ખાનગી માધ્યમિક શાળાઓએ વિદ્યાર્થીઓની હાજરીનો ડેટા ઓનલાઈન મોકલવો પડશે

463

સરકારને હવે ખાનગી શાળાઓ અને કોલેજોના સંચાલકો પર પણ ભરોસો ન રહેતાં હવે રાજ્યની તમામ સરકારી ગ્રાન્ટેડ શાળાઓ બાદ સરકારી ઉચ્ચ શિક્ષણની અને ટેકનિકલ કોલેજોમાં પણ ઓનલાઈન હાજરી ફરજિયાત કરાયા બાદ હવે ખાનગી શાળાઓમાં પણ ઓનલાઇન હાજરી ટૂંક સમયમાં ફરજિયાત કરવામાં આવશે.

જેમાં શાળા સંચાલકો કે આચાર્ય એ રોજે રોજનો વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાજરીનો ડેટા દિવસના અંતે ઓનલાઇન શિક્ષણ વિભાગમાં ફરજિયાત સબમીટ કરવાનો રહેશે. સરકાર દ્વારા ઓનલાઈન હાજરી માટેની મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. રાજયની ખાનગી  શાળામાં ભૂતિયા છાત્રોની માયાજાળ દૂર કરવા શિક્ષણ વિભાગ સરકારી શાળાઓની સાથે હવે ખાનગી શાળાઓ માટે પણ  નવા સત્રથી ઓનલાઇન હાજરી ફરજિયાત ટૂંક સમયમાં કરી રહ્યો છે.

ચાલુ  શૈક્ષણિક વર્ષથી રાજ્યની તમામ સરકારી કોલેજોમાં પણ ઓનલાઈન હાજરીનો નિયમ કરવામાં આવ્યો છે. જે માટે એક મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. આ સિસ્ટમ અંતર્ગત  શિક્ષકો-કર્મચારીઓની આવનજાવનની હાજરી, લેક્ચરમાં હાજરી, લેબોરેટરીમાં હાજરી, ઉપરાંત વિદ્યાર્થીઓની હાજરીનો ઓનલાઈન ડેટા તૈયાર થશે.

ખાનગી શાળાઓમાં ઘણી શાળાઓમાં વિદ્યાર્થીઓનાં એડમિશન માત્ર નામનાં હોવાનું વિભાગને અનેક ફરિયાદો મળતી રહે છે. ખાસ કરીને બોર્ડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ શાળાના સમયે પણ ખાનગી કલાસીસમાં હાજરી આપતા જોવા મળે છે. જેથી હાજરીની સમસ્યા નિવારવા તેમજ ભૂતિયા વિદ્યાર્થીઓની સંખ્યા જાણવા માટે હવે ફરજિયાત ખાનગી શાળાઓમાં ઓનલાઇન હાજરી સિસ્ટમ અમલી થવા જઈ રહી છે.

વિદ્યાર્થીઓની અને શિક્ષકોની રજાઓ પણ ઓનલાઈન મુકાશે. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી  આર સી પટેલે જણાવ્યું હતું કે  સરકારી અને ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓની ની પોર્ટલ પર ઓનલાઇન હાજરી ન પૂરવામાં આવતાં  શાળાના આચાર્યને નોટિસ ફટકારવામાં આવશે. જેમાં રાજય સરકારના હુકમનો અનાદર કરી ફરજમાં બેદરકારી દાખવામાં આવી હોય પગલાં શા માટે ન લેવાં તે અંગે સાત દિવસમાં ખુલાસો માગવામાં આવશે ખુલાસો આવ્યા બાદ શું પગલાં લેવાં તેનો નિર્ણય કરાશે

Previous articleતળાવ ખાલી કરી શકાય તેવાં મશીન હોવા છતાં વરસાદી પાણીનો નિકાલ કેમ થતો નથી?
Next articleગાંધીનગર નજીક કાર અકસ્માતમાં અમદાવાદના BSNLન્ના નિવૃત કર્મચારીનું પત્ની સાથે મોત