અમદાવાદ સિરિયલ બ્લાસ્ટનો સૂત્રધાર કુરૈશી ઝડપાયો

820
guj2312018-7.jpg

જૂલાઇ-૨૦૦૮માં અમદાવાદ શહેરમાં ૨૦થી વધુ જુદી જુદી જગ્યાઓ પર થયેલા શ્રેણીબધ્ધ બોંબ વિસ્ફોટના ચકચારભર્યા આંતકવાદી હુમલાની ઘટનામાં મોસ્ટ વોન્ટેડ આંતકવાદી અબ્દુલ સુભાન કુરૈશી ઉર્ફે કાસીમ ઉર્ફે જાકીર ઉર્ફે કબ તૌકિર હાજી ઉસ્માન કુરૈશી આજે દિલ્હીમાંથી આબાદ ઝડપાઇ જતાં દિલ્હી પોલીસને બહુ મોટી સફળતા મળી છે કારણે કે, દેશભરના આંતકવાદી હુમલાઓ પૈકીના મોટાભાગના હુમલાઓમાં આંતકવાદી અબ્દુલ સુભાન કુરૈશીની સીધી કે આડકતરી સંડોવણી હતી. આંતકી અબ્દુલ સુભાન કુરૈશીને દુનિયાના ટોપ બોમ્બર્સમાં સામેલ કરવામાં આવતો હતો અને તેને ભારતનો ઓસામા બિન લાદેનના નામથી પણ ઓળખવામાં આવતો હતો કારણ કે, દેશના ઘણા બધા આંતકી હુમલામાં સીધી કે આડકતરી રીતે સંડોવાયેલો રહેતો હતો. કુરૈશી ૨૦૦૬ના મુંબઇ ટ્રેન બ્લાસ્ટમાં પણ સંડોવાયેલો હોવાનું મનાઇ રહ્યું છે. તે સીમીનો ટોપ કમાન્ડર હતો, તેણે અન્ય આંતકવાદીઓની મદદથી ઇન્ડિયન મુઝાહિદ્દીનની શરૂઆત કરી હતી. દિલ્હી, ગુજરાત, બેંગ્લુરૂ, જયપુર અને મહારાષ્ટ્રના બ્લાસ્ટ તેમ જ આંતકી હુમલાઓ સહિતના અનેક ગંભીર આંતકવાદી ગુનાઓમા તે મોસ્ટ વોન્ટેડ હતો.  આ અંગે શહેર ક્રાઇમબ્રાંચના જોઇન્ટ પોલીસ કમિશનર જે.કે.ભટ્ટે જણાવ્યું હતું કે, ગત જૂલાઇ-૨૦૦૮માં અમદાવાદ શહેરમાં ૧૬થી વધુ અલગ-અલગ સ્થળો પર સિરિયલ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા, આ ખતરનાક આંતકવાદી હુમલામાં ૫૮થી વધુ લોકોના મોત થયા હતા અને ૨૦૦થી વધુ લોકોને ઇજા પહોંચી હતી, જયારે સુરતમાં મોટાપાયે બોંબ પ્લાન્ટ કરવામાં આવ્યા હતા જો કે, ત્યાં બ્લાસ્ટ પહેલાં જ કાવતરૂ નિષ્ફળ બનાવી દેવાયું હતું. દેશભરમાં ખળભળાટ મચાવી દેનારા આ સિરિયલ બ્લાસ્ટ કેસમાં મુખ્ય સૂત્રધાર અબ્દુલ સુભાન કુરૈશી ઉર્ફૈ તૌફિ૨નું નામ બહાર આવ્યું હતું અને તે છેલ્લા દસ વર્ષથી મોસ્ટ વોન્ટેડ આંતકવાદી બન્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, મૂળ ઉત્તરપ્રદેશના રામપુર ગામનો વતની અબ્દુલ સુભાન હાલ મુંબઇ મીરારોડ પર રહેતો હતો અને ત્યાં તેનું એક મકાન પણ છે. તેના પિતા અગાઉ ભાયખલ્લા રહેતા હતા. તે સીમીનો સક્રિય કાર્યકર અને ઇન્ડિયન મુજાહિદ્દીન આંતકવાદી સંગઠનનો ફાઉન્ડર મેમ્બર બન્યો હતો. સને ૧૯૯૫માં નવી મુંબઇ સ્થિત ભારતીય વિદ્યાપીઠ ખાતેથી તેણે ડિપ્લોમા ઇન ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રોનિક્સની ડિગ્રી મેળવી હતી. કોમ્પ્યુટર સોફ્ટવેરમાં તે પાવરધો છે અને બોંબ બનાવવાની ઇલેકટ્રીક સર્કિટ બનાવવામાં તે એક્ષ્પર્ટાઇઝ માસ્ટરી ધરાવે છે. નવેમ્બર-૧૯૯૬માં તે રેડિકલ સોલ્યુશન કોમ્પ્યુટર ફોર્ટ વિસ્તાર,મુંબઇ ખાતે નોકરી માટે જોડાયો હતો. અબ્દુલ સુભાન સીમી અને આઇએમની કોન્ફરન્સમાં હાજરી આપી હતી અને તેની આંતકવાદી પ્રવૃત્તિઓમાં સક્રિય સંડોવણીની ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.

ફિલ્મોના પાત્રોની જેમ વેશ બદલવામાં ખુબ માહિર છે
શ્રેણીબદ્ધ બોંબ બ્લાસ્ટમાં સામેલ રહેલો કુખ્યાત અબ્દુલ સુભાન કુરૈશી ઉર્ફે કાસીમ ઝડપાઈ ગયા બાદ ઉંડી તપાસ હાથ ધરવામાં આવી છે. ૧૬ ડિસેમ્બર ફિલ્મમાં ગુલશન ગ્રોવર જેમ પોતાનો વેશ બદલી લેતો હતો તે જ પ્રકારે ફિલ્મના પાત્રોની જેમ વેશ બદલવામાં અબ્દુલ સુભાન કુરૈશી ઉર્ફે તૌકિર માહિર હતો. આટલા વર્ષો સુધી તે છુપાઇ રહેવામાં અને બચવામાં સફળ રહ્યો તેનું સૌથી મોટું કારણ જ આ છે કે, તે વેશપલટામાં જોરદાર પાવરધો હતો. થોડાક જ દિવસોમાં તે પોતાનો સંપૂર્ણ લુકઆઉટ બદલી શકતો હતો અને જેથી કોઇની નજરે તે ઓળખાતો નહી. આ સિવાય તે હિન્દી, અંગ્રેજી સહિતની જુદી જુદી ભાષાઓ પણ જાણે છે, જેના કારણે તેને અત્યાર સુધીમાં છુપાઇ રહેવામાં મદદ મળી. તૌકિર ઇન્ડિયન મુજાહિદ્દીનના આઇડિયોલોજી આંતકી તરીકે વધુ જાણીતો છે તે નવા આંતકવાદીઓને ટ્રેનીંગ આપતો હતો. અગાઉ તે નેપાળ મારફતે પાકિસ્તાન પણ ગયો હતો.

ક્રાઇમબ્રાંચ અબ્દુલ સુભાનને અમદાવાદ લાવશે
ક્રાઇમબ્રાંચના જેસીપી જે.કે.ભટ્ટે જણાવ્યું હતું કે, તેઓ સતત દિલ્હી પોલીસના સંપર્કમાં છે અને ટૂંક સમયમાં જ આંતકવાદી અબ્દુલ સુભાન ઉર્ફે તૌકિરને અમદાવાદ, સુરત સહિતના ગુનાઓની તપાસ માટે લોખંડી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ટ્રાન્સફર વોરંટના આધારે અમદાવાદ લાવવામાં આવશે. 

કેરાલા અને હાલોલમાં આંતકવાદી કેમ્પોમાં ભાગ લીધો હતો
ક્રાઇમબ્રાંચની તપાસમાં એ ચોંકાવનારો ખુલાસો પણ થયો છે કે, આંતકવાદી અબ્દુલ સુભાન કુરૈશીએ સીમી દ્વારા આયોજિત કેરાલાના વાઘોમન કેમ્પમાં ડિસેમ્બર-૨૦૦૭માં અને જાન્યુઆરી-૨૦૦૮માં હાલોલ-પાવાગઢના જંગલોમાં થયેલ આંતકવાદી તાલીમ કેમ્પોમાં ભાગ લીધો હતો. તેણે ત્યાં જેહાદી ભાષણો પણ આપ્યા હતા. તૌકિર ઇન્ડિયન મુજાહિદ્દીનના આંતકવાદીઓને તૈયાર કરતો હતો અને બ્લાસ્ટ સહિતના આંતકવાદી હુમલાઓની તાલીમ માટે બહુ મહત્વની મદદ કરતો હતો.

ભાજપના ધારાસભ્ય રાકેશ શાહની રેકી પણ કરી હતી
આરોપી કયામુદ્દીન કાપડિયા સાથે એ વખતે સંપર્ક થયો હતો અને તેને વડોદરામાં મળતો હતો. આરોપી તૌકિરે કયામુદ્દીનને વડોદરામાં બ્લાસ્ટ કરવા માટે હિન્દુ વિસ્તારોની રેકી કરવા જણાવ્યું હતું. તો પોતે, શહેરના ભાજપના ધારાસભ્ય રાકેશ શાહ અને વડોદરાના સેનેટ મેમ્બર દિપક શાહની ઓફિસો અને ઘરોની રેકી કરી હતી. 

સિરિયલ બ્લાસ્ટ પહેલાં વટવામાં રોકાયો હતો
આંતકવાદી અબ્દુલ સુભાન ઉર્ફે તૌકિર અમદાવાદના સિરિયલ બ્લાસ્ટ પહેલાં વટવા વિસ્તારમાં ગુપ્ત સાહેદના મકાનમાં રોકાયો હતો અને ત્યાં બોંબ બનાવવાની સામગ્રી અને સાધનો પણ લાવવામાં આવ્યા હતા. તૌકિર બ્લાસ્ટ અગાઉ કર્ણાટકમાં હથિયારો અને ભાંગફોડ કરી શકે તેવા છોકરાઓની શોધમાં કર્ણાટક પણ ગયો હતો.  ત્યાં તેનો સંપર્ક ભટકલ મોડયુલના આગેવાનો સાથે થયો હતો. આરોપી રિયાઝ ભટકલ અને ઇકબાલ ભટકલના તે બહુ નજીકના સંપર્કમાં હતો. 

તૌકિર બ્લાસ્ટ પહેલા અને પછી પાકિસ્તાન પણ જઇ આવ્યો છે
ક્રાઇમબ્રાંચની તપાસમાં એવી પણ ચોંકાવનારી માહિતી સામે આવી હતી કે, આંતકવાદી અબ્દુલ સુભાન ઉર્ફે તૌકિર અમદાવાદના સિરિયલ બ્લાસ્ટ પહેલા અને પછી પાકિસ્તાન પણ જઇ આવ્યો છે. તે નેપાળના રસ્તે થઇ પાકિસ્તાન જતો હતો અને વારેઘડિયે તે પાક્સ્તિાન જઇ આવ્યો હોવાની નક્કર હકીકત તપાસમાં પ્રસ્થાપિત થઇ ચૂકી છે.  અત્યારસુધીમાં અબ્દુલ સુભાન બેથી ત્રણ વખત પાકિસ્તાન જઇ આવ્યો છે, તેથી ત્યાંનું નેટવર્ક અને ત્યાંના તેના આકાઓ કોણ છે અને કોના ઇશારે તે ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓને અંજામ આપતો હતો તે સહિતની અનેક બાબતોની શહેર ક્રાઇમ બ્રાંચ દ્વારા તપાસ હાથ ધરાનાર છે. 

Previous articleમંત્રી ગણપત વસાવાએ સરકારી ભરતી મામલે આપ્યા તપાસના આદેશ
Next articleગાંધીનગર મહાત્મા મંદિર ખાતે બે દિવસીય ક્રિપ્ટોકરન્સી એક્સ્પોનો પ્રારંભ