દેવેન્દ્રસિંહ રાઠોડની પત્નીની આત્મવિલોપન માટે ચિમકી

0
555

પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડની આત્મહત્યાના ચકચારભર્યા કેસમાં હજુ સુધી પોતાને ન્યાય નહી મળતાં સ્વર્ગસ્થ પીએસઆઇની પત્ની ડિમ્પલ રાઠોડે હવે સમગ્ર મામલામાં સીબીઆઇ તપાસની માંગણી કરી છે. એટલું જ નહી, જો તેને આ કેસમાં સાત દિવસમાં ન્યાય નહી મળે તો, વિધાનસભા ખાતે આત્મવિલોપન કરવાની ગંભીર ચીમકી ઉચ્ચારી છે. તેણીએ રાજય સરકાર અને પોલીસ પર પણ આકરા પ્રહાર કર્યા હતા કે, ગત તા.૭ ફેબ્રુઆરીએ પોલીસ કમિશનરે પણ ન્યાયની ખાતરી આપી હતી કે મૃતક પણ પોલીસકર્મી જ છે, ન્યાય મળશે. પરંતુ પાંચ મહિનાથી આરોપી પકડાયો નથી. હવે મને સરકાર અને પોલીસ પર સહેજ પણ ભરોસો રહ્યો નથી. ચાર મહિના બાદ પણ હજુ અમને ન્યાય નથી મળ્યો, જે બહુ આઘાતજનક વાત છે. ઉલ્લેખનીય છે કે, પીએસઆઇ દેવેન્દ્રસિંહે ગત તા.૩૧ ડિસેમ્બર ૨૦૧૮માં આત્મહત્યા કરી લીધી હતી. ૨૦૧૬-૨૦૧૭ની બેચના ૫૦૦ પીએસઆઈમાંથી ગુજરાતના નંબર વન ગોલ્ડ મેડાલિસ્ટ પીએસઆઈ દેવેન્દ્રસિંહ સત્યેન્દ્રસિંહ રાઠોડે કરાઈ એકેડેમીના તાલીમાર્થી ડીવાયએસપી એન.પી.પટેલના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો. પીએસઆઈ તરીકે પોસ્ટિંગ મળે તેના છ દિવસ પહેલાં ઘરના પહેલા માળે બેડરૂમમાં ગળાથી થોડે ઉપર દાઢીના ભાગે રિવોલ્વરથી ગોળી મારી તેમણે આત્મહત્યા કરી હતી. આત્મહત્યા પહેલા દેવેન્દ્રસિંહે ત્રણ પાનાની ચિઠ્ઠી લખી હતી, જેમાં લખ્યું હતું કે, હું મદદનીશ નિયામક આઉટડોર (ડીવાયએસપી એન.પી.પટેલ)ના ત્રાસથી આત્મહત્યા કરું છું. તે મને માનિસક ત્રાસ આપે છે, ઓફિસમાં બોલાવીને ખખડાવે છે, ખોટી માંગણી કરે છે. એટલે મારી પાસે આત્મહત્યા સિવાય કોઇ વિકલ્પ નથી.

આ મરતા માણસની છેલ્લી ઈચ્છા છે કે, એન.પી.પટેલને નોકરીમાંથી કાયમ માટે બરતરફ કરવો અને યોગ્ય તપાસ બાદ આજીવન કેદ કરવામાં આવે. મારે ત્રણ વર્ષની નાની પુત્રી છે. મરણ પછી એનું કોણ ધ્યાન રાખશે? આ સવાલ મારા મગજમાં હંમેશથી હતો, પણ એન.પી.પટેલના ત્રાસથી તે વિચાર મેં ત્યાગી દીધો છે. આટલી ઈચ્છા છે કે, એન.પી.પટેલને આજીવન કેદ કરવામાં આવે. હું પૂરા હોશહવાશમાં આ નિવેદન આપું છું. મૃતક પીએસઆઇની આ ચિઠ્ઠીને પગલે ભારે ખળભળાટ મચી ગયો હતો.

આખરે વિવાદ વકરતાં પોલીસ કમિશનરે પીડિત પરિવારને ન્યાયની ખાતરી આપી હતી પરંતુ હજુ સુધી ન્યાય નહી મળતાં મૃતક પીએસઆઇની પત્નીએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતાં સમગ્ર મામલો ફરી એકવાર ગરમાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here