પીવાના પાણીની જરૂરિયાતને પહોંચી વળવા તંત્ર સાબદુ

871

ભાવનગર જિલ્લા અને મહાપાલિકા વિસ્તારનાં વિવિધ ગામો અને શહેરી વિસ્તારોમાં પીવાના પાણીની મુશ્કેલીઓ હલ કરવા માટે પાણી પુરવઠા તંત્ર, સિંચાઈ વિભાગ અને મહાપાલિકા વોટર વર્ક્સ વિભાગ દ્વારા અલાયદુ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લામાં કુલ ૬૬૧ ગામ અને ૧૬ શહેરી વિસ્તારોનો સમાવેશ થાય છે. જેમાંથી હાલ ભાવનગરની ૧૨ તથા અમરેલી જિલ્લાની એક મળી કુલ ૧૩ ગ્રામ્ય જૂથ પાણી પુરવઠા યોજનાઓ મારફત જિલ્લાનાં ૪૯૩ ગામોને તેમની જરૂરિયાત મુજબ પાણી પૂરું પાડવામાં આવે છે. બાકીના ૧૬૮ ગામ પૈકી ૧૬૫ ગામ હાલ પોતાના લોકલ સોર્સમાંથી તેમજ ૩ ગામને ટેન્કર મારફત પાણી પહોંચાડવામાં આવે છે.

આ અંગે પાણી પુરવઠા વિભાગના અધિકારી બોદરના જણાવ્યા અનુસાર, ભાવનગર જિલ્લાના ૧૬ શહેરી વિસ્તારો (ભાવનગર અને પાલિતાણા સિવાય)ને નર્મદા નેટવર્ક પાઇપલાઇનમાંથી જરૂરિયાત મુજબ પાણી આપવામાં આવે છે. જ્યારે પાલિતાણા શહેર શેત્રુંજી ડેમમાંથી પૂરતા પ્રમાણમાં પાણી મેળવે છે તેમજ ભાવનગર શહેરને શેત્રુંજી ડેમ ઉપરાંત નર્મદા નેટવર્ક પાઇપલાઇનમાંથી જરૂરિયાત મુજબ પાણી આપવામાં આવે છે.

ભાવનગર જિલ્લામાં આગામી ઉનાળાની પરિસ્થિતિ તથા સંભવિત પાણી તંગીને ધ્યાને લઈ કન્ટિન્જન્સી માસ્ટર પ્લાન બનાવાયો છે. જે મુજબ સંભવિત પાણી તંગીવાળા કુલ ૧૨૩ ગામમાં ૮/૬ ઇંચના બોર હેન્ડપંપ તથા ટેન્કર મારફત પાણી પહોંચાડવા માટે કુલ રૂ. ૬૧૬.૫૫ લાખનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ જિલ્લાના જે ત્રણ ગામને ટેન્કરથી પાણી પૂરું પાડવામાં આવે છે, તેમાં ભાવનગર તાલુકાના ભડભડિયા, તળાજાના મીઠી વીરડી તેમજ શિહોરના ટોડાનો સમાવેશ થાય છે.

પાલિતાણા તાલુકાના શેત્રુંજી ડેમમાં ભાવનગર શહેર, પાલિતાણા શહેર તથા ગારીયાધાર અને પાલિતાણા તાલુકાનાં ૮૬ ગામ માટે પૂરતા પ્રમાણમાં પીવાના પાણીનો જથ્થો અનામત રાખાયો છે. આ જથ્થો આગામી જુલાઈ-૨૦૧૯ સુધી ચાલે તેટલો છે. આ અંગે સિંચાઈ વિભાગના અધિકારીશ્રી એસ.જી. પટેલના જણાવ્યા અનુસાર, જિલ્લાના શેત્રુંજી ડેમમાં ૧૧ ફૂટના જળસ્તરે હાલ ૩૭.૪૮ એમસીએમ જેટલો પીવાના પાણીનો જથ્થો છે, આ ઉપરાંત, વધારાનું ૩૦૦ એમસીએફટી પાણી ડેડ સ્ટોરેજ તરીકે અલાયદુ રાખવામાં આવેલ છે. આ ડેમમાંથી ગારીયાધાર, પાલિતાણા અને ભાવનગરના ૮૭ ગામોને પાણી પૂરું પાડવામાં આવે છે. આ ઉપરાંત, મહુવા તાલુકાના રોજકી ડેમમાં ૧૭ ગામ માટે વાર્ષિક ૫૦ એમસીએફટી પાણી અનામત રાખ્યું છે. રોજકી ડેમમાં હાલ ૮ ફૂટના જળસ્તરે ૦.૪૯૦૮ એમસીએમ પાણીનો જથ્થો છે. જેમાંથી કુલ ૧૭ ગામને પાણી આપવામા આવે છે.

અછત પાણી તંગી અન્વયે જિલ્લા અછત પાણી સમિતિ દ્વારા કુલ ૭૩ ગામ માટે બોર મંજૂર કરવામાં આવ્યા છે. જેમાંથી સફળ થયેલા ૪૮ બોર પૈકી ૪૪ ગામોમાં મશીનરી ફાળવી આપેલ છે. જ્યારે ૪ ગામમાં કામગીરી કરવાની રહે છે. જિલ્લાના ૫૪૮ ગામમાં હાલ કુલ ૨૪૯૭ હેન્ડ પંપ કાર્યરત્‌ છે. જિલ્લાની અછત પાણી સમિતિની બેઠક દર સોમવારે યોજાય છે. જેમાં ગામોની સમીક્ષા કરી, આવેલી દરખાસ્તોનો જરૂરિયાત મુજબ મંજૂરી આપીને નિકાલ કરવામાં આવે છે. રાજ્યમાં જાહેર કરવામાં આવેલા ૫૧ અછતગ્રસ્ત તાલુકામાં ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાનો સમાવેશ થાય છે. જે માટે કન્ટિન્જન્સી માસ્ટર પ્લાનમાં રૂ.૯૬.૫૦ લાખનું આયોજન કરવામાં આવેલ છે.

Previous articleભાવનગર જિલ્લાનાં ૧૩ પૈકી ૧૧ જળાશયો ખાલી
Next articleઅર્જુન-મલાઇકાના લગ્ન વિશે પરિણીતીએ આપી દીધું મોટું નિવેદન