લલિત કગથરાના પુત્રનું પ. બંગાળમાં દુર્ઘટનામાં મોત

1029

મોરબી જિલ્લાના ટંકારા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અને રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાના પુત્ર વિશાલનું પશ્ચિમ બંગાળના બહેરામપુરમાં એક ગંભીર માર્ગ અકસ્માતમાં કરૂણ મોત નીપજયુ છે, જ્યારે બીજો પુત્ર રવિ ઘાયલ થયો છે. જુવાનજોધ પુત્રનું મોત નીપજવાના કારણે કોંગી ધારાસભ્ય કગથરાના પરિવારમાં શોકનો માતમ પથરાઇ ગયો છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ધારાસભ્ય લલિતભાઈ કગથરાના બે પુત્રો રવિ અને વિશાલ દિવ્યાંગ બાળકોને લઇને પશ્વિમ બંગાળના પ્રવાસે ગયા હતા. જ્યાં કોલકતાથી ફલાઈટમાં અમદાવાદ પરત ફરવાના હતાં.પરંતુ ફલાઈટ ચૂકી જતા કલકત્તાથી વોલ્વો બસમાં લલિત કગથરાના પુત્ર વિશાલ સહિત ત્રણ દંપત્તિ બહેરામપુર તરફ આવી રહ્યાં હતાં, ત્યારે ટ્રક અને વોલ્વો બસ વચ્ચે અકસ્માત થતાં વિશાલ કગથરાનું મોત નીપજ્યું હતું. લલિત કગથરાનો પુત્ર વિશાલ બસમાં બેઠો હતો ત્યારે તેનું મોઢું બસની બારીમાંથી બહાર હતું, આ દરમ્યાન રોડ ઉપરથી પસાર થતા ટ્રક સાથે તેમનું માથું અથડાતાં હેમરેજ થતા ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. લલિતભાઈ કગથરાના દીકરાનું મૃત્યુ થતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે, માર્ગ અકસ્માતની વિગત લલિતભાઈના ભત્રીજા જયેશભાઈ પાસેથી ટેલીફોન દ્વારા જાણકારી મેળવી છે. ત્યાના સ્થાનિક પ્રશાસન સાથે સંપર્કમાં રહી પોસ્ટમોર્ટમ કરી મૃતદેહ પરત લાવવાની પણ વાત કરી છે. બીજીબાજુ, પરિવારનો એક દિપક બુઝાઇ જતાં કગથરા પરિવારમાં જાણે શોકનો માતમ પથરાઇ ગયો છે. કોંગ્રેસના નેતાઓ અને આગેવાનો પણ દુઃખની આ ઘડીમાં તેમની સાથે સાંત્વના આપવા પહોંચ્યા હતા.

Previous articleઆજે અંતિમ તબક્કાનું મતદાન
Next articleઅમિત શાહ સોમનાથ દાદાના દર્શને પહોંચ્યા : પૂજા-અભિષેક