ભાનુશાળી કેસ : મનીષા સહિત ૪ આરોપી ભાગેડુ જાહેર કરાયા

553

રાજયભરમાં ભારે ખળભળાટ મચાવનારા ભાજપના નેતા જયંતી ભાનુશાળી હત્યા કેસમાં ભચાઉ કોર્ટે મનીષા ગોસ્વામી સહિત ચાર આરોપીઓને ભાગેડુ જાહેર કર્યા છે. જો આરોપીઓ એક મહિનામાં પોલીસ સમક્ષ હાજર નહીં થાય તો તેમની મિલકતો પોલીસ સીઆરપીસીની કલમ-૮૨ મુજબ જપ્ત કરશે. સૌથી નોંધનીય વાત એ છે કે, જયંતિ ભાનુશાળીની હત્યાને ચાર મહિનાથી વધુ સમય વીત્યા બાદ પણ હજુ પણ મુખ્ય સૂત્રધાર એવા મનીષા ગોસ્વામી, સુરજીત ભાઉ સહિતના ચાર આરોપીઓ પોલીસના સંકજાથી દૂર છે અને પોલીસ તેઓને પકડી શકી નથી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મનીષા ગોસ્વામીની વાપી અને ભૂજમાં મિલકતો છે. જ્યારે અન્ય ત્રણ આરોપીઓ મહારાષ્ટ્રના પૂણેમાં મિલકતો ધરાવે છે. તેથી પોલીસ આ મિલ્કતોની જપ્તી અંગે પણ કાર્યવાહી હાથ ધરશે. કેસની તપાસ કરી રહેલા એસઆઈટીના વડાએ જણાવ્યું હતું કે, ભાનુશાળી હત્યા કેસમાં ભચાઉ કોર્ટે મનિષા ગોસ્વામી, સરજીત ભાઉ, નિખિલ થોરાત અને રાજુ થોરાતને ભાગેડુ જાહેર કર્યા છે.

જો આરોપીઓ એક મહિનામાં પોલીસ સમક્ષ હાજર નહીં થાય તો તેમની મિલકત જપ્ત કરવામાં આવશે. આરોપીઓની ક્યા કેટલી મિલકતો છે તેની રિપોર્ટ કલેક્ટર ઓફિસમાંથી મળ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.

ગત તા.૮ જાન્યુઆરી, ૨૦૧૯ રોજ વહેલી સવારે ભૂજની સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં અમદાવાદ આવી રહેલા જયંતી ભાનુશાળીની બે શખ્સોએ પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારીને હત્યા કરી હતી. હત્યાને ચાર મહિનાથી વધુનો સમય વીતી ગયો છે છતાંય ઉપરોકત ચારેય આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. આ કેસમાં હાલ પોલીસે બંને શૂટર્સ અને હત્યાનો મુખ્ય આરોપી છબીલ પટેલ હાલ જેલમાં છે. પરંતુ મુખ્ય સૂત્રધારો હજુ પણ ફરાર હોઇ પોલીસને ભચાઉ કોર્ટમાં તેઓને ભાગેડુ જાહેર કરવા માટે અરજી કરવાની ફરજ પડી હતી.

Previous articleગેરકાયદે ડ્રોન કેમેરા ઈમ્પોર્ટ કરવાના કૌભાંડનો પર્દાફાશ
Next articleપત્રકાર ચિરાગનો મોબાઇલ કઠવાડાના યુવક પાસે મળ્યો