અનુભવની આર-પાર

933

અનુભવના ઓટલે કેટલાક સંવેદશીલ મુદ્દાઓ આપ સૌ સમક્ષ મૂકવાનું મન થાય છે. અશક્ત લોકોના પુનઃસ્થાપન માટે ભારત સરકારે વિકલાંગોના કલ્યાણ અને વિકાસ માટે વર્ષ ૨૦૧૬ માં વિકલાંગતા વિધેયક-૨૦૧૬ આપણી સંસદ દ્વારા પસાર કરી દેશના અનેક અશક્ત અને શારીરિક તેમજ માનસિક પડકારોનો સામનો કરતા લોકોને ભેટ આપી સરાહનીય કાર્ય કર્યુ છે. પરંતુ તેના અસરકારક અમલ માટે અધૂરા મનથી સરકાર પગલાં ભરી રહી છે તે એક ચિંતનનો વિષય બને તેમ છે. ભાવનગરની આ અંગે થોડી વાત કરીએ તો વિકલાંગતા વિધેયક-૨૦૧૬ ની કલમ-૭૨ મુજબ જિલ્લાકક્ષાની સમિતિની હજુ સુધી એક પણ બેઠક મળી નથી. તાજેતરમાં કલેકટરશ્રીની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન તા. ૧૧/૦૨/૨૦૧૯નાં પત્રથી કરવામાં આવ્યું છે તે આવકારદાયક છે. કલમ-૬૦ અંતર્ગત રાજ્ય સલાહકાર બોર્ડની નિયમિત બેઠકો બોલાવામાં આવતી નથી. ઉક્ત સંબંધી યોજનાલક્ષી બોર્ડની મીટિંગનાં અહેવાલ જે તે વિભાગોને મોકલવામાં આવતા નથી. હજુ સુધી ઉપરોક્ત કોઈ પણ બેઠકોમાં કાયદાના અસરકારક અમલ માટે ઊડીને આંખે વળગે તેવી નક્કર કામગીરી થઈ શકી નથી. કાનૂન અનુસાર જોગવાઈઓનો લાભ અદના અશક્ત વ્યક્તિને સમયસર મળી રહે તેવું સરકારનું આયોજન જોવા મળતું નથી. જ્યારે અમેરિકા, ઇંગ્લૅંડ, ફ્રાંસ અને કેનેડા જેવા અન્ય દેશો વિકલાંગ વ્યક્તિઓના શિક્ષણ, તાલીમ, રોજગાર અને તેના પુનઃસ્થાપનનાં કાર્યોમાં મોખરે રહી અશક્ત લોકોનાં કલ્યાણ અને અધિકાર માટે જાગૃત બની કામ કરી રહ્યા છે. યુનો (યુનાઇટેડ નેશન્સ) નાં ઘોષણા પત્રમાં અપાયેલ ખાતરી મુજબ ભૌતિક અને માનસિક વાતાવરણ પૂરું પાડી ઉત્તમ સમાજરચનાની દિશામાં આ દેશોએ કદમ ઉઠાવ્યા છે. આમ, આ દેશો આપણાથી ઘણા જ આગળ છે. વિકલાંગ ધારો-૧૯૯૫ શ્રી પી. વી. નરસિમ્હા રાવની સરકારે ભારતના વિકલાંગોને ભેટ આપી ઠીક-ઠીક કાર્ય કર્યું છે. જેના પરિણામો નેવુંના દાયકાએ આપણને આપ્યા છે. નેવુંના દાયકાએ આપણને વિકલાંગોના સશકતીકરણ માટે ત્રણ ખાસ કાનુન આપ્યા હતા. મેન્ટલ હેલ્થ એક્ટ, આર. સી. આઈ. એક્ટ અને નેશનલ ટ્રસ્ટ એક્ટ જેની વિગતોમાં પડીએ તો આખું પુસ્તક લખવું પડે. આ સમયગાળામાં તેમના શિક્ષણ, તાલીમ અને રોજગાર માટે નક્કર ઊપાયો કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિકલાંગોનાં સ્વરોજગાર માટે વિકલાંગ આર્થિક વિકાસ નિગમની રચના ખાસ ભંડોળ ફાળવી કરવામાં આવી હતી. જેના પરિણામે અસંખ્ય વિકલાંગોને પોતાનો ધંધો શરૂ કરવા નજીવા વ્યાજે લોન પ્રાપ્ત થઇ હતી. આમ, તત્કાલીન સરકારે પોતાની કટીબદ્ધતા પૂરવાર કરી છે. થોડી આગળની વાત લઈએ તો ૧૯૮૬ ની નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં વિકલાંગોના શિક્ષણને શિક્ષણનો દરજ્જો આપવામાં આવ્યો. તેમજ વિકલાંગોને પણ શિક્ષણનીતિના ચેપ્ટર ૬ હેઠળ શિક્ષણની વિશેષ સવલતો પૂરી પાડવામાં આવી હતી. આમ, અનેક ક્ષેત્રોમાં વિકલાંગોની ભાગીદારી વધે તેવા પ્રયાસો થયા હતા. જેની સાભાર નોંધ લેવાનો મારો યત્ન છે. નવો વિકલાંગ ધારો તૈયાર કરવા સરકારે વર્ષ ૨૦૧૦ થી પોતાના સંનિષ્ઠ પ્રયત્નો હાથ ધર્યા હતા. એક યા બીજા કારણોસર તેમાં સફળતા મળી ન હોવાથી ૨૦૧૬ સુધી આપણે પ્રતિક્ષા કરવી પડી છે. ખેર… લાંબી પ્રતિક્ષા પછી જે ફળ મળે તે મીઠા જ હશે. વર્ષો પહેલા કોઈ કાયદો ન હતો ત્યારે પણ દેશમાં વિકલાંગોને કામ મળતું હતું. ખાસ કરીને ગુજરાત રાજ્યમાં વિકલાંગોને સરળતાથી નોકરી મળતી હતી. જેમને નોકરી-ધંધા-રોજગારમાં તક મળતી હતી, તેવા વિકલાંગોને આજે જે માનસિક ત્રાસનો સામનો કરવો પડે છે તેવો કરવો પડતો ન હતો. જેમા સરકાર કરતા સમાજની નકારાત્મક વિચારધારા વધુ જવાબદાર છે. જે નિવારવા સરકારે ત્વરિત પગલાં લેવા જોઈએ.

આજકાલ મને આવી ઘણી ફરિયાદો મળે છે. હું આવી ફરિયાદો પ્રત્યે સરકારનું લેખિત અને મૌખિક ધ્યાન પણ દોરું છું. કેટલીક ફરિયાદો પર સરકાર તાકીદે સૂચનાઓ પણ બહાર પાડે છે, પરંતુ ફરજ પરના અધિકારીઓની ઉદાસિનતાના કારણે ધાર્યું પરિણામ મળતું નથી. આપણા રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા પ્રજ્ઞાચક્ષુ શિક્ષકોને તેના આચાર્ય દ્વારા તેમની મર્યાદાઓનો ખ્યાલ રાખ્યા વિના બે થી ત્રણ વર્ગોના બાળકોનાં શિક્ષણનું કામ સોંપવામાં આવતું હોય છે. કેટલીક વખત તો નવા પ્રવેશ પામેલ ધોરણ ૧ ના બાળકોનો વર્ગ પણ સોંપવામાં આવે છે. આવા બાળકોને અક્ષરજ્ઞાન આપવાનું હોય છે. આવા વર્ગના બાળકો પોતાની પાટીમાં જે લખે તે પ્રજ્ઞાચક્ષુ શિક્ષક કઈ રીતે ચકાસી શકે? કોઈવાર પત્રકો ભરવાની કામગીરીના નામે પણ આવા શિક્ષકોને અપમાનિત કરાતા હોય છે. કોઈવાર બાળકોની ઉત્તરવહી ચકાસવાનાં નામે અથવા વર્ગખંડનાં બાળકોને તેની જગ્યાએ ભણાવવા માટે ફર્જી કે ભાડૂતી શિક્ષક રાખવા દબાણ કરવામાં આવતું હોય છે. આચાર્યોનું આવું માનવીય અધિકારો અને કાયદા વિરુદ્ધનું મનસ્વી વલણ કહેવાય. આ બધી જ બાબતે મેં સરકારનું અવાર-નવાર ધ્યાન દોર્યું છે.

આ સમસ્યાના ઉકેલ માટે પ્રજ્ઞાચક્ષુ શિક્ષકોના જ્ઞાનનો ઉપયોગ બાળકોના વિકાસ માટે થઈ શકે તેવી દરેક આચાર્યમિત્રોએ દૃષ્ટિ કેળવવી પડશે. આમ થશે તો આ શિક્ષકો  બાળકોમાં છુપાયેલી સુષુપ્ત શક્તિઓને શોધી કાઢી શિક્ષણના નવા આયામો સમાજને અર્પણ કરી, નવો ચીલો ચાતરશે. વિષય શિક્ષક તરીકે જે પ્રજ્ઞાચક્ષુ શિક્ષક પસંદગી પામ્યા છે તેવા પ્રત્યેક શિક્ષકોને વિદ્યાર્થીના પેપર ચેક કરવાની કામગીરી આપવામાં આવે તે આવકાર દાયક છે, પણ સંગીત શિક્ષકો પાસે આવો આગ્રહ રાખવો તે અસ્થાને છે. કોઈ એક શાળાના આચાર્ય, એક પ્રજ્ઞાચક્ષુ શિક્ષકને તેમની જગ્યાએ માણસ રાખી લેવા દબાણ કરતા હતા. મેં આ મામલામાં દરમિયાનગીરી કરી તે આચાર્યને ખરી હકીકતથી વાકેફ કરી અસત્યના માર્ગે ડગ માંડતા અટકાવ્યા હતા. આ બાબતે ઊભા થતાં પ્રશ્ને સુચારુ ઉકેલ લાવવા મેં ઘણી શાળાઓની રૂબરૂ મુલાકાત લીધી છે. જેમાં હંમેશા આચાર્યોનું વલણ પક્ષપાતભર્યું દેખાયું છે. શબ્દના અનેક આભૂષણોથી નવાજતા આ શિક્ષકમિત્રોને દેખીતી રીતે પ્રજ્ઞાચક્ષુ શિક્ષકોની શક્તિઓની ઉપેક્ષા કરતા જોવા મળ્યા છે. કેટલાક શિક્ષકો અવારનવાર પોતાની વાતચીતમાં  પ્રજ્ઞાચક્ષુ શિક્ષકની હાજરીમાં પણ એવું બોલતા હોય છે : ‘આજે તો શાળામાં પાંચ શિક્ષક રજા પર છે, માત્ર ત્રણ શિક્ષકોએ આખી શાળા સંભાળવી પડશે, ખરેખર પ્રજ્ઞાચક્ષુ શિક્ષક સહિત ચાર શિક્ષકોની  હાજરી થતી હોવા છતાં પ્રજ્ઞાચક્ષુ શિક્ષકને ગણત્રીમાં લેવામાં આવતો નથી.’ જે પ્રજ્ઞાચક્ષુ શિક્ષકનું અપમાન કહેવાય. આવી રીતે હાજર શિક્ષકની અવગણના કરી, તેનું અપમાન કરવું કેટલા અંશે વાજબી કહવાય? આજે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ દરેક ક્ષેત્રે પ્રગતિ કરી આગળ વધી રહ્યો છે ત્યારે તેની શક્તિને અવગણી શકાય નહિ. તેથી સામાજિક પરિવર્તન આવવું જરૂરી છે.

બાયોમેટ્રિક હાજરીના કારણે પણ કોઈવાર પ્રજ્ઞાચક્ષુ શિક્ષકોને સહન કરવું પડતું હોય છે. કેટલીક  શાળાઓમાં સામાન્ય શિક્ષકોને સરકારી કામગીરીના ભાગરૂપે હેડ ઓફિસ જવાનું થાય તેવા સંજોગોમાં પ્રજ્ઞાચક્ષુ શિક્ષક સિવાય શાળામાં એક પણ શિક્ષક હાજર ન  હોય ત્યારે બાયોમેટ્રિક હાજરી શાળામાં પ્રજ્ઞાચક્ષુ શિક્ષકને પૂરવાનું મુશ્કેલ બને છે. આવી વિકટ સ્થિતિનો  સરકારે સુચારુ માર્ગ શોધી કાઢવો જોઈએ. પ્રજ્ઞાચક્ષુઓમાં છુપાયેલી સંગીતની કલાશક્તિનો બાળકોના સર્વાંગી વિકાસમાં શ્રેષ્ઠતમ ઉપયોગ થાય તેવું દરેક આચાર્યમિત્રોએ આયોજન ઘડી કાઢવું જોઈએ. પ્રજ્ઞાચક્ષુ શિક્ષક પણ સામાન્ય શિક્ષક જેવો જ કર્મચારી છે, તે વાતનો દરેક આચાર્યે સ્વીકાર કરવો જોઈએ. જો આમ થશે તો, પ્રજ્ઞાચક્ષુ શિક્ષક પણ પોતાની ગરિમાપૂર્વક ઉત્તમ સેવા પ્રદાન કરી શકશે.

વિકલાંગ ધારો-૧૯૯૫ ના સુચારુ અમલ માટે સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓએ જેટલી જાગૃતિ દાખવી હતી તેટલી જાગૃતિ નવા ૨૦૧૬ ના ધારાના અમલ માટે જોવા મળતી નથી. જે ચિંતા અને ચિંતન માગી લે તેવી બાબત છે.  ગુજરાત રાજ્યની વાત કરીએ તો એક સમયે કોઈ પણ વિશિષ્ટ કાયદો અમલમાં ન હતો. તેવા સમયે પણ કાયદા વિના સંખ્યાબંધ અંધજનોને સંગીત શિક્ષક તરીકે પ્રાથમિક શાળામાં નોકરી આપવામાં આવી હતી. એમાની શ્રી કેશુભાઈ પટેલની સરકારે નિયમોમાં બાંધછોડ કરી અંધજનોને માત્ર સંગીત વિશારદની લાયકાતના ધોરણે નોકરીમાં દાખલ કરવા ખાસ પરિપત્ર બહાર પાડી એસ. એસ. સી. પણ ન પાસ કર્યું હોય તેવા અનેક અંધજનોને નોકરી આપી તેમને પગભર કરવા ઉદારતા દાખવી હતી. આવી ઉમદા નીતિ વડે નેત્રહીનોને પગભર બનાવવા જેમણે વિશેષ પ્રયાસ કર્યો છે, તેવા વહીવટી અધિકારીઓ અને મંત્રીમંડળના સભ્યોને મારા શત-શત વંદન.

તો બીજી તરફ વિક્લાંગ બાળકોને શિક્ષણ આપતી ખાસ શાળાઓમાં કર્મચારીઓની વયમર્યાદાનાં  કારણે ખાલી પડતી જગ્યાઓ એક યા બીજા કરણોસર રાજ્યનાં સામાજિક, ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા રદ કરવામાં આવે છે. કોઈવાર સાધનિક કાગળોની પૂર્તતાના કરણોસર જગ્યા ભરવાની મંજૂરી આપવામાં આવતી નથી. અંતે લાંબા સમયે આવી જગ્યાઓ કેન્સલ કરી દેવામાં આવે છે. આમ, સરકાર એક તરફ સામાન્ય શાળાઓમાં હજારો કે લાખો જગ્યાઓ ભરવાનો દાવો કરે છે. ગુણોત્સવ, પ્રવેશ ઉત્સવ, કન્યાકેળવણી જેવા અનેક શૈક્ષણિક કાર્યક્રમના નામે ગુણવત્તાનો ઢોલ ગામડે-ગામડે અને શહેરોમાં પણ પીટે છે, પણ બીજી તરફ તેને વિકલાંગ બાળકોના શિક્ષણની ગુણવત્તાની કોઈ ચિંતા હોય તેવું એક પણ કામ દેખાતું નથી. છઠ્ઠા પગારપંચના અમલ સમયે રાજ્ય સરકારે રાજ્યની વિકલાંગ બાળકોને શિક્ષણ આપતી ખાસ શાળાઓની કુલ ૨૪૯ જગ્યાઓ રદ કરી હતી. નવી જગ્યાઓ આપવાના બદલે વર્ષોથી મંજૂર થયેલી જગ્યાઓ રદ કરી વિકલાંગ બાળકોના શૈક્ષણિક વિકાસને રૂંધ્યો છે. એટલું જ નહિ વર્ષ ૨૦૧૬ માં ફરીવાર સાતમા પગાર પંચના અમલ સમયે આવી ૨૪૧ જગ્યાઓ રદ કરી અનેક વિકલાંગ બાળકોને શિક્ષણની સેવાથી વંચિત કર્યા છે. આજે ઘણી બધી ખાસ શાળાઓ પોતાના ખર્ચે સેંકડો બાળકોને શિક્ષણની સેવાઓ પૂરી પાડવા દાતાઓનો સહયોગ લઈ જ્ઞાનયજ્ઞને પ્રજ્જવલિત રાખવાનું પુણ્યકાર્ય કરી રહી છે.  જેને હું ધન્યવાદ આપું છું. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં વિકલાંગો બાળકોને વિશિષ્ટ તાલીમ અને શિક્ષણની સેવાઓ આપતા રિસોર્ટ ટીચરને ૧૧ મહિનાના કરારથી નોકરીમાં રાખી અધરતાલે રખાય છે જેના કારણે તેઓ ઉપરોક્ત અસરકારક સેવાઓ પ્રદાન કરી શકતા નથી, જ્યારે તેની સામે માધ્યમિક શાળાઓમાં ઇન્કલ્યુઝિવ યોજના અંતર્ગત ફરજ બજાવતા શિક્ષકોને સામાન્ય શિક્ષકો જેવા પગાર ધોરણ સહિતના તમામ લાભો આપવામાં આવ્યા છે. પ્રાથમિક શાળામાં કામ કરતાં રિસોર્ટ ટીચરો પણ વિકલાંગ બાળકોને જ શૈક્ષણિક સેવાઓ આપે છે તેથી તેમને પણ ‘સમાન કામ સમાન વેતન’નો લાભ મળવો જોઈએ. પરંતુ આ અંગે સરકાર ગંભીર નથી તેથી સરકારની આ પલાયનતાભરી નીતિને હું વખોડુ છું. ૨૦૧૬ ના અધિનિયમમાં ઉત્તમ જોગવાઈઓ હોવા છતાં વિકલાંગ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણની સેવાઓ મળી શકે તેવી સગવડ ઉપલબ્ધ કરવામાં આવતી નથી.

એક પણ અંધશાળામાં ઓરિએન્ટેશન મોબિલિટી ઇન્સ્ટ્ટ્રકટરની જગ્યા વર્તમાન સમયમાં ભરવામાં આવેલી નથી. આવા બાળકોના ઉચ્ચશિક્ષણ માટે તેઓ કૉલેજમાં શિક્ષણ મેળવી શકે તેવી રાજ્યના એક પણ શહેરમાં ખાસ છાત્રાલય નથી અથવા તેના વૈકલ્પિક ઉકેલ માટે આવા બાળકોને સામાન્ય બાળકોનાં છાત્રાલયમાં પ્રવેશ માટેનો કોઈ કોટા રાખવામાં આવ્યો નથી, તો પછી વિકલાંગ બાળકો શી રીતે ઉચ્ચશિક્ષણ મેળવી શકશે? આપણે તેને ‘દિવ્યાંગ’ જરૂર કહીએ છીએ પણ તેને ખરા અર્થમાં દિવ્ય બનાવી શકાય તેવું પગલું ભરવા તૈયાર નથી. તો શી રીતે આવા વ્યક્તિઓને સન્માન પ્રાપ્ત થઈ શકશે? પેટ ભરવા ભોજન આરોગવું પડે છે, સુગંધ ગમે તેવી ભભકાદાર હોય તેનાથી પેટની ભૂખ ભાંગતી નથી, તેવી જ આ વાત છે. આમ વિકલાંગોને  ‘દિવ્યાંગ’ શબ્દ આપી શાબ્દિક વખાણ આપણે ગમે તેટલા કરીએ પણ તેઓને ઉત્તમ શિક્ષણ અને રોજગારની તક ન આપીએ તો આ  શાબ્દિક આભૂષણનું કોઈ મૂલ્ય રહેતું નથી. હું માનું છું કે મારા વલોપાતની વાત સરકાર સ્વીકારશે ને દિવ્યાંગો માટે વિકાસની નવી દિશાઓ ખોલશે.

Previous articleઅમરેલી, વડોદરા, ગાંધીનગર વિસ્તારમાં ખેડૂતોની જનતારેડ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે