અમરેલી, વડોદરા, ગાંધીનગર વિસ્તારમાં ખેડૂતોની જનતારેડ

914

છેલ્લા ચાર-પાંચ દિવસથી સમગ્ર સૌરાષ્ટ્ર સહિતના રાજયના જુદા જુદા વિસ્તારોમાં ખાતર કૌભાંડનો વિવાદ જોરદાર રીતે ગરમાયો છે. આજે પણ અમરેલી, બનાસકાંઠા, વડોદરા, ગાંધીનગર સહિતના રાજયના જુદા જુદા સ્થળોએ આજે પણ કોંગ્રેસના ધારાસભ્યો અને આગેવાનો દ્વારા ખેડૂતોને સાથે રાખી વિવિધ યાર્ડ અને ગોડાઉનમાં જનતા રેડ કરી ખાતરની તપાસણી કરતાં ખાતરના જથ્થામાં ઘટ હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી હતી ત્યારે ખાતર કૌભાંડને લઇ સમગ્ર મામલો ગરમાયો છે. બીજીબાજુ, આજે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પણ ખાતર કૌભાંડની સમીક્ષા અને જરૂરી સૂચના માટે તંત્રના અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી હતી. તો, બીજીબાજુ, જીએસએફસી તંત્ર દ્વારા પણ આજે ખેડૂતોને હૈયાધારણ આપી હતી કે, ખેડૂતોને ઓછા વજનવાળી ખાતરની બોરીઓ બદલી આપવામાં આવશે અને જે કિસ્સામાં ઓછુ ખાતર ખેડૂતોને મળ્યું હશે તેઓને પૂરો જથ્થો વિતરણ કરી દેવાશે. દરમ્યાન આજે કોંગ્રેસના વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયા બે વર્ષ જૂની ખાતરની થેલીમાં ઓછો જથ્થો હતો, તે સીલ પેક થેલી લઇને ગાંધીનગર વિધાનસભા ખાતે પહોંચ્યા હતા. તેમણે રાજયમાં વર્ષોથી ખાતર કૌભાંડ ચાલતુ હોવાનો ગંભીર આક્ષેેપ કર્યો હતો અને સરકારી તંત્રને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.

રાજયના અન્ય સ્થળોએ પણ આવી જનતા રેડ અને બોરીઓમાં ખાતરનો જથ્થો ઓછો હોવાની વાત સામે આવતાં ખેડૂતોમાં ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો હતો. આજે રાજયના અમરેલી, બનાસકાંઠા, વડોદરા, ગાંધીનગર સહિતના જુદા જુદા સ્થળોએ જનતા રેડ દરમ્યાન ખાતરની થેલીઓમાંથી સરેરાશ ૧૦૦થી ૬૦૦ ગ્રામ સુધીનું ખાતર ઓછુ હોવાનું સામે આવ્યું હતું. કેટલીક જગ્યાએ ખેડૂતોની જનતા રેડ જોઈને સંચાલકોએ ડેપો બંધ કરી દીધો હતો. જેથી ખેડૂતોએ પુરતુ ખાતર આપવાની માંગ કરી છે. બીજી તરફ સાવરકુંડલામાં પણ ધારાસભ્ય પ્રતાપ દુધાતે સુવિધા કેન્દ્રમાં રેડ પાડી હતી. જે દરમિયાન સુવિધા કેન્દ્ર બંધ જોવા મળતાં રોષે ભરાયા હતા અને સંચાલકોને બોલાવીને ઉઘડા લીધો હતો. નોંધનીય છે કે અહીંયા વજનકાંટા વગર જ ખેડૂતોને ખાતર આપવામાં આવતું હતું. સરદાર ખાતરની ૫૦ કિલો ગુણીમાં ૧ કિલો ૪૦૦ ગ્રામ ખાતર ઓછું હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હતો. રાજકોટના જેતપુર સહિત રાજયના જુદા જુદા સ્થળોએ ખાતર કૌભાંડની વિગતોના પર્દાફાશ અને મચેલા ખળભળાટ વચ્ચે અત્યારસુધીમાં અમરેલીના બાબરા, જેતપુર, રાજકોટ, સાણંદ, સાબરકાંઠા, જામનગર સહિતના રાજયના જુદા જુદા સ્થળોએ જનતા રેડ અને દરોડા પાડયા હતા અને હવે આજે અમરેલી, બનાસકાંઠા, વડોદરા, ગાંધીનગર સહિતના વધુ સ્થળોએ ખેડૂતોએ જનતા રેડ કરી માર્કેટ યાર્ડ અને ગોડાઉનમાં રખાયેલા ખાતરના જથ્થાને તપાસ્યો હતો, જેમાં પણ ખાતરનું વજન નિયત કરતાં ઓછુ નીકળતાં હવે સમગ્ર મામલામાં રાજયવ્યાપી કૌભાંડનો સમગ્ર મામલો ગરમાયો છે. બીજીબાજુ, હવે કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયા સહિત કોંગી આગેવાનો આજે એપ્રિલ-૨૦૧૭ની ખાતરની એક થેલી લઇ ગાંધીનગર સચિવાલય પહોંચ્યા હતા, જેમાં પણ ખાતરનો જથ્થો ઓછુ હોવાનું નીકળતાં રીબડીયાએ આક્ષેપ કર્યો હતો કે, રાજયમાં ખાતર કૌભાંડ કેટલા વર્ષોથી ચાલે છે તેની સરકારે તપાસ કરાવવી જોઇએ અને કૌભાંડમાં સંડોવાયેલા લોકો સામે કાયદાનુસાર કાર્યવાહી કરવી જોઇએ. બીજીબાજુ, વિવાદ વકરતાં આજે જીસએફસી સત્તાવાળાઓએ ખેડૂતોને ઓછા વજનવાળી ખાતરની બોરીઓ બદલી આપવાની ખાતરી આપી હતી. તો બીજબાજુ, સરકારે પણ હવે ખાતરની બોરીઓમાં ૫૦ કિલો અને ૧૨૦ ગ્રામ એટલે કે, ૧૨૦ ગ્રામ ખાતર વધુ આપવાની જાહેરાત કરી હતી કે જેથી ખેડૂતોને ખાતરમાં કોઇ ઘટ ના પડે કે નુકસાન ના થાય.

Previous articleદલીત મામલો : આખરે ૧૭ કી.મી. જાન પોલીસ બંદોબસ્તમાં વચ્ચે કાઢવામાં આવી
Next articleઅનુભવની આર-પાર