મારૂતિ યોગાશ્રમ શાળાનાં બાળકો દ્વારા વેકેશનમાં વૃક્ષોનો ઉછેર કરાયો

591

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગર સંચાલિત મારૂતિ યોગાશ્રમ વો.કે.શાળા નં.૮૩, કાળીયાબીડમાં ઉનાળુ વેકેશનમાં બાળકો દ્વારા પર્યાવરણ જતનની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. વૃક્ષારોપણ કરવું જરૂરી છે તેવી જ રીતે તેના ઉછેર માટે માવજત રાખવી ખૂબ જ જરૂરી બની જાય છે. જેથી આ શાળામાં ગત વર્ષમાં કરેલ વૃક્ષારોપણ તેમજ શાળા મેદાન અને શાળાની આજુબાજુના દરેક વૃક્ષના રોપાઓને નિયમિત વેકેશન દરમ્યાન પાણી મળી રહે તે અન્વયે દરેક રોપા સુધી પાણીની લાઇન અને નળ ફીટીંગ શાળા દ્વારા કરાવી દરેક છોડને નિયમિત પાણી પીવડાવવામાં આવી રહ્યું છે. આ શાળામાં નાના મોટા કુલ ૭૮ વૃક્ષ અને ૩૦ છોડ છે. જેનો ઉછેર થઇ રહ્યો છે. જેમાં દરેક નાના વૃક્ષના રોપાઓ અને છોડને ક્યારા અને ખામણાં કરાવવામાં આવેલ છે અને દરેક રોપામાં નળ મુકવામાં આવેલ છે. દરેક ક્યારામાં છાણીયું ખાતર પણ નાખવામાં આવેલ છે. આ શાળામાં અભ્યાસ કરતાં બાળકો પૈકી હાર્દિકભાઇ વેગડ, ભાવેશભાઇ સોલંકી, સાગરભાઇ ખોડા, જ્યોતિષભાઇ ચૌહાણ, નિકુંજભાઇ વેગડ તેમજ શાળાના મુખ્ય શિક્ષક વેકેશન દરમ્યાન નિયમિત શાળાએ આવી વૃક્ષના રોપાઓ અને છોડને પાણી પીવડાવી રહ્યા છે. આ શાળાના નાના નાના ભૂલકાઓ પર્યાવરણ જતનના પ્રયાસો કરી રહ્યા છે. જે એક પ્રેરણાદાયી કાર્ય છે. આ શાળામાં વૃક્ષો થકી એક નંદનવન હોય તેવું દ્રશ્ય જોવા મળે છે. વેકેશન દરમ્યાન શાળાના ભૂલકાઓ સરાહનીય કાર્ય કરી રહ્યાં છે.

Previous articleકુંભારવાડામાં રાહતદરે નોટબુક વિતરણ
Next articleસિદ્ધિ વિનાયક મંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો