અમિત શાહનું રાજયસભાના સાસંદપદેથી અંતે રાજીનામું

580

ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય બનેલા અમિત શાહે ગાંધીનગર બેઠક પરથી ચૂંટાયા બાદ રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામુ આપી દીધું છે. પરંતુ તેમની સાથે ગુજરાતમાંથી જ રાજ્યસભામાં ચૂંટાયેલા સ્મૃતિ ઈરાનીએ હજુ સુધી રાજીનામુ આપ્યું નથી. આ બંને નેતાઓના રાજીનામાને લઇ ગુજરાતની ખાલી પડનારી રાજયસભાની બે બેઠકોને લઇ હવે રાજયમાં સક્રિય હિલચાલ શરૂ થઇ છે ખાસ કરીને ભાજપ-કોંગ્રેસ વચ્ચે ફરી એકવાર રાજયસભાની ચૂંટણીને લઇ કશ્મકશ જંગ જામશે. બીજીબાજુ, સ્મૃતિ ઇરાનીએ હજુ સુધી કેમ રાજીનામું નથી આપ્યું તે વાતને લઇ હવે સવાલ, ચર્ચા અને અટકળો ઉઠી રહ્યા છે . જો કે, ભાજપમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, ગુજરાતની રાજ્યસભાની બન્ને બેઠકોની ચૂંટણી યોજવાને બદલે પહેલા માત્ર અમિત શાહની ખાલી પડેલી એક જ બેઠકની ચૂંટણી કરી શકે અને ત્યારબાદ સ્મૃતિ ઈરાની થોડા સમય બાદ રાજ્યસભામાંથી રાજીનામુ આપે જેથી આ બેઠકની ચૂંટણી અલગ થઈ શકે અને ભાજપ તેના પર કબ્જો મેળવી શકે. આમ બન્ને બેઠકોની અલગ અલગ ચૂંટણી કરાવી એક બેઠકનો ફાયદો મેળવી શકે છે. આ ચર્ચા એટલા માટે પણ ધ્યાન ખેંચી લે છે કારણ કે, આવતીકાલે મોદી મંત્રીમંડળ શપથ લેવા જઈ રહ્યું છે ત્યારે રાજ્યસભાના સભ્યપદેથી અમિત શાહ સહિત ત્રણ સભ્યોએ રાજીનામા આપ્યા છે. પરંતુ અમેઠી લોકસભા બેઠક પરથી ચૂંટાયેલા સ્મૃતિ ઈરાનીએ રાજ્યસભામાંથી રાજીનામુ આપ્યું નથી. તે જોતા એવો તર્ક ચાલી રહ્યો છે.

કે જો સ્મૃતિ ઈરાનીને મંત્રી મંડળમાં સ્થાન આપવાનું હોત તો તેમને પણ રાજ્યસભામાંથી રાજીનામુ આપવા નિર્દેશ અપાયા હોત. પરંતુ સ્મૃતિ ઈરાનીએ હજુ સુધી રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામુ આપ્યું નથી. બંધારણીય જોગવાઈ મુજબ, લોકસભાના સભ્ય તરીકે એટલે કે સાંસદ તરીકેના શપથ લેતા પહેલા અન્ય હોદ્દા પરથી રાજીનામા આપવા પડે. તે પ્રમાણે રાજ્યસભાના બે સભ્યો એવા અમિત શાહ અને રવિશંકર પ્રસાદે રાજ્યસભા પદેથી રાજીનામા આપી દીધા છે. જેથી તેઓ આવતીકાલે મંત્રી તરીકેના શપથ જોડાઈ શકે છે, પરંતુ સ્મૃતિ ઈરાની રાજ્યસભાના સભ્યપદે હજુ સુધી ચાલુ હોવાથી તેના મંત્રીપદના શપથ અંગે પ્રશ્નાર્થ ઉભો થયો છે. આ સિવાય એક બીજી પણ શક્યતા અંગે ચાલી રહેલી ચર્ચા મુજબ, સ્મૃતિ ઈરાનીને મંત્રીપદ આપવાને બદલે જ્યારે ભાજપના રાષ્ટ્રીય સંગઠનની રચના થાય ત્યારે તેમને રાષ્ટ્રીય મહામંત્રી કે મંત્રી પદ આપીને ઉત્તરપ્રદેશના પ્રભારી બનાવવામાં આવી શકે છે, કારણ કે ઉત્તરપ્રદેશના રાજકારણમાં પ્રિયંકા ગાંધીના ઉદય બાદ યોગીના સાથી તરીકે સ્મૃતિ ઈરાનીને ભાજપનું સંગઠન વધુ મજબૂત બનાવવા માટે પ્રભારી બનાવી શકે છ તેવી પણ શકયતાઓ વહેતી થઇ છે. જો કે, ગુજરાતમાં રાજયસભાની આ બંને બેઠકોને લઇ ભાજપ-કોંગ્રેસ વચ્ચે ફરી એકવાર પ્રતિષ્ઠાનો જંગ જામશે તે નક્કી છે. ભાજપ તો અત્યારથી જ કોંગ્રેસની છાવણીમાં તોડફોડની રાજકીય કૂટનીતિમાં લાગી ગયુ છે તો કોંગ્રેસ પણ ડિફેન્સીવ અને સુરક્ષાત્મક વ્યૂહરચના અમલી બનાવી રહ્યું છે.

Previous articleડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન જિલ્લા સ્તર પર તૈયાર થશે
Next articleહારની નૈતિક જવાબદારી સ્વીકારી, રાજીનામાનો પ્રશ્ન નથી : અમિત ચાવડા