953

ગુજરાત રાજ્યની સાથો સાથ આજે ભાવનગર લોકસભાની બેઠકની ચૂંટણી યોજાયેલ જેમાં સવારથી ભારે ઉત્સાહ સાથે મતદાનનો પ્રારંભ થયેલ અને સાંજે ૬ વાગ્યા સુધીમાં ભાવનગરનું સરેરાશ મતદાન ૫૮.૧૪ ટકા થયું હતું. તંત્ર દ્વારા શ્રેષ્ઠ વ્યવસ્થા સાથે પોલીસ અને પેરામીલ્ટ્રી ફોર્સ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. જેના કારણે ભાવનગર બેઠક પર શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું હતું.

ભાવનગર લોકસભા બેઠક માટે આજે સવારે ૭ વાગ્યાથી મતદાનનો પ્રારંભ થયો હતો. આ વખતે અગાઉથી જ મતદાન માટે લોકોમાં ભારે ઉત્સાહ દેખાવા ઉપરાંત, સોશ્યલ મીડીયામાં તેમજ તંત્ર દ્વારા પણ મતદાન જાગૃતિના કાર્યક્રમો સાથે લોકોને પ્રેરીત કરવાનાં કારણે શહેર-જિલ્લાનાં તમામ મતદાન બુથો ઉપર વહેલી સવારથી જ મતદાન કરવા માટે લોકોની ભીડ શરૂ રહી હતી. શહેરના મોટા ભાગનાં મતદાન મથકો ઉપર બપોર સુધી લગભગ સતત મતદારોનો પ્રવાહ અવિરત રહ્યો હતો. જ્યારે બપોરનાં સમયે ગરમીના કારણે મતદાન થોડું ધીમું રહ્યું હતું.

ગ્રામ્ય કક્ષાએ પણ મતદાન માટે લોકોએ ભારે જાગૃતતા દર્શાવી હતી. અને સવારથી જ મતદાન મથકો ઉપર મતદારોએ કતારો લગાવી હતી. કેટલાક બુથો ઉપર મતદાન પ્રક્રિયા ધીમી હોવાથી  તો કેટલાક બુથો ઉપર ઇવીએમમાં ખોટકો સર્જાયાની ફરીયાદો ઉઠવા પામી હતી. પરંતુ તંત્ર દ્વારા તેનો તુરંત નિકાલ કરવામાં આવ્યો હતો અને ફરીથી મતદાન શરૂ કરવામાં આવેલ.

ભાવનગર શહેરમાં વિવિધ રાજકીય આગેવાનો અને ઉદ્યોગપતિઓ, વેપારીઓ, સંસ્થાનાં વડાઓ તેમજ ધર્મગુરૂઓ દ્વારા લગભગ સવારનાં સમયે જ મતદાન કરી પોતાની ફરજ નિભાવી હતી. જ્યારે આ વખતે યુવાનોમાં મતદાન માટે ભારે ઉત્સાહ દેખાયો હતો અને પ્રથમ વખત મતદાન કરતા યુવાનો અને યુવતીઓએ પણ ઉત્સાહ દેખાડ્યો હતો. તેની સામે સીનીયર સીટીઝનો દ્વારા પણ સવારના સમયે જ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું. ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો તેમજ મહિલાઓએ પણ આ વખતે ચૂંટણીમાં મતદાન કરવા ભારે જાગૃતતા દર્શાવતા મતદાન મથકો ઉપર કતારો લાગી હતી. જો કે તંત્ર દ્વારા કરાયેલી વ્યવસ્થા અને ચુસ્ત બંદોબસ્તનાં કારણે અપવાદ રૂપ કિસ્સાને બાદ કરતા એકપણ સ્થળે ગરબડી કે ધાંધલ-ધમાલ થવા પામી ન હતી અને શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન થયું હતું.

સાંજ સુધીમાં ભાવનગર લોકસભા બેઠક ઉપર સરેરાશ ૫૮.૪૧ ટકા મતદાન નોંધાયું હતું. જે ગત ચૂંટણી કરતા ૧.૧૪ ટકા વધુ થયું હતું. જો કે સવારથી મતદાન મથકો ઉપર થયેલી ભીડથી ભાવનગરમાં ૬૫ ટકા જેટલું મતદાન થશે તેવી જાણકારો દ્વારા લગાવાયેલી અટકળો ખોટી પડી હતી. છતાં ગત લોકસભાની ચૂંટણી કરતા આ વખતે વધુ મતદાન થવા પામ્યું હતું અને ભાવનગર બેઠક ઉપર લડતા ભાજપ-કોંગ્રેસ સહિત ૧૦ ઉમેદવારોનું ભાવી ઇવીએમમાં સીલ થયું હતું. હવે ૧ મહિને એટલે કે તા.૨૩ મે ના રોજ મતગણતરી થશે અને ત્યારે પરીણામ જાહેર થશે.

Previous articleમનહર પટેલે પાણવી ગામે મતદાન કર્યું
Next articleભાવનગરમાં ખુટીયાનો ત્રાસ