GSPનો દરજ્જો અમેરિકાએ પાછો ખેંચ્યો : નુકસાનની વકી

440

અમેરિકાએ ભારતને મળેલા સામાન્ય મહત્વની વ્યવસ્થા (જીએસપી)ના દરજ્જાને ખતમ કરી દેવાનો નિર્ણય કર્યો છે જે પાંચમી જૂનથી અમલી બનનાર છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં આ અંગેની જાહેરાત કરી છે. જીએસપી એટલે જનરલાઇઝ્‌ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સ (જીએસપી)નો દરજ્જો પરત ખેંચી લેવામાં આવ્યો છે. અમેરિકા દ્વારા અન્ય દેશોને વેપારમાં આપવામાં આવતા મહત્વની આ સૌથી જૂની પદ્ધતિ પૈકીની એક છે. આની શરૂઆત ૧૯૭૬માં વિકાસશીલમાં આર્થિક વૃદ્ધિ વધારવા માટે કરવામાં આવી હતી. વિકાસશીલ દેશોને મદદ કરવાનો આની પાછળ હેતુ હતો. દરજ્જો ધરાવતા દેશોને હજારો ચીજવસ્તુ કોઇપણ પ્રકારના ચાર્જ વગર અમેરિકાને નિકાસ કરવાની મંજુરી આપવામાં આવી હતી. ભારત ૨૦૧૭માં જીએસપી કાર્યક્રમના સૌથી મોટા લાભાર્થી તરીકે રહેતા આ દરજ્જો પરત ખેંચાતા તેને અસર થઇ શકે છે.

વર્ષ ૨૦૧૭માં ભારતે આની હેઠળ અમેરિકાને ૫.૭ અબજ ડોલરની ચીજવસ્તુઓની નિકાસ કરી હતી. હજુ સુધી આશરે ૧૨૯ દેશોની આશરે ૪૮૦૦ ચીજવસ્તુ માટે જીએસપીનો ફાયદો થયો છે. યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટીવ ઓફિસના કહેવા મુજબ જીએસપીનો મુખ્ય ઉદ્દેશ્ય વિકાસશીલ દેશોને પોતાની નિકાસને વધારવામાં મદદ કરવાનો રહેલો છે. જેથી અર્થવ્યવસ્થામાં તેજી લાવી શકાય. સાથે સાથે ગરીબીને દૂર કરવામાં મદદ કરી શકાય. ટ્રમ્પે કહ્યું છે કે, ભારતે અમેરિકાને પોતાના બજાર સુધી ચીજવસ્તુ અને અન્ય બાબતોના સંદર્ભમાં કોઇ ખાતરી આપી નથી જેથી પાંચમી જૂન ૨૦૧૯થી ભારતને મળેલા લાભાર્થી વિકાસશીલ દેશના દરજ્જાને બંધ કરવાની બાબત બિલકુલ યોગ્ય દેખાઈ રહી છે. ટ્રમ્પે આ સંદર્ભમાં અમેરિકાના તમામ ટોચના સાંસદો તરફથી કરવામાં આવેલી અપીલને ફગાવી દીધી હતી. સાંસદોએ કહ્યું હતું કે, આ પગલાથી અમેરિકી ઉદ્યોગપતિઓને વર્ષે ૩૦ કરોડ ડોલરનો વધારાનો ચાર્જ ચુકવવો પડશે. બીજી બાજુ ભારતે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, અમે અમેરિકા સાથે સંબંધો મજબૂત રાખવા માટે કટિબદ્ધ છે. અમેરિકા અથવા અન્ય કોઇ દેશની જેમ જ આવા મામલામાં ભારત રાષ્ટ્રીયહિતોને આગળ રાખશે. સરકારે એમ પણ કહ્યું છે કે, આર્થિ સંબંધોમાં આ પ્રકારની ચીજો હોય છે જેને પારસ્પરિકરીતે ઉકેલી શકાય છે.

Previous articleલોકો પર હવે વધુ બોજ : LPG સિલિન્ડરની કિંમતમાં પણ વધારો
Next articleસોનિયા ગાંધી સંસદીય દળના નેતા ચૂંટાયા : સસ્પેન્સનો અંત