છેલ્લા ૩ દિવસમાં સનસ્ટ્રોકના ૩૪ કેસ નોંધાયા 

504

પાટનગરમાં ગરમીએ લોકોને પરસેવે રેબઝેબ કરી નાખ્યા હતાં. બુધવારે મોસમનો સૌથી ગરમ દિવસ નોંધાવા સાથે તાપમાનનો પારો ૪૪.૪ ડિગ્રી પર પહોંચી ગયો હતો. આગળની રાત્રે લઘુતમ તાપમાન ૨૯.૬ ડિગ્રી નોંધાયું હતું મતલબ કે દિવસ અને રાતના તાપમાનમાં ૧૫ ડિગ્રીનો તફાવત રહ્યો હતો. હવામાન વિભાગ દ્વારા ગાંધીનગરને ગરમીની કક્ષામાં ઓરેન્જ એલર્ટમાં મુકવામાં આવ્યું છે. મતલબ કે ગંભીરતા દાખવવામાં ન આવે તો આવી ગરમી જાન લેવા સુધી સાબિત થઇ શકે છે. નોંધવું રહેશે કે ગત વર્ષે મે મહિનામાં આ દિવસે ગરમીનો પારો ૪૨.૫ ડિગ્રી પર પહોંચ્યો હતો.

ગાંધીનગર માટે આ વર્ષે ઉનાળો કાળઝાળ સાબિત થવાના પુરાવા માર્ચ મહિનાથી જ મળી ગયા હતાં અને ગત ૩૦મીએ ગરમીનો પારો ૪૦.૧ ડિગ્રી પર આવી ગયો હતો. એપ્રિલ મહિનામાં ગરમીનો ૨૯મી તારીખે ૪૪.૧ ડિગ્રીએ પહોચ્યો તે અગાઉ ૧૯૯૪ના વર્ષમાં ૪૬ ડિગ્રી તાપમાન નોંધાયેલુ છે. તાપમાનમાં ગ્લોબલ ર્વોમિંગની ભયાનક અસર વર્તાવા લાગી હોય તેમ જણાય રહ્યું છે. કંડલા એરપોર્ટને બાદ કરતા ગાંધીનગર રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયુ હતુ.

આ રીતે ગાંધીનગરમા આ વખતે પહેલીવાર મોસમની સોથી વધુ ગરમી ૪૪.૪ ડિગ્રી નોંધાતા પાટનગરવાસીઓ આજે રીતસરના અકળાઈ ગયા હતા. બીજી બાજુ રાતના તાપમાનમા પણ છેલ્લાં કેટલાંક સમયથી નોંધપાત્ર વધારો થતા મધરાત સુધી ઠંડક થતી નથી. લોકો મોડી રાત સુધી બહાર ફરી ગરમીથી રાહત મેળવવા પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે. ગત સોમવારથી ચામડી બાળી નાંખતી ગરમી પડી રહી છે.

ગરમીના વધતા જતા પારાને પગલે સન સ્ટ્રોકનો ભોગ પણ લોકો બની રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી સનસ્ટ્રોકના ૩૪ કેસ સિવીલ હોસ્પિટલમાં નોધાયા છે. જેમાં ચક્કર આવવા, માથું દુખવું, ઝાડા-ઉલટી, તાવ આવતા દર્દીઓને તાત્કાલિક અસરથી સારવાર આપીને ઇન્ડોર દાખલ કરવામાં આવ્યા હતા.

ગરમીનો પારો ૪૨ ડિગ્રીને પાર થઇ જાય અને તંત્ર દ્વારા તાપના સંબંધમાં એલર્ટ જાહેર કરવામાં આવે તે દિવસો દરમિયાન બપોરે ૨ વાગ્યાથી ૪ વાગ્યા સુધી તાપમાં બહાર નીકળવામાં લુ લાગી જવાનું જોખમ રહે છે.

Previous articleપ.પુ.સંતશ્રી સદારામબાપાની ગુરુ વંદના ભંડારા મહોત્સવ શરૂ
Next articleસિવિલના સર્જિકલ ઓપરેશન થિયેટરમાં પાણી ફરી વળ્યું ઓપરેશન મુલતવી રાખવા પડયા