ગાજવીજ-પવન સાથે રાજ્યના અનેક ભાગોમાં વરસાદની શક્યતા

0
448

અમદાવાદ સહિત ગુજરાતના જુદા જુદા ભાગોમાં આજે ફરી એકવાર તોફાની પવન સાથે ગાજવીજ સાથે વરસાદ અને હળવા તોફાનની ચેતવણી જારી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને ખાસ કરીને બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં ગાજવિજ સાથે વરસાદ અને પવનની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ ભાગો જેમ કે રાજકોટ, અમરેલી અને કચ્છના વિવિધ ભાગોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાનમાં સતત ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. બીજી બાજુ અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન વધીને ૪૧ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૧.૫ ઉપરાંત ગાંધનગરમાં ૪૧.૪ અને સુરેન્દ્રનગરમાં ૪૧.૮ ડિગ્રી સુધી તાપમાન રહ્યું હતું. અમરેલીમાં ૪૦.૪ ડિગ્રી તાપમાન રહ્યું હતું. આ ઉપરાંત વડોદરા, વીવીનગર, અમરેલી, રાજકોટમાં પારો ૪૦થી ઉપર રહ્યો હતો. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આયું છે કે, ગરમી અકબંધ રહેશે. પારો ૪૧ અને ૪૨ની વચ્ચે રહેશે. જાણકાર લોકોનું કહેવું છે કે, આજે અમદાવાદ મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રી રહ્યું હોવા છતાં બપોરના ગાળામાં તીવ્ર ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો. આગામી બે દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર થયાની શક્યતા નહીંવત દેખાઈ રહી છે. યલો એલર્ટની જાહેરાત કરવામાં આવ્યા બાદ કેટલીક સલાહ પણ આપવામાં આવી છે. કોર્પોરેશન તરફથી કહેવામાં આવ્યું છે કે હાલમાં વાયરલ ઈન્ફેકશન અને ગરમીથી બચવા માટે લોકોએ કામ વગર બપોરના ગાળામાં ઘરથી બહાર નીકળવું જોઈએ નહીં. સાથે સાથે સાથે વધુ પ્રમાણમાં પાણી, છાશ અને પ્રવાહીનું સેવન કરવું જોઈએ. હળવા રંગના સુતરાઉ કપડા પહેરવા અને તડકામાં ફરવાનું ટાળવું જોઈએ. હવામાન વિભાગના કહેવા મુજબ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં હાલમાં કોઈ વધારે ફેરફારની સ્થિતિ જોવા મળશે નહીં.  હિટવેવને લઇને કોઇપણ પ્રકારની ચેતવણી જારી કરવામાં આવી નથી જેથી સામાન્ય લોકોને રાહત થઇ છે.  રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગઇકાલે હવામાનમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે વરસાદ થયો હતો. રાજકોટના ગોંડલમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. કેટલાક અન્ય વિસ્તારમાં પણ કરા સાથે વરસાદ થયો હતો. હવામાનમાં એકાએક પલટો આવતા ધુળ ભરેલ આંધી પણ ચાલ હતી.  જોકે, ગુજરાતમાં કેટલાક ભાગોમાં પારો ફરી વધી ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here