ગટરમાં પડેલા બાળકને ૨ લોકોએ બચાવી લીધો

644

ગાંધીનગરમાં ખુલ્લી ગટોની સમસ્યા અનેક સ્થળે છે. ત્યારે સેક્ટર-૨૮ના ગાર્ડન સામે એક વિચિત્ર ઘટના બની હતી. અહીં ગટરનું ઢાંકણુ તો છે પરંતુ ગમે તે સમયે ખસી જાય તેવું છે. જેને કારણે રવિવારે રાત્રે એક બાળક ગટરમાં પડી જવાની ઘટના બની હતી. જોકે, બાળક સાથે રહેતાં સંબંધી અને પાસે બરફની લારી ચલાવતા યુવકની બહાદૂરીથી બાળકને તાત્કાલિક બહાર કાઢી લેવાયું હતું.

ઉનાળાના પગલે સેક્ટર-૨૮નો બગીચો ૧૨ કલાક ચાલુ રખાયા છે ત્યારે રવિવારે રાત્રે આઠના અરસામાં બગીચો બંધ થવાના સમયે અમદાવાદનો એક પરિવાર બહાર નીકળ્યો હતો. બગીચાની સામે પાર્ક કરેલી કાર ર્પાકિંગમાંથી કાઢતી વખતે રિવર્સ લેતા ગટરનું ઢાંકણું ખસી ગયું હતું. જેથી કાર ચલાવી રહેલા રહીશને પથ્થર જેવું લાગતા તેણે પોતાની સાથે રહેલાં આઠેક વર્ષના બાળકને નીચે ઉતરીને જોવાનું કહ્યું હતું.

રાત્રીના અંધારામાં કાર પાછળ ગયેલા બાકની ચીસ સંભળાતા કારમાંથી બધા બહાર આવી ગયા હતા. બાળકનો અવાજ અંદાજે ૩૦થી ૩૫ ફૂટ ઉંડી ગટરમાંથી આવતા પરિવાર હેબતાઈ ગયો હતો.

આસપાસથી લોકો પણ દોડી આવ્યા અને બાળકને કઈ રીતે બહાર કાઢવો તેવું વિચારતા હતા ત્યારે બાળક સાથે રહેલાં તેના સંબંધી અને પાસે બરફની લારી ચલાવતો આદિવાડાનો સંજય દંતાણી નામનો યુવક બંને ગટરમાં રહેલાં ક્લેમ્પની મદદથી નીચે ઉતર્યા હતા. ૧૦થી ૧૫ મિનિટમાં જ બાળકને બહાર કાઢી લીધું હતું.

Previous articleદલિતસેના દ્વારા કલેક્ટરને આવેદન પત્ર પાઠવાયું
Next articleઅડાલજ વાવની મુલાકાત માટે રપ રૂપિયા ચૂકવવા પડશે