શમણાની સોગાદ

0
249

જીવન સંધ્યા જેમ-જેમ તેની જિંદગીના ખુલ્લા આકાશમાં ખીલવા લાગે છે તેમ-તેમ તેની સંધ્યાના રંગોની શોભા વધતી જાય છે. સફળતાના મેઘ-ધનુષી રંગો આપણી જીવન સંધ્યામાં એવાં તો ખીલી ઊઠે છે! જેને જોઈ સૌ કોઈ વિચારોની ખીણમાં ગરકાવ થઈ જાય છે. ‘આ મેઘ-ધનુષી રંગો કોઈવાર વહેતા સમયના પ્રવાહમાં કરવટ બદલી વ્યક્તિના જીવન માર્ગને બદલી નાખે છે એટલે કે, નસીબ સમૂળગું પલટાઈ જાય છે. કોઈવાર તો અક્ષમ વ્યક્તિ પણ પરિશ્રમના જોરે સક્ષમ વ્યક્તિને પાછળ છોડી આગળ નીકળી જતા હોય છે.’ જોકે આ સફળતા મળવા પાછળ ઇશ્વરની કૃપાદૃષ્ટિ પણ કારણભૂત કહેવાય. આવા વ્યક્તિઓ પ્રગતિ સાધી શકે, સિદ્ધિ મેળવી વિજયની વરમાળા પહેરવાના હકદાર બની શકે, તેવા મદદ કરનારા મસીહા પણ ખુદ ઇશ્વર મોકલતો હોય છે. કદાચ એવું પણ બનતું હોય, ખુદ ઇશ્વર મદદના સમયે આવા લોકોના દિલમાં આવી વસવાટ કરી લેતો હોય. કારણ મેં આવા લોકોના દિલ હંમેશાં લાગણીથી છલકાતાં વિશાળ સાગર સરખા જોયા છે. સાગરમાં તો ભરતી પછી ઓટ આવતી જ હોય છે. એવી જ રીતે ગંગા-જમનાના નીરમાં પણ વધ-ઘટ થતી રહે છે. આમ સાગર કે સરિતા ભલે પોતાના પ્રવાહમાં બદલાવ લાવતા હોય પણ મદદના મસીહા તેમ કરતાં નથી. તેઓ તો લીધી વાત મૂકતા નથી. મેં આવા ઘણા લોકોને જોયા છે.

પ્રજ્ઞાલોકમાં શિક્ષક તરીકે જોડાયેલા જસુભાઈ બાબુભાઈ કવિ કે જેઓ હાલ નિવૃત્તિનું જીવન ગુજરતા હોવા છતાં પ્રવૃત્તિઓનું એન્જિન બની  સેંકડો અંધજનોના જીવનમાર્ગમાં પ્રકાશ પાથરી રહ્યા છે. તેમનું સમર્પણ દાદ માંગી લે તેવું છે. છેલ્લા થોડા વર્ષોથી પ્રજ્ઞાચક્ષુઓના કલ્યાણ માટે તેઓ અમદાવાદમાં ‘રાહ ફાઉન્ડેશન’ નામની સંસ્થા ચલાવે છે. જેના માધ્યમથી તેઓ પ્રજ્ઞાચક્ષુઓમાં છુપાયેલી સુષુપ્ત શક્તિઓને ખોળી કાઢે તેવા ખાસ કાર્યક્રમોનું આયોજન કરી, અનેક પ્રજ્ઞાચક્ષુ લોકોને આગળ વધવા ટેકો કરી રહ્યા છે. જેના પરિણામે અનેક પ્રતિભાઓને વિકસવાની તક મળી રહી છે. જે આ ક્ષેત્રની સંસ્થાઓ નથી કરી શકી તેવું કામ કવિસાહેબનું આ સંગઠન કરી તદ્દન નવો ચીલો ચાતર્યો છે.

થોડા દિવસો પહેલા અમદાવાદની એચ. કે. આર્ટસ કૉલેજના હૉલમાં તા. ૦૬ જૂન, ૨૦૧૯ ને ગુરુવારના રોજ રાત્રીના ૮ થી ૧૨ દરમિયાન યોજાયેલા એક કાર્યક્રમમાં મારે જવાનું થયું હતું. જેના વિશે થોડી નોંધ આપ સૌને આપવાનું થાય છે. ‘માનું કંકુ’ શીર્ષક હેઠળ યોજાયેલ આ કાર્યક્રમ માણી દિલને ટાઢક વળી. લગભગ અઢારેક જેટલાં ગીતો જુદા-જુદા કલાકારો દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. શ્રી કુમારપાળ દેસાઈ, શ્રી પી. કે. લહેરી, દૂરદર્શનના પૂર્વ નિયામકશ્રી બિંદુબેન ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રજ્ઞાચક્ષુ કલાકારોએ એક પછી એક પોતાની સુંદર કલાકૃતિઓ રજૂ કરી હતી. પિયૂષ દવે, મનીષા દવે, જ્યોતીષા પરમાર, રાકેશ દવે જેવા કલાકારોએ પ્રજ્ઞાલોકનું ગૌરવ વધાર્યું હતું. હેપ્પી દેસાઈ અને પાયલ શર્મા જેવા નવોદીત કલાકારોએ પણ રંગભરી જમાવટ કરી, ઉપસ્થિત શ્રોતાગણના દિલ જીતી લીધા હતા. આ કાર્યક્રમને જો કોઇ પ્રસારણના માધ્યમથી વિશાળ શ્રોતાઓ સુધી લઈ જવામાં આવ્યો હોત તો કદાચ રાજ્યના કેટલાય સંગીત પ્રેમીઓને તેનો લાભ મળી શક્યો હોત. મેં મારા વક્તવ્યમાં એવી આશા પણ વ્યક્ત કરી હતી કે : ‘ભવિષ્યમાં આકાશવાણી આવા કાર્યક્રમોનું લાઈવ પ્રસારણ સામે ચાલીને કરશે એવા દિવસો દૂર નથી.’ કાર્યક્રમના ઉદ્ઘોષક નીતેશ સુખડિયાને પણ અભિનંદન આપવા ઘટે.

આ આખા કાર્યક્રમમાં હું બેઠા-બેઠા વિચારતો હતોઃ ‘ઇશ્વર કદાચ પડકારરૂપ જિંદગી આપી, ચમત્કાર કરવા ઇચ્છતો હોય એવું પણ બને. આંખોમાં ભલે તે અંધારા આંજીને આવા લોકોને આ ધરતી પર મોકલતો હોય પણ તેને જિંદગીમાં આગળ વધવાની પગદંડી પણ આપે છે.’ તમે કહેશો કેઃ ‘કલાશક્તિ તો આ લોકો અથાક મહેનત ઉઠાવી પામતા હોય છે.’ પરંતુ હું આપ સૌને એટલું જ કહેવા ઈચ્છું છું કે આ કલા શક્તિનું યોગ્ય મૂલ્ય આંકી શકે તેવા કલાપારખુ જસુભાઈ કવિ જેવા વીરલા પણ ઇશ્વર જ મોકલે છે ને? હા, આવા ઉમદા કાર્યમાં તેમને કુમારપાળ દેસાઈ જેવા મહાનુભાવોનો ટેકો પણ મળતો જ હોય છે.ટૂંકમાં, ઇશ્વરકૃપા વડે જ આ બધું થતું રહે છે. પંખો હવા ઉત્પન્ન કરતો નથી,પંખો સ્થિર હવાને ગતિ આપે છે.  એર કન્ડિશન ઠંડક ઉત્પન્ન કરતું નથી, તે તો હવામાં રહેલી ઠંડકને આકર્ષી લઈ આપણા ઓરડા કે ઓફિસમાં ફેંકે છે. હું અને તમે કુદરતના વૈભવની સંપત્તિ એકઠી કરી અન્યને આપી, આપવાનું ગૌરવ લઈએ છીએ. જેમાં મારું કે તમારું કોઈ પરાક્રમ હોતું નથી.

‘દીવાનું તેજ જોય આવ્યું પતંગિયું, પકડી કીધું શું પરાક્રમ જી રે;

દેનારો તો ઉપરવાળો બેઠો હજાર હાથાળો, ફુલા કા ફુગ્ગો થઈ ફૂટવા રે’

કાવાદાવા ને છળકપટથી ભરેલા આ જગતમાં કોઈવાર ગુંગળામણ અનુભવાય છે. પણ જસુભાઈ કવિ જેવા પરગજુ લોકોને જોઇ જીવવા કે જિંદગીની નાવને ચલાવવા અચાનક તાકાત મળી જાય છે. કારણ કે આવા પરગજુ મહાનુભાવો તો લોકોના શમણાની સોગાદ આપનારા હોય છે. તેઓ તો જગતમાં ઇશ્વરના પેગંબર થઈ અવતર્યા હોવાથી આપણને શાતા આપતા રહે છે. તો બીજી તરફ કવિ કલાપીની ખૂબ જાણીતી કાવ્ય પંક્તિઓ યાદ આવે. ‘જે પોષતું એ મારતું, એવો દીસે ક્રમ કુદરતી’ જે આપણને પોષે છે તે જ આપણા મૃત્યુનું કોઈવાર કારણ બને છે. જે જ્ઞાન બાળકોના જીવનને સજાવે છે એ જ્ઞાન મેળવવા ગયેલા બાળકોને અચાનક લાગેલી આગ તેના જ્ઞાનયજ્ઞના ખંડમાં જ શીંગચણાની જેમ ભૂંજી નાખી જીવન દીપ બુજાવી દે છે. આ પણ ઇશ્વરની જ લીલા છે. સુરતના અગ્નિકાંડે લગભગ ૨૩ બાળકોનો ભોગ લીધો તે ઘટના પણ કેમેય કરી માનસપટ પરથી હટવાનું નામ લેતી નથી. આ અગ્નિકાંડનો ઓડિયો વાયરલ થયો હતો. તે સાંભળતા કરુણ દૃશ્ય કર્ણપટ પર ખડું થાય છે. ભલભલાને હચમચાવી દે તેવું આ દૃશ્ય હતું. ક્રિષ્ના નામની દીકરી તેના પિતાને મોબાઈલ ફોન પર આક્રંદ કરતા કહે છેઃ ‘હે બાપુજી, એક તરફ આગના ગોટેગોટાએ  બિલ્ડિંગનો ભરડો લીધો છે, શ્વાસ લેવાતો નથી. બીજી તરફ છોકરા-છોકરીઓ ચોથા માળથી છલાંગ લગાવી આગમાંથી બચવા કૂદી રહ્યા છે. બોલો…, હું- શું કરું? અહીં જ રહું કે છલાંગ લગાવી નીચે આવી જાઊં?.’ પિતા કંઈ પણ ઉત્તર આપે તે પહેલા છોકરી નીચે કૂદી પડે છે. ઊંધા માથે પડેલી આ દીકરીનું તેના જ પિતા સામે માથાની ખોપરી ફાટી જતા પ્રાણ પંખેરું ઊડી જાય છે. શું આ દીકરીના શમણાનો કોઈ સોદાગર ઇશ્વરે ધરતી પર નહિ મોકલ્યો હોય? સપના સજાવા પિતાએ ટ્યુશનમાં મોકલેલી દીકરી અચાનક આમ સપનુ બની ઊડી જશે તેની કોને ખબર હશે? સપના જોવા એક વાત છે. તે સાચા પડવા કે રોળાય જવા એ ઇશ્વરાધીન હોય છે.

જીવન ટકાવવા કાકલૂદી કરતી વાહલસોઈ પોતાની પુત્રી ચોથા માળેથી જીવ બચાવા પડતું મૂકી હાથતાળી દઈ ચિરવિદાય થાય તે કયો બાપ જીરવી શકે? કોઈ પણ માટે આ કારમો ઘા કહેવાય. શમણા વેરવિખેર થાય ત્યારે પ્રકૃતિ પણ મોં ફેરવી લેતી હોય છે. જ્યારે તેનાથી ઊલટું ઇશ્વરની તમારા પર કૃપાવૃષ્ટિ થાય છે, ત્યારે તમારો આબાદ બચાવ થતો હોય છે. કચ્છના ગોઝારા ભૂકંપ પછી પણ કાટમાળ વચ્ચેથી જીવતા બાળકો મળી આવ્યા હતા. આ જ છે ‘ઇશ્વરની લીલા’. આપણે બધી વાતોમાંથી એટલું જ શિખવા જેવું મને લાગે છે. ઇશ્વરની મરજી વિના એક પાંદડુય ફરકી શકતું નથી. કર્મના સિદ્ધાંતો કોઈને છોડતા નથી. માટે આપણે કોઈ પણ કર્મ બાંધતા પહેલા અનેકવાર વિચારવું જોઈએ. તમારું કર્મ તમારી આધ્યાત્મિક મૂડી છે. તેનું બંધન આપણને ચોરાશી લાખ યોનિમાં ધકેલે છે. આપનો આ યાત્રા-પ્રવાસ આપણી આધ્યાતમિક મૂડી મુજબ ચાલતો રહે છે. ધૃતરાષ્ટ્રના સો પુત્રો મહાભારતના યુદ્ધમાં મૃત્યુ પામ્યા પછી રાજા ધૃતરાષ્ટ્ર ભારે દુઃખી થઈ જાય છે. તે ભગવાન કૃષ્ણને તેનું કારણ પૂછે છે. ‘હે ભગવંત, મારે સો પુત્રો હોવા છતાં તે એક સાથે યુદ્ધમાં શા માટે હણાયા? શું આ યુદ્ધમાં માત્ર પાંડવો જ જીતવા સમર્થ હતા?’ આ સાંભળી ભગવાન કૃષ્ણ બોલ્યાઃ ‘તારા કર્મના લીધે તારા સો પુત્રો મૃત્યુ પામ્યા છે, તેની ચતુરાયના અભાવે નહિ. તેથી તારા કલ્પાંતને કોઈ સ્થાન નથી. આ જગતમાં બધું જ કર્મપુંજીને આધીન ચાલે છે. સંચિત કર્મનું બંધન બધાને લાગું પડે છે. તે ભોગવ્યા વિના કોઈ મુક્ત થઈ શકતું નથી.’ રાજા ધૃતરાષ્ટ્ર ભગવાનને આગળ પૂછે છેઃ ‘હે પ્રભુ, મારા કયા કર્મના પાપે મારી આ હાલત થઈ? તે મને કૃપા કરી જણાવો.’ સાંભળી ભગવાન બોલ્યાઃ ‘પૂર્વે તું, તારા ચોરાશીમાં અવતારમાં શિકારી હતો. તે સમયે વિશાળ સમુદ્ર કિનારે આવેલા એક વૃક્ષ પર બેઠેલા એકસો બગલાને તેં વિંધી નાખ્યા હતા. તેમજ તેના વડીલ, પરિવારના મોભી બગલાની આંખોમાં ઈજા થતાં તેણે આંખોની રોશની  ગુમાવી હતી. તે સમયે તેમને અપાર પીડા સહન કરવી પડી હતી. મૃત્યુ પામનાર આ તમામ બગલાઓનો તે પિતા પણ હતો. દુઃખી અને આંખોની રોશની ગુમાવનાર બગલાએ તારી હાલત પણ આવી જ થશે, તેવી વેદનાભરી ઇચ્છા પ્રગટ કરી, વલોપાત કરતા જીવાદોરી તોડી હતી. માટે આજે તારી હાલત પણ તે બગલા જેવી જ થઈ છે.’ આ સાંભળી ધૃતરાષ્ટ્ર બોલ્યાઃ ‘એમજ હોય તો મને તે કર્મ મેં ક્યારે અને કેટલા સમય પહેલા કર્યું હતું-તે વિગતે સમજાવો.’ ભગવાન બોલ્યાઃ ‘હે રાજન, સાંભળ. હજારો વર્ષ પહેલા તારા ચોરાશીમાં અવતારમાં તું એક કઠોર શિકારી હતો. તારા ગુજરાન માટે તું જે શિકાર કરતો હતો. તે તારું નિત્ય કર્તવ્ય હોવાથી તે કર્મ બંધન તને નિષ્કામ ભાવે કરેલા કર્મફળ વડે બાંધતું હતું. પણ તું જ્યારે તારા અહંકારથી કર્મ કરી હુંકાર કરતો હતો ત્યારે હે રાજન તારું પાપનું કર્મફળ વધતું રહેતું હતું. તેની સામે સકામફળનું ભાથું જમા થતું નહોતું તેથી તારે સો પુત્ર મેળવવા હજારો વર્ષની પ્રતિક્ષા કરવી પડી. તારી પાસે સો પુત્રો મેળવી શકે તેવું પુણ્ય પ્રાપ્ત થતા તને સો પુત્રો પ્રાપ્ત થયા. આજે તેં તારા સો પુત્રો ગુમાવ્યા છે, તારો હિસાબ ચૂકતે થાય છે. તને સો સંતાન ગુમાવાની શી પીડા થાય?  તેની અનુભૂતિ થઈ રહી છે. બીજાને પહોંચાડેલ પીડા જ્યારે જીવાત્મા પોતે જ પામવાનો અનુભવ કરવા લાગે છે, ત્યારે તેનો હિસાબ ચૂકતે થઈ જતા તે પાપમાંથી મુક્તિ પામે છે. આમ, હે રાજન, તું તારા કર્મફળમાંથી મુક્ત થયો છો. આ રીતે કર્મના સિદ્ધાંત મુજબ પ્રત્યેક જીવાત્માએ વરતવું પડે છે.’

વાચક મિત્રો, આનો અર્થ એ થયો કે કર્મફળ મારે ને તમારે ભોગવવાનું નક્કી જ છે. વળી તેમાં કોઈને પણ મુક્તિ મળવાનું અશક્ય અને અસંભવ પણ છે. તો નિષ્કામ કર્મ બજાવી ઓછામાં ઓછું કર્મ બંધન બાધક બને તેવો માર્ગ શા માટે ન અપનાવીએ? કર્મની પસંદગી તો માત્ર માણસ જ કરી શકે છે. તો પછી માનવ અવતાર શા માટે એળે જવા દેવો જોઈએ? તમે કોઈ યાત્રાપ્રવાસમાં નીકળો છો, ત્યારે તમારી પાસે મૂડીની જેટલી સગવડ હોય છે-તેવી હૉટલ કે ભોજન અને હરવા-ફરવા માટે પરિવહનનો ઉપયોગ કરતા હોવ છો. માણસ પાસે બુદ્ધિરૂપી ધન તેના કલ્યાણ માટે ખર્ચવા ઇશ્વરે અગાવથી જ આપ્યું છે. તેથી દરેક વ્યક્તિએ તેનો વિવેકપૂર્વક ઉપયોગ કરી મોક્ષ માર્ગનું ભાતું બાંધવું જોઈએ. આ શમણુ સમગ્ર માનવ સમાજનું હોવું જોઈએ. પણ જસુભાઈ કવિ જેવા વીરલા જ ‘શમણાની સોગાદ’ બીજાના કલ્યાણ માટે લાવી,વહેંચી શકતા હોય છે. ‘શમણાની સોગાદ’ કર્મબંધનમાં ફસાતા જીવોને રોકે છે. અંધારામાં દીવાનો પ્રકાશ રસ્તો બતાવે છે, તેમ સંસારમાં મોહરૂપી વ્યાપેલા અંધકારમાં શમણાની સોગાદ કલ્યાણના માર્ગે આગળ ધપવા દિવ્યદૃષ્ટિ આપે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here