માઈક્રો સ્ટોરી શણગારની માઈક્રો રચનાઓ

1383

નમસ્કાર મિત્રો, દર ગુરુવારે લોકસંસારના પાના પર માઈક્રોફિક્શન વાર્તાઓ પોતાનો મૌલિક સંસાર લઈ આપની સમક્ષ આવે છે. માઈક્રોફિક્શન વાર્તાઓને પોકેટ ડાયરી પણ કહી શકીએ કારણ એ વાંચવામાં ખૂબ ટુંકી પણ રસપ્રદ હોય છે.માઈક્રો વાર્તા વાચકને આરંભથી અંત લગી ખેંચી રાખે છે.ગદ્ય સાહિત્યનો આ ટૂંકો પ્રકાર રચવામાં ’માઈક્રો સ્ટોરી શણગાર પરિવારના લોકો પ્રયત્ન કરે છે.વાચકો, સ્ટોરી શણગારના સદસ્યો દ્વારા રચાયેલી આ વાર્તાઓ વાંચી પ્રતિભાવ મોકલશો.

જીવન-એક સંઘર્ષ

“કેવો રહ્યો આજનો દિવસ! ન્યાય…આ દુનિયા ન્યાયની વાતો કરે છે, ન્યાય શું થયો હતો એ તો હું જાણું જ છું. લોકોની સૂફીયાણી વાતો માત્ર સાંભળવા માટે જ સારી લાગે, બાકી તો પોતાની ઉપર વીતે ત્યારે જ ખબર પડે. પપ્પાએ તે લોકો માટે કેટલું કર્યું હતું! હા, તે લોકો જ કહેવાય ને? કારણ કે તે લોકો સગા સંબંધી તો ત્યારે જ ન્હોતા રહ્યા જ્યારે તેઓએ મારા પપ્પા-પોતાના કાકા વિરૂદ્ધ કોર્ટ કેસ માંડેલો. એ આઘાત પપ્પાના મનમાં ઊંડો ઘા કરી ગયેલ અને તેમાં જ પપ્પાને હાર્ટએટેક આવ્યો અને મે બાપની છત્રછાયા ગુમાવી. પણ હજુ તે લોકોની ઇચ્છાઓ શમી નહોતી. પથ્થરનું કાળજું પણ કદાચ દ્રવી ઉઠે પણ આ કેવા લોકો?” આટલું વિચારીને ચશ્માની ફ્રેમ સાફ કરી અને પપ્પાના ફોટા સામે જોતા મનમાં ગીત યાદ આવ્યુ “જીવન એક સંઘર્ષ હે…”

– સાગર ઓઝા

કપટ

હોસ્પિટલમાં ઇન્જેક્શન મુકતા જ મમતા ઢળી પડી. આંખો સામે અંધકાર… ધીરે-ધીરે સૂર્ય ઊગ્યો ને અંધકાર દૂર થયો. પણ…પોતે ક્યાં…? આજુબાજુ બસ વાદળો જ દેખાતા હતા. વાદળો પાર કર્યા ત્યાં કોઈ મોટા મહેલનો દરવાજો દેખાયો!  દરવાજો ખુલ્યો, મમતા અંદર ગઇ. અંદર પ્રવેશતાં જ ફૂલોનો બગીચો દેખાયો. રંગબેરંગી ફૂલો તોડી મમતાએ મહેલમાં ભગવાનના ચરણોમાં મુક્યાં. ભગવાને ખુશ થઇ આંખો ખોલી અને મમતાની ઈચ્છા મુજબ એક સુંદર નાની પરી પ્રગટ કરી! એને નીચે મૂકી એમણે મમતા તરફ આંગળી કરી. ગુલાબી કલરનું ઝૂલવાળું ફ્રોક , મોતી જેવી નાની આંખો , ખીલખીલાટ હસતી એ નાની પગલીઓ ભરી મમતા તરફ દોડી. મમતાએ એને બાથમાં લેવા ઘૂંટણિયે બેસી બે હાથ ખુલ્લા કર્યા. ખુશીથી હૃદય ભરાઈ ગયું અને આંખો છલકાઈ ગઈ. મન વધુ ઉતાવળું થઇ ગયું. પરી દોડી રહી હતી. અને… અચાનક… ખચ્ચા…ક. મમતાએ ડરથી આંખો ખોલી. પોતે ઓ.ટી.માં કેમ..? આ વિચાર આવતાં જ કાંપતા હાથે પેટ પર હાથ ફેરવ્યો… પરી…? પતિએ આચરેલ કપટ સમજાતાં ધ્રુસકે-ધ્રુસકે રડી  પડી.

– પલ્લવી ગોહિલ

વાંઝણી

આજે નેહા અને વિજય ના  લગ્નને ચાર વર્ષ પૂર્ણ થયા.. આ ચાર વર્ષમાં તો કપિલા બાએ  ચારસો વાર સંભળાવ્યું!!!તું  વાંઝણી છે. તું મારો વારસદાર નહિ આપી શકે  તારામાજ કોઈ ખોટ છે!!! પણ નેહા સાસુ  ની સામે કંઇજ ના બોલી કારણ  નેહા ને ખબર છે ખોટ કોના મા છે!!પણ આ વાત વિજય  સાંભળી જાય છે ને બીજા દિવસે  કપિલા બા ના ખોળામાં એક સુંદર મજાનો એક માસ નો દીકરો લાવી મૂકે છે!! બા લો આ તમારો ઉત્તરાધિકારી!! ને બા એકદમ સુન મૂન થઇ જાય છે ને બાળક ને જોવે છે…ને …? વિજયને જોવે છે ત્યાંજ વિજય કહે છે !!! બા ખોટ મારામાં છે !!!! નેહામાં નહિ!!!!!!!! એટલે મેં  અનાથ આશ્રમ મા વાત કરી રાખી હતી કે મને કોઈ બાળક આવે ત્યારે જાણ કરજો.  .ને બા આજે જોગનું જોગ આજે..જ એમનો ફોન આવ્યો ને હું આપણા વારસદાર ને લઇ આવ્યો……બા હવે તો ખુશ ને???? ને કપિલા બા એકદમ સજ્જડ થઇ ગયા!!! વહુ ને વાંઝણી કહેનાર કપિલા બા પાસે આજે શબ્દો ન હતા.

– નયના પટેલ  “નૈન”

તિરછી નજર

આખરે ઉજાગરાનો અંત આવ્યો.લગન ઉકલી ગયાં.શાન્તાકાકીએ દીકરી સંગીતાને સાસરે વળાવી.ચાલીસી વટાવી ચૂકેલાં શાન્તાકાકી હજુ પણ ત્રીસીમાં હોય એવાં લાગતાં હતાં.હવે તો દીકરી પણ સાસરે હતી.પતિ તો સંગીતા દસ વરસની હતી ત્યારે મૃત્યુ પામ્યો હતો.બાજુના મકાનમાં જ ભાડે રહેતા ચાર કોલેજીયન યુવકો ક્યારેક ક્યારેક શાન્તાકાકીનું નાનુંમોટું કામ કરી દેતા.પાડોશી હોવાના નાતે એ ચારેય યુવકો સંગીતાના લગ્નમાં પણ ખડેપગે હાજર રહ્યા હતા. શાન્તાકાકી બધું સમુંનમું કરતાં કરતાં દીકરીના રૂમમાં ગયા અને જેવું કબાટનું ખાનું ખોલ્યું કે ગર્ભ-નિરોધક ગોળીનું એક પેકેટ હાથમાં આવી ગયું.એ ઘડીક તમતમી ગયાં. જેવું એ પેકેટ ખૂણામાં પડેલી ડસ્ટબીનમાં ઘા કરવા ગયાં એ જ ઘડીએ એક યુવકે બારણામાં ડોકીયું કર્યું અને શાન્તાકાકીએ સહેજ તિરછી નજરે એની તરફ જોયું. એ મનમાંને મનમાં સહેજ મલકાયાં અને હાથમાં રહેલું પેલું પેકેટ હળવેક રહીને વળી પાછું કબાટના ખાનામાં મૂકી દીધું.

– ડૉ.કિશોર એન.ઠક્કર.

પરિસ્થિતિ

પાણી ભરેલો ગ્લાસ લેતા તેની આંગળીનો સ્પર્શ થયો. આમ તો તેને જોતા જ આંખમાં ચમક આવી ગઇ હતી અને તેમાં આ અછડતો સ્પર્શ…. આખા શરીરે ઝણઝણાટી પ્રસરી ગઇ. ત્યાં અચાનક ગ્લાસ છટકયો.. અને જમીન પર ફેલાઇ ગયા કાચના ટુકડા… ઘીમેથી નીચે બેસીને તે કાચના ટુકડા વિણવા લાગી અને એક ટુકડો તેની આંગળીમાં…. ’મા’ … તેની હળવી ચીસ સાથે મારું ધ્યાન તેની આંગળીમાંથી ટપકતા લોહી પર પડયુ, અને મેં પણ નીચે બેસીને લોહીવાળી તેની આંગળી મારા મોઢામાં મુકી દીઘી. રાહતના ભાવ સાથે તેણે આંખ મીંચી. બે – ચાર ક્ષણ સુઘી હું તેનો હાથ પસરાવતો રહ્યો. પણ… ગ્લાસ લેતી વખતે અછડતા સ્પર્શથી થયેલી ઝણઝણાટી હવે સ્થિર થઇ ગઇ હતી. આ વખતે ઝણઝણાટી ન થઇ… મને પણ નવાઇ લાગી..

– દિપા સોની ’સોનુ’

ઓળખ

‘આવી કાળઝાળ ગરમીમાં આ એરકન્ડિશનર પણ કામ નથી આવતું ’  બેંકમાં પેન્શનરોની લાઈનમાં ઉભેલ બે વડીલો વાત કરી રહ્યા હતા.. મેનેજર મી.શાહે સોનેરી ફ્રેમના ચશ્માને જરા સરખાં કરી અને કાચ માંથી  લાઈનમાં ઉભેલ એક વડીલને ઓળખવા પ્રયત્નો તો કર્યા..પણ ન ફાવ્યા. લાઇન આગળ વધતી રહી તેમ  એક વડીલ આગળ આવતા ગયા. ’ એજ ઝીણી આંખો, બે ભમ્મર વચ્ચે એક નાનો મસો, કરચલીથી ઝુકેલા ગાલ, અને બે હોઠ વચ્ચે એક સફેદ ડાઘ !!!!!  હા !! આ તો એ જ મારા… ઓહઃ…આ શું થઈ રહ્યું છે ? જલ્દી બહાર જાઉં  !!! પગે પડું ? ગળે લગાડું ? મારી કેબિનમાં લઈ ને આવું ? ’ કેટકેટલા સવાલો મી.શાહને આવી ગયા.. પણ આ તો એજ ને કે જે …મને એક  અનાથની જેમ !!!! “”મી.દલવાડી …” નામની હાકલ કેશિયરે પાડી.

– અલ્પા પંડયા દેસાઈ

પાનેતર….

મારી નાનપણની બહેનપણી, મારી જીગરજાન સખી દિવ્યાએ આજે ચાલીસ વર્ષ પછી એકાએક ફરી લગ્ન કરવાનો નિર્ણય લીધો!   મને એના પતિના મૃત્યુ પછી મળી ત્યારે ચોખ્ખા શબ્દોમાં કહ્યું હતું કે “હવે હુ ફરી સંસાર નહી માંડુ દિકરી ને મોટી કરીશ.”

મને થયું આજે એની દિકરી પરણવા જેવડી થઈ ગઈ છે ને દિવ્યાને ફરીવાર આ ઉંમરે પાનેતર પહેરવાના એવા તે શું ઓરતા જાગ્યા! મેં દિવ્યાની દિકરીને મળીને વાત કરવાનું નક્કી કર્યું.  પલકને એક હોટલમાં બોલાવીને પૂછ્યું. એ બોલી “માસી મેં જ મમ્મીને કહ્યું કે તું ફરી પરણી જા.” “આખો દિવસ કામને જમવાના સમયે પુરૂ જમવા પણ ના આપવું? ને હવે તો અમને મા દિકરી ને માર પડવા લાગ્યો હતો.” પલકની વાતની ખરાઈ કરવા બીજે દિવસે હું એના ઘરે ગઈ, ને જોયું તો એના વિદેશ રેહતા ભાઈ ભાભી કાયમ માટે દેશમાં સ્થાયી થઈ ગયા હતાં…મારે પછી કાંઈ જાણવાની જરૂર ન પડી !!!

– સંજય ભટ્ટ

ખર્ચા

સ્ત્રી તરીકેની શારીરિક સ્વચ્છતા અંગે બેદરકારીને કારણે આરતીની માતાનું અકાળે અવસાન થયું અને બાપની ટૂંકી મિલકતે તેને ગામડે પરણાવી. ખેતરમાં રહેવાનું ને વાસીદા વાળવાના. ક્યારેક પતિ દિનેશ જોડે ખેતરે પણ જવું પડે. આરોગ્ય ખાતાની સ્ત્રી સ્વચ્છતા અંગેની ટી.વી.ની જાહેરાત આરતીના મનમાં માતાના મૃત્યુનો ઘા ખોતરી ગઇ. પોતાની સાથે આ ઘટનાનું પુનરાવર્તન ન થાય એ માટે તેણે દિનેશને સેનિટેશન પૅડ લાવી આપવા જણાવ્યું. “આવી શરમ વગરની કેવી વાત કરે છે? આવા ખોટા ખર્ચા આપણને ના પરવડે. એવા તાયફા શે’રવવાળાને સોપ્યા..”- દિનેશના આ જવાબ સાથે આરતીની વાતનો કટકો થઇ ગયો. સાંજે ઘરમાં ગામના ભાઇબંધોની મહેફિલ જામી રહી હતી. પોતાની મહેમાનગતિનો મોટો દેખાડો કરી રહ્યો હોય તેમ દિનેશે ૧૫ મસાલા, ૧૦ વિમલ અને ૫ ઝૂડી બીડી મંગાવવા ગલીના છોકરાને રુપિયા આપતી વખતે સેનેટરીપૅડની યાદીવાળું કાગળ ડૂચો બનાવીને ફેંક્યું.

– શ્રધ્ધા ભાવસાર

ઘમંડ

તેને ગર્વ હતો.આમ તો ગર્વ નહીં,પણ ઘમંડ કહી શકાય તે હદે ગર્વ હતો. આ પ્રજા સૌથી મહાન છે. સૌ પ્રથમ કોઈ કામ કરી શકે તો અમે જ હોઈએ અને અમારા વિના શક્ય જ નથી. બીજાને તો તે ફાલતુ સમજાતો. ગઈ કાલે હજુ દક્ષિણ ધ્રુવ પ્રદેશ સર કરવા બાબતે આખા દેશ સમક્ષ દાવો કરી દીધો કે કોઈ સવાલ જ નથી આપણે જ પહેલા છીએ. આર્થરના આ દાવા પર આખો દેશ મુસ્તાક હતો.તેને સફરનો આરંભ કર્યો અને જ્યાં જ્યાં તેની ટુકડી સાથે ગયો ત્યાં આ દાવાને મજબૂત બનાવ્યો. તેની ટુકડીમાં વિવિધ ક્ષેત્રોમાંથી ચુનંદા લોકોને એકઠા કર્યા હતા. તેનો હરિફ જાણે હવામાં ઓગળી ગયો હતો,કોઈ ભાળ મળતી જ ના હતી.તેને પરવા પણ ના હતી. અંતે તે સમય આવ્યો. અનેક કઠણાઈઓ પાર કરી નજીક પહોંચ્યા અને હરિફનો ઘ્વજ લહેરાતો જોઈ તેનું હૃદય બેસી ગયું…

– શ્રેયસ ત્રિવેદી

બદલો

સતત વીસ વર્ષથી સરપંચ તરીકે ચૂંટાતો ગોપાલ ગામનાં જ કરશનનાં વિરોધ અને ગામનાં લોકોમાં કરશન પ્રત્યેનાં આદરને કારણે જ્યારે ના ચૂંટાયો ત્યારે તેનામાં બદલાની આગ ભભૂકી ઊઠી. કોઈપણ ભોગે તે હવે કરશનને કાયમ માટે રસ્તામાંથી હટાવી દેવા મરણીયો થયો હતો. તો સામે કરશન પણ ચેતી ગયો હોય એમ હંમેશા સાવધ રહેતો. ઘણાં સમય પછી આજે એ મોકો મળી જ ગયો. બહેનનાં ગામમાં એક લગ્ન પતાવીને રાત્રે એ એકલો જ સીમ બાજુએથી આવવાનો હતો એવા ગોપાલને વાવડ મળ્યા હતાં. ’આજે તો કરશનનો ખેલ ખતમ જ’ એવા નીર્ધાર સાથે ગોપાલ સીમમાં બેસીને અંધારામાં કરશનની વાટ જોઇ રહ્યો હતો. કરશન દેખાયો, સાથે એની નાની દીકરી પણ હતી. કરશને ગોપાલને હાથમાં બંદૂક સાથે જોયો અને એમ જ જડાઈ ગયો. ગોપાલ ભરી બંદૂકે કરશનની નજીક આવ્યો અને ભીની આંખે કરશનની નાની દીકરી માથે હાથ મૂકીને ગામ તરફ દોડી પડ્યો.

– રોહિત વણપરિયા

સનસની

વીલા મોંએ બહાર આવેલા મીતે ખુરશીમાં પોતાનો ઘા કર્યો અને માથું પકડીને બેસી ગયો.  “ક્યાંથી લાવવી રોજ રોજ સનસની સ્ટોરી..? આખા શહેરમાં ગાંડાની જેમ રખડીને કેટલી સનસની સ્ટોરી લાવું છુંપ પણ સાહેબ કોણ જાણે ક્યારે ખુશ થશે?  “હેલોપ?” મીતે આવેલ કોલને રિસિવ કરતાં પૂછ્યું  “યાર, હવે મારાથી નથી સહન થાતુ. આજે એણે ફરી મારી મોકલાવેલ ગિફ્ટ તોડીફોડીને મને પાછી મોકલી દીધીપ એ કેમ આવું કરે છે?  કોલ કરનારે એનો ઉકળાટ ઠાલવ્યો  “તો તુ શા માટે એને મનાવવાની કોશિષ કરે છે. એ તને ભુલી ગઈ છે તો તુ પણ એને ભુલી જા ને યાર!” મીતે પોતાનો બધો ગુસ્સો પોતાના દોસ્ત પર ઠાલવી દીધો. “હા, હુ  એને ભુલવા જઈ રહ્યો છુ. એના બિલ્ડીંગની અગાશી પર ઉભો છુ.” કોલ કટ થઈ ગયોપ  હેં? એટલે? શું કરવા જઈ રહ્યો છે પાગલ?  “માથુરપ કેમેરો લઈ લે” મીતે રાડ પાડીને કહ્યું ચાલ ફટાફટ સનરાઈઝ હાઈરાઈઝપ.

-દક્ષા દવે ’રંજન’

બગીચો

અનાથ આશ્રમના ટ્રસ્ટી હોવાનો સોહનલાલ પૂરેપૂરો ફાયદો?? ગેરફાયદો જ ઉઠાવી રહ્યા હતા. એક ટ્રસ્ટી શું હતાં, આખા અનાથ આશ્રમની સજીવ નિર્જીવ વસ્તુ પર પોતાનો માલિકી ભાવ રાખતા હતા. જન્મથી જ અનાથ આશ્રમમાં ઉછેરેલી નાની નાની બાળાઓ વહાલ અને ઉપભોગ વચ્ચેનો તફાવત સમજતી નહી. સોહનલાલ તેમના મૌનને સહમતી અને ખામોશીને શરણાગતિ સમજતા હતા. મેટ્રન પણ સોહનલાલના પૈસા અને પાવર સામે ચૂપ જ  રહેતી. આજે નવી આવેલી પરીનો પહેલી વાર વારો હતો. મૂછમાં હરખાતા ને ઓડકાર ખાતા સોહનલાલ, પરી સાથે રૂમમાંથી બહાર આવ્યા. આમતેમ નજર ફરતા તેમનું ધ્યાન સુંદર ફૂલોથી શોભતી નાની બાલવાટીકા પર પડ્યું. ને ત્યાં કામ કરતા રવજી માળીને બોલાવ્યો, “ રવજી, બગીચાનું ધ્યાન તો બહુ સરસ રાખે છે ને કંઈ! હવે એક કામ કર, અહીં એક બોર્ડ મારી દે, કોઈએ ફૂલ તોડવા નહીં કે અડવું પણ નહીં.”

– અલ્પા વસા.

આંચકો

જયસુખકાકા એક આદર્શ શિક્ષક હતા. પરંતુ થોડા જિદ્દી સ્વભાવના. એમને સંતાનમાં  એક દીકરો અને એક દીકરી હતા. બંને એમને ખૂબ વહાલા. દીકરાને ઉચ્ચ અભ્યાસ માટે દિલ પર પથ્થર મૂકી કચ્છના ગાંધીધામની હોસ્ટેલમાં મુકવાનો નિર્ણય લીધો. પરંતુ એમના પત્ની આ નિર્ણયથી નાખુશ હતા. એમણે જયસુખકાકાને બહુ કાલાવાલા કર્યા કે મારા દીકરાને મારાથી દૂર ના કરો. પરંતુ તેઓ એકના બે ના થયા. હજી એમનો દીકરો ભણવા ગયો ને માંડ એક મહિનો જ થયો હતો. એક દિવસ તેઓ આરામ ખુરશીમાં બેસી ટીવી પર સમાચાર જોઈ રહ્યા હતા. અને ચેનલ બદલતા બદલતા એમના હાથ અચાનક થંભી ગયા. ટીવી પર સમાચાર આવી રહ્યા હતા કે ભૂકંપને લીધે કચ્છમાં સર્જાયેલી હોનારત… એમને ફાળ પડી, “અરે… આ તો એ જ ગાંધીધામ જ્યાં મારો દીકરો…” અને હાથમાંથી રિમોટ છટકી ગયું અને જીવ તાળવે ચોંટી ગયો. અને બસ જાણે એમનું જીવન ત્યાં જ થંભી ગયું.

-જિજ્ઞાસા પટેલ

‘ઈસ્ટર એગ’

ઈરાઃ મમ્મી,” સ્કૂલમાં ઈસ્ટર વેકેશન પડવાનુ છે એ વીકમાં સ્કૂલનો ફેસ્ટિવલ પણ છે, મારે ઈસ્ટર એગ લઈ જવાના છે પેઈન્ટ કરવા.” ઈરાઃ દાદી કહેતા’તા,” આપણે શાકાહારી છીએ, એટલે એગ ઘરમાં ના લવાય, દાદીએ કીધું તારા ટીચરને કહેજે અમે ભારતના શાકાહારી છીએ અમારે ત્યાં મોરના ઈંડા હોય જેને ચિતરવા ના પડે.” મમ્મી,”કેથી અને ઈસાબેલા લાવશે એ એગ ચિતરી લઈશ પણ..! પ્લીઝ એક્ષપ્લેન મી.. પ્લીઝ..! મોરનાં ઈંડા ચિતરવા ના પડે એટલે શું? આઈ ફિલ કન્ફ્યુઝડ અમોંગ કલાસ એન્ડ ફ્રેંડસ.” વિદેશની ધરતી પર ભારતીય, શાકાહારી કુળમાં જન્મેલી અને કેથોલિક સ્કૂલમાં ભણતી ઈરાની જનરેશનને શું જવાબ આપવો એ અવઢવમાં ઈરાની મમ્મી ખોવાઈ ગઈ.વિદેશી શિક્ષણ અને તહેવારમાં વણાયેલ ઈંડા ચિતરણની નિર્દોષ રમત ઘરમાં અણુ બૉમ્બ બની ફુટશે.

– મિનલ પંડ્યા

હાસ્ય

રોશની અને રજત, પોતપોતાની  નીજી જિંદગીમાં અત્યંત વ્યસ્ત. પારિવારિક રીતે એકમેકથી જોડાયેલા, પરંતુ અંગત જીવન ?? ગઈકાલે ધામધુમથી કરેલી ઉજવણી… અવસર હતો લગ્નજયંતીના પ્રથમ દશકની પુર્ણતા. બધા શુભેચ્છકોએ ’જોડી નં. ૧’ ’પ્રેમી પંખીડા’ ’શ્રેષ્ઠ દંપતી’ ઇત્યાદિ  વિવિધ ખિતાબથી બન્નેને નવાજ્યા હતા. સુંદર આયોજનના   ખુબ વખાણ કર્યા હતા.

બહારથી ખુશ દેખાતી રોશની પોતાની બધી જ ફરજો પ્રેમપૂર્વક અદા કરીને આદર્શ વહુ બની ગઈ હતી. પરંતુ માતાનું બિરુદ નહોતું મળ્યું. એક ખાલીપો..રજતે રોશનીને બધાજ માન સન્માન આપ્યા હતા, પરંતુ તેની પ્રેયસી  ઋજુના સંપર્કમાં હતો. રજતના આ વર્તનથી રોશનીનું દિલ વ્યથિત થઇ જતું, પરંતુ રોશની ઘર પરિવારની પ્રતિષ્ઠા ખાતર ચૂપ હતી. મનમાં  તો જ્વાળામુખી ભભુક્યા કરતો  હતો. સાસુમાનો દરેક બાબતે ખુબ સહકાર હતો.  રજત ચા સાથે સમાચારપત્ર વાંચી રહ્યો હતો. અચાનક તેના  હાવભાવ બદલાયા, અને ત્યાંથી નીકળી ગયો. રોશનીએ એ જ સમાચારપત્રમાં વાંચ્યું, અકસ્માત માં થયેલ નિધન…તેના મુખ પર  અફસોસ સાથે ખંધુ હાસ્ય છવાઈ ગયું , અને તે સાસુમા પાસે દોડી ગઈ.

– ચેતના ગણાત્રા ‘ચેતુ ’

વાચકોના અભિપ્રાયો :

ખૂબ સુંદર અને પ્રોત્સાહિત કરતી પ્રવૃતિ

– ગિરિમલ સિંહ

ખૂબ સરસ કંઈક નવું જ !

– પિયુષ રાજ્યગુરુ

વાહ … આ તો ખૂબ સરસ માઈક્રો વાંચવા કરતા સાંભળતા વધુ સુંદર અને પરફેક્ટ ચિત્ર નજર સમક્ષ આવે છે.

– અલ્પા વસા

Previous articleરાજ્યમાં હિટવેવ ચેતવણી જારી
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે