મુખ્ય સચિવ જે.એન.સિંઘને એક્સ્ટેન્શન મળે તો ચારIASના પ્રમોશન અટકી પડશે

629

૩૧ મેના રોજ ગુજરાતના મુખ્ય સચિવ જે.એન.સિંઘ વય નિવૃત્ત થવા જઇ રહ્યા છે. મુખ્ય સચિવ નિવૃત્ત થયા બાદ તેનું સ્થાન લેવા માટે ચાર IAS મુખ્ય સચિવ બનાવાની રેસમાં છે. પરંતુ સરકાર જે.એન.સિંઘને એક્સ્ટેન્શન આપીને મુખ્ય સચિવ તરીકે ચાલુ રાખવા માટે વિચારણા કરી રહી છે. જો જે.એન.સિંઘને એક્સ્ટેન્શન મળે તો તેમની પાછળના ૪ આઇએએસ અધિકારીઓનું પ્રમોશન અટકી શકે તેમ છે. હાલ સચિવાલયમાં જે.એન. સિંઘના એક્સ્ટેન્શનને લઈ ગણગણાટ શરૂ થઇ ગયો છે. બીજી તરફ અન્ય સિનિયર આઇએએસ અધિકારીઓની તરફેણમાં પણ એક લોબી ચર્ચાઓ કરી રહી હોવાનુ જાણવા મળી રહ્યું છે.

સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, મુખ્ય સચિવ જે.એન.સિંઘ ૩૧મી મેના રોજ નિવૃત થવાના છે. સરકારની ગૂડબુકમાં સ્થાન ધરાવતા જે.એન.સિંઘને એસ્ટેન્શન અપાવવા માટે કેન્દ્રને ભલામણ કરીને એક્સટેન્શન અપાવી શકે છે. જો જે.એન.સિંઘને ૬ મહિનાનું એક્સ્ટેન્શન મળે તો સુજીત ગુલાટી, પી. કે.ગેરા, સંજય પ્રસાદ અને જી.સી. મુર્મુ આ દરમિયાન નિવૃત્ત થઈ જશે અને મુખ્ય સચિવ બનવાથી હાથવેંત દૂર રહી જશે. જે.એન. સિંઘ ૬ મહિનાના એક્સટેન્શન બાદ નિવૃત્ત થાય તો હાલ સેન્ટ્રલ ડેપ્યુટેશન પર રહેલા અનિલ મુકીમ અને અતનુ ચક્રવર્તી મુખ્ય સચિવ બની શકે છે. જો અતનુ ચક્રવર્તી અને મુકીમને મુખ્ય સચિવ ન બનાવવામાં આવે તો ૧૯૮૪ની બેચના અરવિંદ અગ્રવાલ, ૧૯૮૫ની બેચના પૂનમચંદ પરમાર અને ૧૯૮૬ની બેચના સંગીતાસિંઘ પણ મુખ્ય સચિવ બનવાની સ્પર્ધા થઈ શકે છે.

Previous articleસેનેટરી પેડના નિકાલ માટે શાળાઓમાં મશીન મુકાશે : માત્ર રૂ. ૩૦૦માં મશીન બનાવ્યું
Next articleઅંબાજી ટ્રસ્ટમાં ખોટી રીતે એજન્સીના કામદારોની બદલી થતાં શ્રમ આયુક્તે નોટિસ ફટકારી