જખૌ પાસે બોટમાંથી ૧૦૦૦ કરોડનું હેરોઇન જપ્ત કર્યો

872

ડીઆઇઆર અને કોસ્ટ ગાર્ડે મોટુ ઓપરેશન પાર પાડીને અભૂતપૂર્વ સફળતા હાંસલ કરી છે. મોટા ઓપરેશનના ભાગરુપે એક હજાર કરોડના હેરોઇનનો જથ્થો જપ્ત કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.આ સંદર્ભમાં હજુ પણ ઉંડી તપાસનો દોર ચાલી રહ્યો છે. હેરોઇનના જથ્થાની સાથે સાથે સાત પાકિસ્તાની અને છ ભારતીયોની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. પુછપરછના આધારે કેટલીક નવી વિગતો ખુલે તેવા પણ સંકેત છે. કચ્છના જખૌ બંદર પરથી પાકિસ્તાની બોટમાંથી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું છે. ભારતીય નેવી અને કોસ્ટ ગાર્ડે કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપીને બહુ મોટુ ઓપરેશન ભારે સફળતાપૂર્વક પાર પાડયું છે. આ ઘટનામાં જે ડ્રગ્સ ઝડપાયું છે, તેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂ. એક હજાર કરોડ થવા જઇ રહી છે. પાકિસ્તાની અલમદીના બોટમાંથી ૧૯૪ પેકેટ હેરોઇન(ડ્રગ્સ)નો જથ્થો કોસ્ટગાર્ડે જપ્ત કરી બોટમાંથી સાત પાકિસ્તાની અને છ ભારતીય નાગરિકોની ધરપકડ કરી હતી. આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, કોસ્ટ ગાર્ડે જપ્ત કરેલું ડ્રગ્સ ૧૯૦.૪ કિલોગ્રામથી વધુ હોવાનો અંદાજ છે. આ ડ્રગ્સ પાકિસ્તાનમાંથી ભારત આવી રહ્યું હતું. ત્યારે ઈન્ડિયન નેવીએ કોસ્ટગાર્ડની મદદથી ભારે સફળતાપૂર્વક આ ઓપરેશન પાર પાડ્‌યું હતું.

કોસ્ટગાર્ડે મોટી કાર્યવાહી કરતા ડ્રગ્સ ઉપરાંત બોટમાંથી ૧૩ શખ્સોની પણ ધરપકડ કરી હતી. જેમાં બોટમાંથી સાત પાકિસ્તાની અને છ ભારતીય નાગરિકોનો સમાવેશ થાય છે. અગાઉથી મળેલી ચોક્કસ બાતમી અને ઇનપુટ્‌સના આધારે અરબી સમુદ્રમાં ભારતના કોસ્ટગાર્ડે મોટું ઓપરેશન કરતા મોટા પ્રમાણમાં હેરોઇનનો જથ્થો જપ્ત કર્યો હતો.

ઈન્ડિયન નેવીએ જે પાકિસ્તાની બોટ ઝડપી છે, તે પાકિસ્તાનમાં નોંધણી થયેલી છે. આ ઘટનામાં ધરપકડ કરવામાં આવેલા શખ્સોની નાગરિકતા અને ઓળખ અંગેની તપાસ અને પૂછપરછ ચાલી રહ્યા છે. જો કે, હેરોઇન(ડ્રગ્સ)ના બહુ મોટા કન્સાઇનમેન્ટનો પર્દાફાશ થતાં હવે આ ડ્રગ્સ પાકિસ્તાનમાંથી લાવીને ગુજરાતમાં કોને પહોંચાડવાનું હતુ અને આ સમગ્ર નેટવર્કમાં કોણ કોણ સંડોવાયેલું છે અને તેની આખી ચેઇન સહિતના મુદ્દાઓની તપાસ હવે હાથ ધરાઇ રહી છે.

Previous articleધો.૧૦ બોર્ડ પરીક્ષાનુ પરિણામ ૬૬.૯૭ ટકા
Next articleઆણંદમાં ગમખ્વાર અકસ્માત : ૧૧ના મૃત્યુથી ચકચાર