મારા પાપાને મારીને અહીં દાટ્યા છે દીકરીએ બહેનપણીને કહેતાં જ હત્યાનો ભેદ ખુલ્યો

4279

ઇડરના સમલાપુર ગામની સીમમાં વાંઘાના પટમાં મંગળવારે સાંજે નરકંકાલ મળી આવવાના પ્રકરણમાં ખેતમજૂર પતિની પ્રેમી સાથે મળી ચારેક માસ અગાઉ હત્યા કરી લાશ દાટી દેવામાં આવી હોવાનુ ૧૧ વર્ષીય દીકરીએ તેની બહેનપણીને વાત કરતા હત્યાકાંડનો ભાંડો ફૂટ્યો હતો. જોકે, ઘટના સ્થળે દોડી આવેલા પોલીસે વાંઘાના પટમાંથી કંકાલ બહાર કાઢી મૃતકની ઓળખ પ્રસ્થાપિત કરવા ડીએનએ પૃથક્કરણ કરવા અમદાવાદ મોકલી આપ્યુ છે.

ઇડર તાલુકાના સમલાપુર ગ્રામ પંચાયતના સરપંચના પતિ અને ગ્રા.પં.ના સભ્ય ભરતસિંહ સમરૂસિંહ રાઠોડે ગત તા.૦૭/૦૫/૧૯ ના રોજ સાંજે સવા સાતેક વાગ્યે ઇડર પોલીસને જાણ કરી હતી કે દિનેશસિંહ લાલસિંહ રાઠોડના ખેતર નજીક આવેલા વાંઘાના પટમાં કિનારા પર એક ખાડામાંથી માનવ અસ્થિ બહાર દેખાય છે જેને પગલે ઇડર પોલીસે તા. ૦૮/૦૫/૧૯ ના રોજ સવારે વાંઘાના પટમાં ખોદકામ કરી કંકાલ બહાર કાઢ્યુ હતું.

સમલાપુર ગામમાંથી કંકાલ મળી આવવાની ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી હતી અને લોકોના ટોળા ઉમટ્યા હતા તથા ખેતમજૂર તરીકે કામ કરતા વ્યક્તિનું ચારેક માસ અગાઉ પ્રેમી સાથે મળી પત્નીએ કાસળ કાઢી નાખ્યુ હોવાની ચર્ચાને પગલે હાજર લોકોએ ફીટકાર વરસાવ્યો હતો.

ગોવિંદભાઇ તડવીની ૧૧ વર્ષીય દીકરીએ તેની બહેનપણીને ગત તા.૦૭/૦૫/૧૯ ના રોજ બપોરે વાંઘાના પટમાં લઇ જઇ કહ્યું કે મારા પપ્પાને મારીને અહીં દાટી દીધા છે. આ દરમિયાન લાલાભાઇ અને કલાવતી બંનેને વાંધાના પટમાં જોઇ ગયા હતા અને લાલાભાઇએ બંને છોકરીઓને પકડવાનો પ્રયાસ કરતા એક છોકરી ભાગીને ગામમાં જઇ તેના પિતા પોપટજી ભીખાજી ઠાકોરને વાત કરતા તેમણે સરપંચના પતિને જાણ કરી હતી અને ગામલોકો પણ દોડી આવ્યા હતા અને બંને શકમંદોને કોર્ડન કરી પોલીસને જાણ કરી હતી.

ઇડર પોલીસે કંકાલને ડીએનએ પરીક્ષણ માટે મોકલી આપી બંને શકમંદ લાલાભાઇ ઠાકોર અને કલાવતી બેનની પૂછપરછ શરૂ કરી છે. સંભવિત મૃતક ગોવિંદભાઇ તડવીના પુત્રને કેવડીયાથી ઇડર બોલાવવામાં આવ્યો છે. તેના આવ્યા બાદ ગુરુવારે મોટા ભાગે આખાયે હત્યાકાંડ પરથી પડદો ઉચકાઇ જશે. નર્મદા જિલ્લાના કેવડીયાનો પરીવાર કાવા ગામમાં પાંચેક વર્ષ ખેતમજૂરી કર્યા બાદ છેલ્લા બે વર્ષથી સમલાપુરમાં દિનેશસિંહ લાલસિંહના કૂવા પર રહેતો હતો ચારેક મહિના અગાઉ ગોવિંદભાઇ તડવી જોવા ન મળતા ખેતરમાલિકે ગૂમ થવા અંગે ઇડર પોલીસને જાણ કરવા ગોવિંદભાઇની પત્ની કલાવતી બેનને અવાર-નવાર કહેવા છતાં પોલીસને જાણ કરવા ઇન્કાર કરતા હતા. કાવા ગામનો લાલાભાઇ કચરાભાઇ ઠાકોર પણ ખેતરમાં તેમની સાથે જ રહેતો હતો.

વાંઘામાંથી માત્ર માનવ કંકાલ જ મળ્યુ છે અત્યારે એડી નોંધી કંકાલને ડીએનએ પરીક્ષણ માટે મોકલ્યુ છે મૃતકની ઓળખ પ્રસ્થાપિત થઇ ગયા બાદ જ સ્પષ્ટતા થઇ શકશે. માતાએ અન્ય વ્યક્તિ સાથે મળીને પિતાનુ કાસળ કાઢ્યુ હોવાનો ભાંડો ફોડનાર ૧૧ વર્ષીય પુત્રીને તેની બહેનપણીના ઘેર રાખવામાં આવી છે. પિતા ચારેક માસથી લાપતા છે અને માતાની પૂછપરછ કરાઇ રહી છે.

Previous articleપ્રેમીએ છરીનાં ઘા મારી પ્રેમિકાની હત્યા કરતા ખળભળાટ, ૨ની ધરપકડ
Next articleસ્પાઈસ જેટમાં ૧૧મીથી બિઝનેસ ક્લાસમાં પ્રવાસ