એજન્ટની દાદાગીરીઃ RTOમાં વાહન નિરીક્ષકને જાહેરમાં ઝૂડી નાખ્યો

532

આરટીઓમાં એજન્ટ પ્રથા નાબૂદ કરાઇ હોવા છતાં એજન્ટ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નહીં આવતી હોવાથી હવે તેઓ છાકટા બની રહ્યા છે. વસ્ત્રાલમાં આવેલ આરટીઓમાં માથાભારે એજન્ટના કારણે આરટીઓના કર્મચારીઓ ભયભીત થઇ ગયા છે.

ગઈ કાલે વાહન ફિટનેસ વિભાગમાં એક એજન્ટનું ધાર્યું કામ ન થતાં તેણે વાહન નિરીક્ષકને ગાળો બોલી માર મારવાની ઘટનાથી સમગ્ર આરટીઓમાં ભયનું વાતાવરણ પ્રસરી ગયું છે. સુરત ખાતે રહેતા અને વસ્ત્રાલ આરટીઓમાં મોટર વાહન નિરીક્ષક તરીકે ફરજ બજાવતા હર્ષુલ સોસાએ એજન્ટ શૈલેશ પટેલ વિરુદ્ધમાં મારામારીની ફરિયાદ નોંધવી છે.

આરટીઓના મોટર વાહન નિરીક્ષક હર્ષુલ સોસા ફરજ પર હતા અને વાહન ફિટનેસની કામગીરી કરી રહ્યા હતા ત્યારે આરટીઓ એજન્ટ તરીકે કામ કરતો શૈલેશ પટેલ વાહન ફિટનેસના કામ માટે આવ્યો હતો. શૈલેશ પટેલ વાહન નિરીક્ષક પાસે આવીને કહેવા લાગ્યો હતો કે તું મારું વાહન કેમ તપાસતો નથી.

આમ કહીને તેણે વાહન નિરીક્ષકનો કોલર પકડી લીધો હતો અને જોતજોતામાં બોલાચાલી થતાં એજન્ટ શૈલેશ ગાળો બોલવા લાગ્યો હતો. એજન્ટ વાહન નિરીક્ષકને ધમકી પણ આપતો હતો કે હું તને જોઈ લઈશ, તારા વિરુદ્ધમાં એસીબીમાં ખોટા કેસ કરીને ફસાવી દઈશ અને મારી નજરે પડ્‌યો તો તારા હાથ-પગ ભાંગી નાખીશ. આમ કહીને તેણે વાહન નિરીક્ષક સાથે મારામારી કરી હતી.

Previous articleઅમીરગઢઃ ટાયર ફાટતા ડિવાઈડર કૂદીને એમ્બ્યુલન્સ ખાડામાં ઊંધી પલટી
Next articleડીસાના આસેડા પાસે કાર અને છકડો રીક્ષાની ટક્કર, ૪ને ગંભીર ઈજાઓ