સિંહોને બચાવવા ફાઇબર બ્રેક્સ ટેકનિકનો ઉપયોગ

741

હવે રેલવે ટ્રેક પર સિંહોનાં અકસ્માતે કે અકાળે નીપજતા મોતને અટકાવવાના ભાગરૂપે તંત્ર દ્વારા બહુ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે ટ્રેક પર સિંહોનાં મોતને અટકાવવા માટે હવે ફાઇબર બ્રેક્સ ઓપ્ટીકલ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. જૂનાગઢ રેન્જ આઈ.જીની અધ્યક્ષતામાં મોનીટરીંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં વનતંત્ર, રેલવે સહિતનાં વિભાગના અધિકારીઓની હાજરીમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં જ રેલ્વે ટ્રેક પર સિંહોના કપાઇ જવાથી મોતની ગંભીર ઘટનાઓ સામે આવી હતી અને ખુદ ગુજરાત હાઇકોર્ટે પણ તેની ગંભીર નોંધ લઇ રાજય સરકારને રેલ્વે ટ્રેકથી સિંહોને બચાવવા નકકર અને અસરકારક પગલાં લેવા મહત્વનો આદેશ કર્યો હતો.

જેના અનુસંધાનમાં સરકારના સત્તાવાળાઓએ આ મહત્વની કવાયત હાથ ધરી હોવાનું મનાઇ રહ્યું છે. ફાઇબર બ્રેક્સ ઓપ્ટીકલ ટેકનોલોજીથી ટ્રેનના ચાલકને એલાર્મથી જાણકારી મળશે. રેન્જ આઇ.જીની અધ્યક્ષતામાં સિંહનાં રહેણાંક વિસ્તારમાં અનધિકૃત પ્રવૃત્તિ તથા શંકાસ્પદ લોકોની અવરજવર પર નિયંત્રણ રાખવા માટે મોનીટરીંગ કમીટીની બેઠક મળી હતી. જેમાં મુખ્ય નવ સંરક્ષક ડી.ટી વસાવડા, જૂનાગઢ રેન્જ હેઠળનાં પોલીસ અધિક્ષક, વીજ તંત્રનાં અધિકારી, રેલવેનાં અધિકારી તથા ખાણખનિજ, માર્ગ અને મકાન વિભાગનાં અધિકારીઓ હાજર રહ્યાં હતાં. ફાઇબર બ્રેક્સ ઓપ્ટિકલ કેકનોલોજીના ઉપયોગથી ટ્રેનનાં  ચાલકને સિંહોનાં આવન જાવન અંગે એલાર્મ દ્વારા જાણકારી મળશે. આવી રીતે સિંહોનાં ટ્રેન હડફેટે મોત નિવારવા માટે અસરકારક ઉપાયોની અમલવારી કરાશે.

Previous articleમોનસુન ૪ જૂને કેરળ દરિયાકિનારે પહોંચશે
Next articleદલિત વિરોધી મોદી સરકારનો બહિષ્કાર : જીગ્નેશની ચિમકી