આજે અંતિમ તબક્કાનું મતદાન

417

લોકસભાની ચૂંટણીના સાતમાં અને અંતિમ તબક્કા આવતીકાલે મતદાન યોજાશે. આની સાથે જ લાંબા સમયથી ચાલી રહેલી મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઇ જશે. મતદાનના અંતિમ તબક્કા બાદ એગ્ઝિટ પોલના તારણો પણ આવતીકાલે જ જારી કરવામાં આવનાર છે. લોકસભા ચૂંટણીના છ તબક્કામાં મતદાન પૂર્ણ થયા બાદ આવતીકાલે બાકી બચી ગયેલી ચંદીગઢ અને સાત રાજ્યોને આવરી લેતી લોકસભાની ૫૯ સીટ પર મતદાન થનાર છે. અંતિમ તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ૯૧૮ ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરવામાં આવનાર છે. ૯૬ મહિલા ઉમેદવારો પણ ભાગ્ય અજમાવી રહી છે. શાંતિપૂર્ણ મતદાનની ખાતરી કરવા માટે તમામ પગલા લેવામાં આવી ચુક્યા છે. અંતિમ તબક્કામાં મતદાન દરમિયાન અગાઉના તબક્કાની જેમ શાંતિપૂર્ણ મતદાનની ખાતરી કરવા માટે પંચે તમામ તૈયારી કરી લીધી છે.  જુદા જુદા પક્ષોની વાત કરવામાં આવે તો  સાતમા તબક્કાની ચૂંટણીમાં ૧૬૩ ઉમેદવાર રાષ્ટ્રીય રાજકીય પક્ષોના રહેલા છે. જ્યારે ૬૯ ઉમેદવારો રાજ્ય સ્તરના પક્ષોના છે. આવી જ રીતે આ તબક્કામાં ૩૭૨ ઉમેદવારો નોંધાયેલા બિન માન્યતાપ્રાપ્ત પક્ષોના પણ છે. જ્યારે અપક્ષ તરીકે ચૂંટણી મેદાનમાં રહેલા ઉમેદવારોની સંખ્યા ૩૧૫ નોંધાઇ છે. છેલ્લા તબક્કાની ચૂંટણીમાં શિરોમણી અકાળી દળના સુખબીર સિંહ બાદલની સંપત્તિ ૨૧૭ કરોડની નોંધાઇ છે. આવી જ રીતે પંજાબના ભટિન્ડા બેઠક પરથી ઉમેદવાર હરસિમરતકૌરની સંપત્તિ પણ ૨૧૭ કરોડની નોંધાઇ છે. આ તબક્કાની ચૂંટણીની વાત કરવામાં આવે તો જે અપક્ષ ઉમેદવારો આ વખતે ચૂંટણી મેદાનમાં છે તેમની સંપત્તિ પૈકી વધારે સંપત્તિ નોંધાઇ છે. ૩૧૩ અપક્ષ ઉમેદવારો પૈકી ૫૯ અપક્ષ ઉમેદવારો કરોડપતિ નોંધાયા છે. આ તબક્કામાં સૌથી અમીર ઉમેદવારોની વાત કરવામાં આવે તો અપક્ષ ઉમેદવાર બિહારના પાટલીપુત્રના રમેશ કુમાર શર્માની સંપત્તિ ૧૧૦૭ કરોડ નોંધાઇ છે. બિહારના પાટલીપુત્ર બેઠક પરથી રમેંશ કુમાર શર્માની સંપત્તિ સૌથી વધારે છે. કરોડોની સંપત્તિ પણ મોટી સંખ્યામાં ઉમેદવારો ધરાવે છે. ૧૨મી મેના દિવસે ૫૯ સીટ પર મતદાન થયા બાદ લોકસભાની કુલ ૫૪૨ સીટ પૈકી ૪૮૩ સીટ પર મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઇ હતી.  અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે ૧૦મી માર્ચના દિવસે  જાહેરાત કરી દીધી હતી. આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું હતુ.  ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૨ સીટો ઉપર સાત તબક્કામાં મતદાનની જાહેરાત કરી હતી જે પૈકી પ્રથમ તબક્કામાં ૧૧મી એપ્રિલના દિવસે અને બીજા તબક્કામાં ૧૮મી એપ્રિલના દિવસે મતદાન થયું હતું. ત્રીજા તબક્કામાં ૨૩મી એપ્રિલના દિવસે મતદાન થયુ હતુ અને ૨૯મી એપ્રિલના દિવસે ચોથા ચોથા તબક્કામાં મતદાન  થયુ હતુ. છટ્ઠી મેના દિવસે  પાચંમા તબક્કામાં મતદાન થયુ હતુ. જ્યારે છઠ્ઠા તબક્કામાં ૧૨મીના   દિવસે મતદાન થયુ હતુ. હવે  આવતીકાલે ૧૯મી મેના દિવસે સાતમાં તબક્કામાં મતદાન થશે.

તમામ તબક્કાની મતગણતરી એક સાથે ૨૩મી મેના દિવસે યોજાશે. આનો મતલબ એ થયો કે, ૧૭મીલોકસભામાં સત્તાની ચાવી કોની પાસે આવશે તે અંગેનો ફેંસલો ૨૩મી મેના દિવસે થશે. પ્રથમ તબક્કામાં ૨૦ રાજ્યોમાં ૯૧ સીટો ઉપર મતદાન થયુ હતુ. બીજા તબક્કામાં ૧૨ રાજ્યોની ૯૫ સીટ પર મતદાન થયું હતું. ત્રીજા તબક્કામાં ૧૨ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેતી ૧૧૬ સીટ પર મતદાન થયુ હતુ છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની ૫૯ સીટો ઉપર મતદાન પૂર્ણ થયું હતુ. હવે સાતમા અને અંતિમ તબક્કા માટે આઠ રાજ્યોની ૫૯ સીટ ઉપર મતદાન થશે. અગાઉના છ તબક્કાની જેમ સાતમા અને અંતિમ  તબક્કાના મતદાન વેળા પણ  તમામ મતદાન મથકો ઉપર વીવીપેટની વ્યવસ્થા કરવામાં આવી છે.  આનાથી વોટરો એ બાબતને જાણી શકે છે કે  તેમના મત યોગ્ય ઉમેદવારને પડ્યા છે કે કેમ. આ વખતે ઇવીએમની અનેક સ્તર પર સુરક્ષાની ખાતરી કરવામા આવી રહી છે.  તમામ મતદાન કેન્દ્રો ઉપર આ વખતે સીસીટીવી કેમેરા પહેલાથી જ ગોઠવી દેવામાં આવ્યા છે. જેના મારફતે મતદાન પર નજર રાખવામાં આવી રહી છે. ચૂંટણી પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરવામાં આવી હતી. સામાન્ય ચૂંટણીમાં આ વખતે કુલ ૯૦ કરોડ મતદારો નોંધાયા છે. આ પ્રથમ એવી ચૂંટણી છે જેમાં ૨૧મી સદીમાં જન્મેલા લોકો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.  ૨૦૧૪માં ચૂંટણી દરમિયાન આ સદીમાં જન્મેલા લોકોની વય ૧૮ વર્ષની ન હતી. અંતિમ તબક્કાને લઇને પણ ભારે ઉત્સાહ દેખાઇ રહ્યો છે.વારાણસી બેઠક પર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. જ્યાં વડાપ્રધાન મોદી મેદાનમાં છે. છેલ્લા તબક્કાની ચૂંટણીમાં કેટલાક દિગ્ગજો મેદાનમાં રહેલા છે જેમાં પંજાબના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન સુખબીર સિંહ બાદલ ફિરોજપુર સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. ગુરદાસપુરમાંથી સની દેઓલ ચૂંટણી મેદાનમાં છે.મતદાનને લઇને ભારે ઉત્સાહ હાલમાં દેખાઇ રહ્યો છે.

Previous articleમોદી કેદારનાથ ધામની નજીક ગુફામાં ધ્યાન સાધનામાં મગ્ન
Next articleલલિત કગથરાના પુત્રનું પ. બંગાળમાં દુર્ઘટનામાં મોત