ગાંધીનગર જિલ્લામાં ઉભા પાક બાળી નાંખે તેવી કાળઝાળ ગરમીને કારણે પ્રિમોન્સુન વાવેતરને બ્રેક

589

ગાંધીનગર જિલ્લાના ખેડૂતોએ પણ પ્રિ-મોનસુન વાવેતર શરુ કરી દીધુ હતું. મે માસના અંતે જુનમાં સારા વરસાદની આશાએ કપાસ અને મગફળીનું વાવેતર માણસા તેમજ દહેગામના ખેડૂતોએ કર્યું હતું. પરંતુ સામાન્ય રીતે જુન માસના પ્રથમ સપ્તાહમાં ૩૮થી ૪૦ ડિગ્રીએ રહેતી ગરમી આ વખતે રેકોર્ડબ્રેક રીતે ૪૩-૪૪ અને ૪૫ સુધી પહોંચી ગઇ છે ત્યારે ખેડૂતોએ જ પ્રિમોન્સુન વાવેતર અટકાવી દીધુ છે અને ભવિષ્યમાં પિયતના પ્રશ્નને ધ્યાનમાં રાખીને ખરીફ પાકના વાવેતર કરવા તરફ પ્લાનીંગ કરવામાં આવી  રહ્યું છે.

આ વખતે અસહ્ય કાળઝાળ ગરમીએ ગુજરાતના દાયકાઓ જુના રેકોર્ડને તોડી નાંખ્યા છે તેમાં પણ ગ્રીનસીટી ગણાતા ગાંધીનગર શહેર અને જિલ્લામાં તો છેલ્લા બે અઠવાડિયાથી તાપમાનનો પારો સતત ૪૩ ડિગ્રીને પાર જ રહ્યો છે. તેવી સ્થિતિમાં સામાન્ય નાગરિકથી માંડીને ખેડૂત, પશુપાલકો અને સરકાર પણ હવે આકાશ સામે મીટ માંડીને બેઠી છે.

ત્યારે સારા અને સમયસર વરસાદની આશા સાથે દર વર્ષની જેમે આ વર્ષે પણ ગાંધીનગર જિલ્લામાં પ્રિ-માન્સુન વાવેતર સાહસિક ખેડૂતોએ કર્યું હતું. જેમાં ઉનાળું પાક લેવાઇ ગયા બાદ અખાત્રીજથી ખેડૂતો પરંપરાગત રીતે બળદ જોડીને માણસા અને દહેગામ તાલુકાના તેમજ કલોલ તથા ગાંધીનગર તાલુકાના ખેડૂતો એ પણ કપાસ તથા મગફળીનું વાવેતર શરુ કરી દીધુ હતું.

ગરમી વધુ પડવાને કારણે વરસાદ આ વખતે વહેલો આવશે અને પાકને અનુકુળ પાણી અને વાતાવરણ મળી રહેશે તેમ માનીને ખેડૂતોએ કપાસ અને મગફળીનું પ્રિ-માન્સુન વાવેતર તો કરી દીધુ હતું પરંતુ સામાન્ય રીતે જુન માસની શરુઆતમાં વધુમાં વધુ ૩૮થી ૪૦ ડિગ્રી સુધી તાપમાન રહે છે પરંતુ આ વખતે પારો વિક્રમીરીતે ૪૫ ડિગ્રીએ પહોંચી જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.દર વખતે જુન માસની શરુઆતની સાથે જ વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ હોય છે જેના કારણે પણ પ્રિ-મોન્સુન વાવેતર ટકી રહેતું હોય છે પરંતુ આ વખતે ઉભા પાકને બાળી નાંખતી ગરમી પડી રહી હોવના કારણે ખેડૂતોએ વાવેતર અટકાવી દીધું છે.

હવે ખેડૂતો માટે પિયતનો પ્રશ્ન ઉભો થયો છે એટલે ખેડૂતોએ પ્રિ-મોનસુન વાવેતર અટકાવી દીધુ છે અને જેટલા હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે તે પાક બળી ન જાય તેથી તેને બચાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.સતત ગરમી પડવાને કારણે પિયત પણ વધુ આપવું પડતું હોવાને કારણે ખેડૂતોને હાલની સ્થિતિએ જે પ્રિ મોનસુન વાવેતર કર્યું છે તે ટકાવી રાખવું ખુબ જ મુશ્કેલ પડી રહ્યું છે. ત્યારે જગતના તાત હાલ આકાશ તરફ મીટ માંડીને મેઘરાજાની રાહ જોઇ રહ્યા છે વરસાદની સાથે જ ખેડૂતો હળ લઇને ખેતરોમાં જોતરાઇ જશે.

Previous articleબાળ લગ્ન નાબૂદી માટે ચિલોડામાં જન જાગૃત્તિ કાર્યક્રમ
Next articleમમતાએ બંગાળમાં ભાજપના વિજય સરઘસ પર પ્રતિબંધ મૂક્યો