સાત કામદારના મોત કેસમાં ડભોઇની દર્શન હોટલ સીલ

791

વડોદરાના ડભોઇ તાલુકાના ફરતીકૂઇ ગામ પાસે આવેલી દર્શન હોટલના ખાળકૂવાની સફાઇ દરમ્યાન ૭ વ્યક્તિઓના મોત નીપજવાના પ્રકરણમાં આ ઘટનાના ત્રણ દિવસ બાદ આખરે દર્શન હોટલને ડભોઇ મામલતદાર કચેરી દ્વારા સીલ મારવામાં આવ્યું હતું.

બીજીબાજુ, આ ઘટનાને ચાર દિવસ થઇ ગયા હોવા છતાં હોટલનો માલિક હસન અબ્બાસ પોલીસ પકડથી દૂર છે અને હજુ તે ફરાર હોઇ પોલીસ તેને શોધવા ફાંફા મારી રહી છે. થુવાવી ગામના પિતા-પુત્ર સહિત ૭ વ્યક્તિઓનો ભોગ લેનાર ડભોઇ તાલુકાના ફરતીકૂઇ ગામ પાસે આવેલી દર્શન હોટલને આજે ડભોઇ પ્રાંત અધિકારી હિતેષ પરીખ અને ડભોઇ મામલતદારની ઉપસ્થિતિમાં સીલ મારવામાં આવ્યું હતું. આ સાથે ઘટના બાદ ફરાર થઇ ગયેલા હોટલના માલિક સામે નાયબ કલેક્ટર દ્વારા પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, દર્શન હોટલની સામે આવેલી દાવરા સોસાયટીમાં રહેતા સામાજિક કાર્યકર રમણીકભાઇ મકવાણાએ હોટલ દ્વારા છોડવામાં આવતા દૂષિત પાણી અંગે ડભોઇ મામલતદાર કચેરીમાં અવાર-નવાર રજૂઆતો કરી હતી. એ તો ઠીક તેઓએ મુખ્યમંત્રી સ્વાગત ઓન લાઇનમાં પણ ફરિયાદો કરી હતી. પરંતુ, ડભોઇના પ્રાંત અધિકારી કે મામલતદાર કચેરી દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

જો રમણીકભાઇ મકવાણાની ફરિયાદોને ગંભીરતાથી લઇને જે તે સમયે હોટલને સીલ મારી દેવામાં આવ્યું હોત તો કદાચ આ સાત વ્યક્તિઓની જિંદગી બચી ગઇ હોત. જો કે, હવે સાત મજૂરોના મોતની કરૂણ દુર્ઘટના બાદ આખરે મોડે મોડે પણ સત્તાવાળાઓએ દર્શન હોટલને સીલ મારી હવે સમગ્ર પ્રકરણમાં આકરી કાર્યવાહી કરવાની દિશામાં તજવીજ હાથ ધરી છે. ચાર દિવસ પહેલાં ડભોઇ તાલુકાના ફરતીકૂઇ ગામ પાસે આવેલી દર્શન હોટલના ખાળકૂવાની સફાઇ કરતા થુવાવી ગામના ૪ અને હોટલમાં કામ કરતા ૩ મળી ૭ વ્યક્તિઓ મોતને ભેટ્યા હતા. ગત શુક્રવારે મોડી રાતે બનેલી આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં હાહાકાર મચાવી મૂક્યો હતો. જો કે, આરોપી હોટલમાલિક અબ્બાસ હસન હજુ પોલીસની પકડથી દૂર છે, જેને લઇ પોલીસની ભૂમિકા સામે સવાલો ઉઠી રહ્યા છે.

Previous articleસમગ્ર સૌરાષ્ટ-ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ
Next articleનિયમભંગ કરતી ૪૫થી વધુ સ્કૂલ વાનો ડિટેઇન