શહેરમાં પરશુરામ જયંતિએ ભવ્ય શોભાયાત્રા

705

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ, અમદાવાદ શહેર દ્વારા ભારતીય સંસ્કૃતિ રક્ષક શસ્ત્ર અને શાસ્ત્રના પ્રખર જ્ઞાતા ચિરંજીવી દેવ ભગવાન પરશુરામદાદાની જન્મ જયંતિ નિમિતે આજે અમદાવાદ શહેરમાં ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સેંકડો ભાવિક ભકતો અને બ્રહ્મસમાજના આગેવાનો જોડાયા હતા. સુંદર શણગારેલી બગી, ભગવાન પરશુરામની વેશભૂષામાં બાળકો સહિતના આકર્ષણોએ શોભાયાત્રામાં રંગ જમાવ્યો હતો. સમગ્ર શોભાયાત્રા દરમ્યાન ભાવિકભકતો અને શ્રધ્ધાળુઓ જય પરશુરામ, જય પરશુરામના નારા લગાવતાં નજરે પડતાં હતા. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ, અમદાવાદ શહેર દ્વારા આયોજિત આ ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન સવારે ૭-૧૫ વાગ્યે પ્રાચીન કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિર, સારંગપુરથી સંત-મહંતોના આશીર્વાદ સાથે થયું હતું. શોભાયાત્રા તેના પરંપરાગત રૂટ ઉપર ફરીને બપોરે ૧૨-૩૦ વાગ્યે શ્રી રમુજીલાલ હોલ જ્વાહરચોક ચાર રસ્તા, મણિનગર મધ્યે ધર્મસભામાં પરિવર્તન થઈ હતી . જેમાં સંત મહંતો અને શ્રી અખિલેશ પ્રસાદ મહારાજશ્રી  દ્વારા પ્રાસંગિક આશીર્વચન સાથે પ્રસાદ લઈને જય પરશુરામના નારા સાથે વિરામ લેવામાં આવ્યો હતો. આ પ્રસંગે સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ, અમદાવાદ શહેરના પ્રમુખ શ્રી અનીલકુમાર.સી.શુક્લએ જણાવ્યું હતું કે, સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ અંતર્ગત અમે વિવિધ કાર્યક્રમો નું આયોજન કરીએ છીએ અને આજના આ શુભદિવસે  ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામ દાદાની જયંતિ નિમિતે આ ભવ્યશોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં કુલ ૨૦૦૦થી વધારે ભૂદેવો ભારે ઉત્સાહપૂર્વક જોડાયા હતા. ભગવાન શ્રી પરશુરામ દાદાની જયંતિ વૈશાખ સુદ ત્રીજ અક્ષયતૃતીયાના દિને તેમના જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. આ ભવ્ય શોભાયાત્રાનું  સમાજ ના અગ્રણીઓ અને  શ્રી અનીલકુમાર સી શુક્લ(પ્રમુખ),શ્રી હિતેષભાઇ.આર.ત્રિવેદી(મહામંત્રી) અને ખજાનચી શ્રી હિતેશ.પી.પંડ્‌યા દ્વારા કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા કર્ણમુક્તેશ્વર મહાદેવથી નીકળી રાયપુર દરવાજા, વેદ મંદિર ફૂટબોલ ગ્રાઉન્ડથી શ્રી પુષ્પકુંજ અપ્સરા થિયેટર થઈને રામબાગ સરદાર પટેલ હોસ્પિટલ, એલજી હોસ્પિટલ થઈ શ્રી નાથાલાલ જગડીયા પુલ મદ્રાસી મંદિર, શ્રી ભાલ્કેશ્વર મહાદેવ મંદિર, ખોખરા સર્કલ, ફિજિકલ ગ્રાઉન્ડ, સેવન્થ ડે સ્કૂલ, આવકાર હોલ, શ્રી મંગલેશ્વર મહાદેવ, જયમાલા જવાહર ચોક, શ્રી રમુજીલાલ હોલ થઈને ધર્મસભામાં સંપન્ન થઈ હતી.  શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ જોવા મળ્યા હતા.

Previous articleહવે અમે ફરીથી ચૂંટણીપંચ પાસે જઇશુ : ચંદ્રબાબૂ નાયડુ
Next articleઇન્ડીયન એરફોર્સના પૂર્વ સાર્જન્ટ અનીલ કુમાર કૌશીક કોંગ્રેસમાં જોડાયા