બે હજારમાં ઈલેકટ્રીક વેરીફીકેશનના સર્ટી. વેચાય છે : કમાણીનો નવો ધંધો શરૂ

1370

ગાંધીનગર શહેરમાં ટયુશન કલાસીસ સહીતના એકમો પાસેથી ફાયર સહિતની વિવિધ એનઓસી માંગવામાં આવી રહી છે. જેમાં ઈલેકટ્રીક વેરીફીકેશન સર્ટી. પણ માંગવામાં આવી રહયું છે ત્યારે તે બે હજાર રૂપિયામાં વેચાઈ રહયું છે. એટલું જ નહીં ઈલેકટ્રીક ઈન્સ્પેકટર પાસેથી જ તપાસ કરાવવાની જોગવાઈ હોવા છતાં બારોબાર ખાનગીરાહે સહીસિક્કા કરીને આવા સર્ટી. વેચાઈ રહયા છે. તંત્રએ આ બાબતને ગંભીરતાથી લેવાની જરૂરીયાત છે.

સુરતમાં ટયુશન કલાસીસમાં લાગેલી આગ બાદ સમગ્ર રાજયમાં તંત્ર ઘોડા છુટી ગયા પછી તબેલાને તાળા મારવા માટે દોડયું છે જેમાં રાજયનું પાટનગર ગાંધીનગર પણ બાકાત રહયું નથી. શૈક્ષણિક હબ તરીકે વીકસી રહેલા ગાંધીનગરમાં ખાનગી ટયુશન કલાસીસ, શાળાઓ અને હોસ્ટેલો, લાયબ્રેરીઓનો વેપાર મોટા પ્રમાણમાં ચાલતો આવ્યો છે.

સરકારના કોઈ નીતિ નિયમો પાળ્યા વગર રહેણાંક વિસ્તારોમાં પણ આ પ્રવૃતી ચાલી રહી છે અને હવે તંત્રની સૂચનાના પગલે હાલ પુરતું બંધ કરી દેવાઈ છે. તેના સંચાલકો પાસેથી વિવિધ એનઓસી માંગવામાં આવી રહયા છે જેમાં ફાયર એનઓસીની સાથે સંસ્થામાં ઈલેકટ્રીક વેરીફીકેશન થયું છે કે નહીં તેનું પણ સર્ટીફીકેટ માંગવામાં આવે છે.

નિયમ મુજબ સરકાર માન્ય ઈલેકટ્રીક ઈન્સ્પેકટર દ્વારા જ સ્થળ તપાસ કરીને આ સર્ટીફીકેટ આપવામાં આવતું હોય છે પરંતુ હાલ બારોબાર ખાનગી વાયરમેનો દ્વારા પણ બે હજાર રૂપિયામાં સહી સિક્કા કરીને ઈલેકટ્રીક વેરીફીકેશનનું સર્ટી. આપવામાં આવી રહયું છે. કોઈપણ જગ્યાએ આગનું મુખ્ય કારણ ઈલેકટ્રીક વાયરોમાં થતી શોર્ટસર્કિટ છે ત્યારે તેના સર્ટી. પણ હવે વહીવટથી આસાનીથી મળી રહયા છે ત્યારે તંત્ર આવી ઘટનાઓ અટકાવી શકશે કે નહી તે સમજાતું નથી.

જો ખરેખર તમામ એકમો પાસે કાયદાનું પાલન કરાવવું હોય તો નિયમ મુજબના જ સર્ટીનો આગ્રહ રાખવો જોઈએ નહીંતર એનઓસીના નાટકો બંધ કરી દેવા જોઈએ.

Previous articleઅંબાજી ટ્રસ્ટમાં ખોટી રીતે એજન્સીના કામદારોની બદલી થતાં શ્રમ આયુક્તે નોટિસ ફટકારી
Next articleફાયર સેફ્‌ટીના નવા નિયમો, NOC મળ્યા પછી પણ દુર્ઘટના બને તો AMC જવાબદાર નહીં