પીવાના પાણીની ખેતી માટે ચોરી કરનારા સામે પાસા, તડીપાર કરવા મંત્રી ભૂપેન્દ્રસિંહનો આદેશ

864

ભાવનગર કલેક્ટર કચેરીના આયોજન હોલ ખાતે જિલ્લામાં પીવાના પાણીની પરિસ્થિતિની સમીક્ષા માટે આજે યોજાયેલી બેઠકના અધ્યક્ષ અને જિલ્લાના પ્રભારીમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પીવાના પાણીની ખેતી માટે ચોરીને ગુનાઇત અપરાધ ગણાવી, આવાં તત્ત્વો સામે પાસાની કલમ લગાવવા અને તેમને તડીપાર કરવા સહિતના સખત પગલાં લેવા તેમજ પેટ્રોલિંગ વધુ સઘન કરવા સૂચનાઓ આપી હતી. આ માટે પાણીપુરવઠા તંત્ર અને પોલીસતંત્ર દ્વારા સોમવારથી સહિયારુ ઓપરેશન હાથ ધરવામાં આવશે. આ તકે પ્રભારીમંત્રીએ જિલ્લાનાં તમામ ૬૬૧ ગામોનો સરવે કરી, વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવનાર ભાવનગર રાજ્યનો સૌ પ્રથમ જિલ્લો હોવાનું જણાવી, વિવિધ વિભાગોને તેમની કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા.

ઉનાળાના પગલે ભાવનગર જિલ્લામાં પીવાના પાણીની સમસ્યાઓ અંગે ગત તા.૬/૫/૧૯ના રોજ પ્રભારીમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં જિલ્લાના વહીવટી તંત્ર, પાણીપુરવઠા અને સિંચાઈ વિભાગ, મહાપાલિકા વોટરવર્ક્સ તેમજ પોલીસતંત્રના અધિકારીઓની યોજાયેલી બેઠકમાં જિલ્લાનાં તમામ ૬૬૧ ગામોનો સરવે કરી, પીવાના પાણીની વર્તમાન સ્થિતિનો તાગ મેળવવા સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને આજે પ્રભારીમંત્રીની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં પાણીપુરવઠા વિભાગ દ્વારા તમામ ગામોનો સરવે કરી, સ્થાનિક આગેવાનો પાસેથી પાણીને લગતી મુશ્કેલીઓ અને રજૂઆતો સાંભળી તેના ઉકેલ માટેના પગલાંઓની માહિતી આપવામાં આવી હતી.

આ અંગે જિલ્લા પાણીપુરવઠા વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, જિલ્લાનાં ૬૬૦ ગામ અને ૮ પરાં વિસ્તારનો રસવે કરવામાં આવ્યો હતો. જે મુજબ હાલની સ્થિતિએ ૫૦૫ ગામ જૂથ યોજનાનું પાણી મેળવે છે, જ્યારે ૧૪૯ ગામ કૂવા કે બોર જેવા સ્થાનિક સોર્સમાંથી પાણી મેળવે છે. આ સિવાયનાં કુલ ૭ ગામને ૫૦૦૦ લીટર ક્ષમતાના ૨૩ ફેરા અને ૧૦,૦૦૦ લીટરના ટેન્કરના ૧૬ ફેરા દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે. આ તમામ ગામોનો સરવે કરતાં જિલ્લામાં કુલ ૪૨ ગામમાં નવા બોર માટેની માગણી કરવામાં આવી છે, જ્યારે ૪ ગામમાં નવી પમ્પિંગ મશીનરી, હયાત સોર્સ સુધારણા, પાણીના પ્રમાણમાં વધારો સહિત કુલ ૨૦૮ રજૂઆતો/માગણીઓ કરવામાં આવી હતી. જેના અનુસંધાને સોર્સ સર્વેક્ષણ બાદ ૨૩ ગામમાં નવા ૨૪ બોર માટેની ભલામણ તંત્ર દ્વારા કરવામાં આવી છે. આ સિવાય ૪ નવા બોર માટે શારકામ કરવામાં આવ્યું છે.

પ્રભારીમંત્રીએ પાણીની મુશ્કેલીનો માનવીય અભિગમથી ઉકેલ લાવવા ભલામણ કરતાં કહ્યું કે, આપણે ખુદને જરૂરિયાતમંદ વ્યક્તિની જગ્યાએ મૂકીને સમસ્યાને મૂલવવી જોઈએ. જિલ્લામાં પશુઓને પીવાના પાણી માટે હાલ ૯૯૦ હવાડા છે. જેની સામે જ્યાં જરૂર હોય, ત્યાં તાત્કાલિક નવા હવાડાઓ બાંધવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી હતી.

વધુમાં તેમણે ઉમેર્યું કે, પાણી અને વીજળી બચાવવાને આપણે આદત બનાવવાની જરૂર છે. આ માટે પૂરતી લોકજાગૃતિ પણ એટલી જ જરૂરી છે. આજે યોજાયેલી બેઠકના અનુસંધાને તંત્ર દ્વારા લેવાયેલાં પગલાંઓ અંગે ફરી વખત લોકોની વચ્ચે જઈ, કામગીરીનો સરવે કરી તેની સમીક્ષા માટે આગામી મહિને લોકપ્રતિનિધિઓ સાથે બેઠક યોજવા પણ જણાવ્યું હતું.

આજે યોજાયેલી આ બેઠકમાં મહાપાલિકાના મેયરશ્રી મનહરભાઈ મોરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન યુવરાજસિંહ, જિલ્લા વિકાસ અધિકારી વરુણકુમાર બરનવાલ, મ્યુનિ કમિશનર એમ.એ. ગાંધી, નિવાસી અધિક કલેક્ટર ઉમેશ વ્યાસ, પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleબુદ્ધ પૂર્ણિમા નિમિત્તે બુદ્ધવંદના
Next articleમહિલાને જીવતી સળગાવનાર બે મહિલા સહિત પાંચને આજીવન કેદ