૨૩મે : એમ.પી. ટ્રેડીંગ ડે..!?

755

લોકસભા ચૂંટણીના પરિણામો બે ક્ષેત્રોને ઘણું કામ આપી રહ્યા છે. મામાનું ઘર કેટલે ના અડસટ્ટા લગાવવા અખબારો, મીડીયા જગતને ગલીપચી કરાવવાની મજા પડી ગઇ છે. સટોડિયાઓ પોતાના આંકડાઓની ભરમારથી સૌને એવા કઠોડે ચડાવે છે કે વાત જવા દો. ૨૦૧૪ની ૧૬મી લોકસભા એનડીએના સાથી પક્ષો સહિતનાની બેઠકોની સંખ્યા ૩૫૦ થી વધુ હતી. માત્ર ભાજપ માટે આ મેજીકલ ફિગર ૨૮૨ નો હતો. જે સૌના ખેંચવા નિમિત્ત હતો. હવે અડસટ્ટા કે એનાલિસિસમાં ન પડીએ તો પણ એટલું પાકું છે કે ૨૦૧૪ની અને આ વખતની સ્થિતિ જરા બદલાયેલી તો છે જ. એટલે કે ભાજપાને આ આંકડાઓ જાળવી રાખવા માત્ર એક જ મુદ્દો હાવી દેખાય રહ્યો છે. તે છે સર્જીકલ સ્ટ્રાઇક, આતંકવાદીઓનો ખાત્મો. ૨૦૧૪ ને ૨૦૧૯માં એક સ્પષ્ટ ભેદ છે કે મોદીની ઇમેજ બિલ્ડીંગ ત્યારે દિપ-પ્રાગટ્ય હતું. મોદીમાં અનેક લોકોએ નવા ભારતના યુવા બેરોજગારના તારણહાર, પડકારો અને સમસ્યાઓના સંહારક તરીકેના સ્વપ્નાઓ કંડાર્યા હતા. એટલે અણધાર્યો આત્મવિશ્વાસ જનતામાં ઉભો થયેલો દેખાયો હતો. ૨૦૧૯માં તેના સાથી પક્ષો તેલુગુ દેશમ ૧૬ બેઠક, બીજુ જનતા દળ ૨૦ બેઠક, અને એઆઇડીએમકે ૩૭ બેઠક પૈકીના મોટા આંકડાધારી પક્ષો આજે મોદીપક્ષમાં નથી. કોંગ્રેસનો વાવટો ૪૦-૪૫ સુધીમાં સંકેલાઇ ગયો હતો. આજે તેની પાસે ત્રણ રાજ્યોને સ્વતંત્ર સરકાર છે. કર્ણાટકમાં જેડીએસના ટેકાથી ચાલતી સરકાર છે. તેથી ત્યાં કોંગી પક્ષ પોતાનો દેખાવ કંગાળ કરે એવું લાગતું નથી. એમની પાસે હિન્દી બેલેટમાં યુપી બિહારમાં વિરોધીઓ એક્ઠા થઇને ખાંડા ખખડાવે છે. એટલે ત્યાં મતનું ડિવિઝન આ વખતે શક્ય નથી. તેનો લાભ ભાજપને મળી શકે તેમ નથી. હવે જો લોકમિજાજ બદલાયેલો હશે તો પરિણામો મોદી પ્રોજેક્ટ દેખાશે. તો તે ૨૦૧૪થી પણ આગળ નીકળી જાય એમ પણ બને. પરંતુ તમામ દિશાના પવનો મોદી ઇફક્ટેડ નથી પણ ડિફેક્ટેડ જરૂર છે. ત્યારે શું થશે… તેવો સવાલ આમ આદમીમાં ચકરાવા લઇ રહ્યો છે. મારા બુજર્ગ મિત્ર બાલાભાઇ કહે છે એ ભાગ્યમાં હોય તો ભરાય નહિતર તો ધબોય નમઃ.

જો ભાજપના સાથીઓ ૨૨૫ – ૨૩૦ ના આંકડાથી આગળ ન નીકળે તો હંગ પાર્લામેન્ટ સર્જાય. તો શું થાય ….!!?? બીજું જનતાદળ અને તેલંગણામાં ટીઆરએસ માટે ભાજપામાં સોફ્ટલાઇન લાઇન દેખાઇ રહી છે. તેથી તેની થોડી બેઠકો આવે ને તેનો ટેકો મળવાની સંભાવના છે. પછી ઘટતા સંસદસભ્યો મેળવવા દરેક રાજ્ય વીનેબીલીટી ધરાવતા એમપીનો સંપર્ક કરવામાં આવી રહ્યો હશે. જેથી વિપક્ષના ૩૩ ટકા સભ્યોેને અલગ કરી સ્પલિટ પાર્ટી તરીકે ભાજપ ટેકો મેળવી શકે. અથવા તે સાંસદોને એન કેન પ્રકારે લોકસભામાં બહુમતી મેળવતા સમયે ગેરહાજર રાખી શકાય. ભાજપા તેની આ રીતે લોકસભાના ફ્લોર પર બહુમતી પુરવાર કરવા પ્રયત્ન કરશે. ત્રિશંકુ સ્થિતિ ખાસ કરીને સાંસદો માટે ધર્મસંકટ સર્જી શકે છે. ભૂતકાળમાં આવી ઘટનાઓ ભારતીય રાજનીતિ એ સારી રીતે જોઇ છે. તેનું પુનરાવર્તન કરશે કેમ તે તો સમય બતાવે. નાના પક્ષો એ તેના સાંસદોને અકબંધ રાખવા ખુબ મથામણ કરવી પડશે તેના શિરોધાર્ય નેતાઓ અત્યારથી કેટલીક સૌને મોપાટ લેવડાવી રહ્યા છે. આવવા દો ૨૩ મે ને જોઇએ શું થાય છે ?

Previous articleનાગેશ્રી પ્રેમસદાસબાપુના ચેતનધૂણે શ્રીમદ્દ ભાગવત સપ્તાહની પૂર્ણાહૂતિ
Next articleદાત અને પેટના રોગો