સંકલ્પથી સિદ્ધિ

0
659

સંકલ્પ જીવનને બદલી શકે છે. સંકલ્પ જીવનને નવી દિશા આપે છે. કોઈવાર સંકલ્પ વ્યક્તિને આગવી ઓળખ પણ આપે છે તો કેટલીક વાર સંકલ્પ માણસને સિંહાસન સુધી દોરી જાય છે. તો વળી, ઘણી વખત અમુક લોકોના આવેશ કે કોઈની આભામાં આવી લેવાયેલા સંકલ્પોનું બાળમૃત્યુ પણ થતું હોય છે. સંકલ્પ જેટલો પરિપક્વ હોય તેટલું જ તેનું ભાગ્ય કે જીવાદોરી લાંબી હોય છે. આ વાત સમજવા આપણે અહીં રજૂ થયેલી વાર્તાના નાયકના સંકલ્પ વિષે જાણવું પડશે. હું અને તમે સંકલ્પ લેવા જેટલા જલ્દી તૈયાર થઈ જતા હોઈએ છીએ તેટલા  જલ્દી તે સંકલ્પને નિભાવવા મનને મજબૂત બનાવી શકતા નથી. આપણે ગંગાસતીની પંક્તિઓ જ્યાં ને ત્યાં મમળાવીએ છીએ.

‘મેરુ તો ડગે પણ જેના મન નો ડગે, ભલે ભાંગી પડે ભરમાંડ.’

દુનિયામાં ભલેને ગમે તેવા ફેરફાર થઈ જાય, પણ મનમાં નક્કી કર્યું હોય તેને જે વળગી રહે છે તે  જગતનો મહાન માનવ બની જાય છે. ગંગાસતી તેના બીજા વધુ એક પદમાં કહે છે :

‘વીજળીનાં ચમકારે મોતીડાં પોરવતા પાનબાઈ, અચાનક અંધારા થાશે,

જોત રે જોતામાં દિવસો વીયા રે જાશે ને એકવીસ હજાર છસ્સો કાળ થાશે રે,

વીજળીના ચમકારેપ.’

ગંગાસતી કોઈ સ્થૂળ મોતી પોરાવવાની અહી વાત કરતા નથી કે તેઓ કોઈ ચોક્કસ પર્વત ડોલવાની વાત મૂકી તેના પરિપેક્ષ્યમાં કશુંએ કહેવા માગતા નથી. તેઓ તો વ્યક્તિની દૃઢ સંકલ્પશક્તિ વિશે પ્રકાશ પાડવા ઇચ્છે છે. તેઓ આ વાતને વધુ અસરકારક રીતે મૂકવા એમ પણ કહે છે :

‘શીલવંત સાધુને વારે-વારે નમીએ પાનબાઈ, જેના બદલે નહિ વર્તમાન રે’

આનો અર્થ એ થયો કે, ચારિત્રવાન વ્યક્તિને આપણે વારંવાર નમસ્કાર કરવા જોઈએ. પરંતુ તેનું શીલ ગમે તેવા વિપરિત સંજોગોમાં પણ સ્થિર રહેતું હોય. કોઈની આભાથી બદલાય નહિ તેવું અવિચળ હોય, અપરાસ્ત હોય. ગંગાસતીનો આ ઇશારો વ્યક્તિના સંકલ્પબળ માટેનો જ છે. નાની-મોટી લાલચમાં અટવાતા કાયર માણસનું આ કામ નથી.

અમારા એક મિત્રએ નવા વર્ષે સંકલ્પ લીધો કે ‘કોઈ ગમે તે બોલે તો ગુસ્સે થવું નહિ કે કારણ વગરના સવાલોના ઉત્તર આપી ચર્ચામાં ઊતરી ક્રોધાવશ થવું નહિ.’ સંકલ્પ ખૂબ ઉચ્ચકોટીનો કહી શકાય. બધા અમારા મિત્રો તેને અભિનંદન આપી બિરદાવી રહ્યા હતા. અમારા આખા મિત્રવર્તુળમાં તેની ભારે પ્રશંસા પણ થઈ રહી હતી. અમારા મિત્રના પત્ની ભારે સુશીલ અને શાંત હતા. કોઈ પણના પ્રશ્નોના ઉત્તર ખૂબ જ શાંતિથી આપવાનો તેનો સ્વાભાવ હતો. જ્યારે અમારા મિત્રને તેનું મીટર નહોતું, છતાં જોડ જામે તેવી હતી. સગાંસંબંધીઓમાં પણ સંકલ્પ લેવાની વાત વાયુવેગે ફેલાય ગઈ હોવાથી ઘરના પ્રાંગણમાં બધા ભેગા થઈ. અમારા સંકલ્પપતિ મિત્રને બિરદાવવા રાહ જોઈ સૌ બેઠા હતા.

મિત્રની ઍન્ટ્રી થતા થતા જ સૌ શાંતચિતે ચાની ચૂસકી લેવા લાગ્યા.

અમારા મિત્રએ ખૂશી સાથે તેમના પત્નીને બૂમ પાડીને બગીચામાં ચાની કીટલી લઈ આવવા કહ્યું. થોડી જ ક્ષણમાં શ્રદ્ધાબેન ચાની કીટલી લઈ આવી પહોંચ્યા. અમારા સંકલ્પપતિ મિત્ર બોલ્યાઃ શ્રદ્ધા, સાંભળ નવા વર્ષે મેં સંકલ્પ લીધો છે કે ‘કોઈ ગમે તેવું ઊતરતું મારા માટે બોલે પણ તેના પર ગુસ્સે થવું નહિ.’ કે કોઈ સવાલો પુછી ચર્ચામાં ઊતરવા માંગે તો પણ શાંતિ જાળવી ટુંકમાં ઉત્તર આપી ચર્ચામાં ઊતરવાનું ટાળવું. ગમે તેવી ચર્ચામાં ઊતરી ક્રોધાવશ થવું નહિ.

અમારા સંકલ્પપતિ મિત્ર બોલી રહ્યા હતા.

પણ શ્રદ્ધાબેનપ.!

શ્રદ્ધાબેન પર તેની કોઈ અસર ન થઈ હોય તેમ સાવ શાંત ચિત્તે સાંભળી રહ્યાં હતાં.

ચાનો કપ ખાલી કરી મિત્રોએ નીચે મૂકતા જ શ્રદ્ધાબેન કપ-રકાબી અને ચાની કીટલી લઈ ચાલતાં થયાં.

આ જોઈ સંકલ્પપતિમત્રનો અવાજ થોડો ઊંચો થયો : તું સંભાળતી નથી? મારા સંકલ્પ વિશે તને જણાવું છું?’

શ્રદ્ધાબેન બોલ્યા : ‘સાંભળુ છું, પણ અત્યારે તેનું શું છે?  સંકલ્પનું પાલન કરો… ત્યારે જોશું.’

સંકલ્પ પતિ મિત્ર : ‘તું એમ કહેવા માંગે છો, હું સંકલ્પ પુરો નહિ કરી શકું? તું સમજે છો શું?’

મિત્રનો અવાજ તરડાય ગયો…

સંકલ્પ પતિ મિત્ર : ‘તારા બાપને ખબર પડશે, હું કેવો સંકલ્પ પાળી શકુ છું.’

ગુસ્સો પાણીના પૂરની જેમ પૂરપાટ મગજના પ્રદેશમાં પ્રવેશી રહ્યો હતો. પાણીનો ધસમસતો પ્રવાહ વિકસેલા ગામને ઊજડ કરીનાખે તેમ મિત્રનો ગુસ્સો તેના મગજને ધમરોળી રહ્યો હતો.

શ્રદ્ધાબેનના નાનકડા સવાલે મિત્રએ ગુસ્સામાં આવી તેના હાથમાંથી ચાની કીટલી જુટવી, કપ-રકાબી સહીત ફેંક્યા. બગીચામાં ચાની રેલમછેલ થઈ. તો કપ-રકાબીના ટુકડા અમારી વચ્ચે આવીને ગોઠવાય ગયા. શ્રદ્ધાબેન જો ઝડપથી ભાગ્યા ન હોત તો તેઓ પણ લોહી-લુહાણ થયા હોત. કોલાહાલ શાંત થતા જ શ્રદ્ધાબેન આવીને બોલ્યાં : ‘હું તમને નહોતી કહેતી કે સંકલ્પ પાળીને બતાવો. તમે તો જે બાબતે સંકલ્પ લઈ ખુમારી બતાવા માંગતા હતા ત્યાં જ લપસી પડ્યા, કમર ભાંગી ગઈ ને? ભાંગલી કમરે યુદ્ધ ખેલવા કૂદી પડ્યા એમા મારો શો દોશ.’ તેમણે ઉમેર્યું : સંત ને સંતપણા નથી મફતમાં મળતા, દાઢી-મૂછ વધારી કદી બાવા નથી બનાતું. સાધુત્વ પામવા સંસારનાં વૈભવનો ત્યાગ કરવો પડે છે. સંસારના વૈભવના ત્યાગનું નાટક કરી એનકેન રીતે જે વૈભવ પાછળ હરણદોટ મૂકે છે તે કદી સાધુત્વને પામતો નથી. ભેખ ધારણ કરી સત્તા અને સંપત્તિ પાછળ જે લોભ-લાલચમાં ફસાય છે તેની તો અંતે  દુર્ગતિ જ થાય છે. જેમ તમારા સંકલ્પનું બાળમૃત્યુ નીપજ્યું. તમે તમારા લીધેલા સંકલ્પ વિશે મને ગૌરવ સાથે વાત કરી રહ્યા હતા તેનું ખંડન તો તમે લીધેલા સંકલ્પને તોડીને જ કર્યું છે. તમે મને બગીચામાં ચાની કીટલી લઈ બોલાવી છાતી ફૂલાવી જે સંકલ્પની વાત કરતા હતા તે મુદ્દા કે પ્રશ્ને ક્રોધાવશ થઈ તમારી પ્રતિજ્ઞા તમે જ ઘડીના છઠ્ઠા ભાગમાં તોડી નાખી છે. તમારા સંકલ્પરૂપી બાળકનું અહંકારના દોરડે ગળુ દબાવી હત્યા કરી, તેમાં કોને દોષિત ઠરાવશો? હાથના કર્યા હૈયે વાગે, તેમાં કોઈ શું કરે? કોઈ પણ વ્યક્તિ તેના સંકલ્પને ઇચ્છાના આયનામાં શોધી શકે નહિ કે પોતાની બુદ્ધિના પ્રદેશમાં સમજણરૂપી શક્તિ વિના રોપી શકે નહિ. આ અંગે હું એટલુ જ કહેવા ઇચ્છુ છું. સંકલ્પ સમજૂર્વક લેવામાં આવે તો તે અવશ્ય પૂરો થાય છે પણ સંકલ્પ જો માત્ર વટ ખાતર લેવામાં આવ્યો હોય તો તે પૂરો કરવામાં મુશ્કેલી આડખીલી બની શકે છે.’

શ્રદ્ધાબેન અમારા સંકલ્પપતિ મિત્રને  ઉદ્દેશીને એક પછી એક ભાષાના ચાબખા મારી રહ્યા હતા.

તમે મારો ઇશારો સમજી ગયા હશો, સંકલ્પ આવેશમાં આવી લેવાની મામુલી ચીજ નથી તે તો મનને જકડનારી મજબૂત જેલની દીવાલ છે તેથી તેનું બાંધકામ જેમ-તેમ અધૂરા મનમાં આવતા વિચારો વડે થઈ શકે નહિ. જેમા શંકાના કીડા કે ભયની ઊધઈ લાગવી જોઈએ નહિ.

મેં આ વાતમાંથી બોધપાઠ લઈ મનને મજબૂત બનાવવા સારા પુસ્તકોનું વાંચન કરવાનો મારો નિત્યક્રમ બનાવી દીધો, જેનું પરિણામ પણ સારૂં મળ્યું છે. વિકલાંગોના કલ્યાણ માટેના હું જે સંકલ્પ લઉં છું. તે પુરા કર્યા વિના તેને અધવચ્ચેથી કદી છોડતો નથી. કોઈવાર લીધેલો સંકલ્પ પાર પાડવા ઘણી મહેનત ઉઠાવું તો પણ સફળતા મળે નહિ ત્યારે થોડા સમય માટે નારાજ પણ થઈ જતો હોઉં છું. જોકે તેનું કારણ હાથધરેલા કાર્યમાં મળેલી નિષ્ફળતા કરતા અમારા જ મિત્રોના મુખેથી પાછલા બારણે સાંભળેલી વાતો વધુ કારણભૂત હોય છે. સામાન્ય રીતે તમે જેના માટે વધુ ચિંતાતુર હોવ છો, તે લોકો તમારી ચિંતા કે તેમના પ્રત્યેની લાગણીને જોયા વિના મનફાવે તેવી ધારણા કરી લેતા હોય છે. કોઈવાર માનવીય મર્યાદાના લીધે મન હાલકડોલક પણ થઈ જાય છે પણ ગંગાસતીની પંક્તિઓ યાદ આવતા જ પુનઃ કામે વળગી પડું છું.

વાત જ્યારે છેડાણી જ છે ત્યારે વર્ષો પહેલા લીધેલી એક પ્રતિજ્ઞા વિશેની વાત મૂકવાની મારી ઇચ્છાને રોકી શકતો નથી. વર્ષો પૂર્વે મેં એક સંકલ્પ લીધો હતો ‘વિકલાંગોના શિક્ષણ, તાલીમ, રોજગાર તેમજ તેના પુનર્વસનનાક્ષેત્રે ભાવનગર જિલ્લાને દેશનો આદર્શ જિલ્લા બનાવવો.’ દેશના લોકો વિકલાંગોના વિકાસ માટે ભાવનગરને આદર્શ સમજી પોતાના કાર્યક્રમો ઘડે અને આવા લોકોના કલ્યાણ માટે પગલાં ભરવા કાર્યક્રમો તૈયાર કરી શકે તેવું, તેમને માર્ગદર્શન મળી રહે તેવા અવનવા કાર્યક્રમો અને ખાસ યોજનાઓ જિલ્લો શરૂ કરવી. જેમાંથી સરકાર પણ પ્રેરણા લઈ વિકલાંગો માટે નવી ક્ષિતિજો ખોલી શકે. ઉક્ત કાર્યક્રમના ભાગરૂપે તારીખ ૦૭/૦૫/૨૦૧૯ ને મંગળવારના રોજ ભાવનગરના સ્થાપના દિવસ નિમિત્તે જિલ્લામાં ‘સેવા તમારા બારણે’ અંતર્ગત ત્રિસ્તરીય સંવેદના સોસાયટીની રચના કરવામાં આવી. આ કાર્યક્રમ અંતર્ગત સેવા તમારા બારણે અભિયાન ચલાવામાં આવશે. પરિણામે વિકલાંગોને ઘરઆંગણે જ શિક્ષણ, તાલીમ, રોજગાર અને પુનઃ સ્થાપનની સેવાઓ મેળવવામાં મદદ મળી રહેશે. આ માટે દરેક શાળા-કૉલેજના બાળકો અને યુવાનોનો સહકાર લેવા શાળા-કૉલેજ કક્ષાએ સંવેદના સોસાયટીની રચના કરવામાં આવશે. જેમાં દરેક શાળા-કૉલેજના આચાર્યોને આ સોસાયટીના અધ્યક્ષ નિયુક્ત કરાશે. તેમના વડપણ નીચે આખી સોસાયટીની રચના કરવામાં આવશે. ત્યારબાદ તેનું સંકલન કરવા એક તાલુકા કક્ષાની બોડી બનાવવાનો આવશે. આ બોડીના અધ્યક્ષ અને કન્વિનર જિલ્લાકક્ષાની બોડીનાં હોદ્દાની રુએ સભ્ય ગણાશે. આમ, સમાજની જનભાગીદારી વડે વિકલાંગોના વિકાસમાં આવતા અવરોધો દૂર કરવા સામાન્ય સમાજના લોકો જોડાઈ કામ કરતા હશે. આવું કાર્ય કરનાર દેશની આ પ્રથમ સંવેદના સોસાયટી હશે. સોસાયટી વિકલાંગોને નડતી સમસ્યાઓના ઉકેલ માટે પોતાની સેવાઓ આપી દેશભરમાં દાખલો બેસાડી ભાવનગરને આદર્શ જિલ્લો બનાવશે- તેવી મને શ્રદ્ધા અને વિશ્વાસ છે.

સમાજનાં મુખ્ય પ્રવાહમાં અશક્ત લોકોને સમાવી લઇ સમાજનાં પ્રત્યેક ક્ષેત્રે તેની ભાગીદારી વધે તેવા પ્રયાસો કરવામાં આવશે. તેમજ વિકલાંગોનાં શિક્ષણ, તાલીમ, રોજગાર, આરોગ્ય, આર્થિક અને સામાજિક પુનઃ સ્થાપનની સેવાઓ પ્રદાન કરવામાં આવશે. પરિણામે વિકલાંગોનાં સશકતીકરણના કાર્યને વેગ મળશે. વિકલાંગોનાં કૌટુંબિક અને સામાજિક પ્રશ્નોનાં ઉકેલ માટે નવી દિશાઓ વિસ્તરશે. શાળા કે કૉલેજકક્ષાનો વિદ્યાર્થી પોતાની સામાજિક જવાબદારીઓ ઉઠાવતો થશે. જેના કારણે ઉત્તમ સમાજરચાનનું નિર્માણ થશે. સમગ્ર દેશમાં ભાવનગરનો સેવાક્ષેત્રનો આ નવતર પ્રયોગ વિકલાંગોનાં વિકાસની નવી ક્ષિતિજો ખોલશે. કારણ કે આ સંકલ્પ કોઈ આભા કે પ્રતિભાથી અંજાઈને લેવામાં આવ્યો નથી. વળી, આમાં કોઈ આડંબર પણ ચંચુપાત કરી શકે તેમ નથી. આ સંકલ્પ ‘મન કી બાત નહિ પણ દિલ કી બાત’ માંથી જન્મ પામ્યો છે તેથી તે  એળે જઈ શકે જ નહિ. ટૂંકમાં, મારો આ સંકલ્પ દેશના વંચિત વિકલાંગોનાં કલ્યાણ અને તેના જીવનને બદલી શકે તેવો પંથ છે. એટલે મારે અને તમારે ગંગાસતીનાં શબ્દોમાં ‘મન મૂકીને મેદાનમાં આવવું પડશે.’ તેમજ પડકારો સામે ઝઝૂમવું પડશે. અમારા સંકલ્પપતિ મિત્રની જેમ વટ પાડવા લીધેલો સંકલ્પ આવેશમાં આવી તોડી-ફોડી નાખવાનો નથી. આમ થશે તો જ  લીધેલો સંકલ્પ સિદ્ધિ સુધી દોરી જશે-તેવી મને સંપૂર્ણ શ્રદ્ધા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here