પાલનપુરમાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, ઘરોમાં ગટરના પાણી ઘૂસી જતાં રોષ

0
147

ઉત્તર ગુજરાતમાં ઠેરઠેર વરસાદ પડ્‌યો હતો.જેમાં વડગામ અને સિદ્ધપુરમાં પોણા બે ઈંચ વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા.દાંતા અને પાલનપુરમાં એક ઈંચ વરસાદ પડ્‌યો હતો.જ્યારે અમીરગઢ,લાખણી સહિત વિસ્તારોમાં અડધો ઈંચ વરસાદ પડ્‌યો હતો. પાલનપુરના ખેમાણા ગામે મંગળવારે વરસાદ બાદ વિજળી પડવાની ઘટના સામે આવી હતી.જેમા ખેતરમા કામ કરી રહેલા કાળાભાઇ ડુંગાઇચાનુ મોત નીપજ્યુ હતુ.જ્યારે સાથે કામ કરી રહેલા ભુરાભાઇ બાબુભાઇ ડુંગાઇચા (ઉ.વ.૧૭) (રહે.જુંફાળી) ને ઇજાઓ થતા સારવાર અર્થે પાલનપુર સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડાયા હતા.

પાલનપુરમાં પ્રથમ વરસાદમાં જ જાહેર માર્ગો પર તેમજ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. પાલનપુરના જે વિસ્તારોમાં રસ્તાઓ ઊંચા બનાવવામાં આવ્યા હતા. ત્યાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોમાં રોષ ભભૂકી ઉઠયો હતો. શહેરના બ્રિજેશ્વર કોલોની, મફતપુર, સુખબાગ રોડ, હરિપુર, ચાણક્યપુરી, ધરતીસોસાયટી, પંચવટી, કૈલાશનગર, રામજીનગર સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં હતા. કેટલાક વિસ્તારોમાં ગટરના પાણી ભળી ગયા હતા.

ડીસામાં મંગળવારે ૯.૪ મિમી વરસાદ નોંધાયો હતો. સામાન્ય વરસાદના પગલે મહાલક્ષમી પાર્ક,સરસ્વતી પાર્ક, સોસાયટીઓ સહિત મુખ્ય માર્ગો પર પાણીના ખાબોચિયા ભરાયા હતા. વડગામમાં પોણા બે ઈંચને લઈ નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકો પરેશાન થઈ ઊઠ્‌યા હતા.ભોજક વાડી આગળ પાણી ભરાતાં લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્‌યો હતો. તો ચાલુ વરસાદે એક વાન બંધ થઇ જવા પામી હતી.

કાંકરેજ તાલુકામાં શિહોરી, થરા, કંબોઇ વિસ્તારમાં પણ સવારથીજ વરસાદ શરૂ થયો હતો . અમીરગઢ પંથકમાં દિવસ દરમ્યાન પણ ઝરમરીયો વરસાદ ચાલુ રહેતા બફારાથી અકળાયેલા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. ધાનેરાની અંદર ભારે બફારા વચ્ચે સાંજના સુમારે વરસાદ વરસ્યો હતો. અડધો કલાક સુધી વરસાદી ઝાપટું પડ્‌યું હતું. પ્રથમ વરસાદે જ ધાનેરા નગરપાલિકાની પ્રિમોન્સુન પ્લાનિંગની પોલ ખોલી દીધી હતી. પ્રથમ વરસાદે જ ભૂગર્ભ ગટરમાંથી પાણી વહી રહ્યું હતું.ગઢ ખાતે ઝાપટાંએ ગઢ ત્રણ રસ્તા નજીકનાં પશુ દવાખાના આવેલ નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા હતાં.

પાલનપુર બેચરપુરા વિસ્તારના લક્ષ્મીનગર એરિયાનું જ્યારે ત્યારે રોડનું કામ ચાલુ હતું ત્યારે રહીશોએ કોન્ટ્રાકટરને વારંવાર રજૂઆત કરી હતી કે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે જે ન કરાતા ઘરોમાં ગટરના પાણી ઘૂસી જતા લોકોએ પાલિકા સામે રોષ ઠાલવ્યો હતો. પાલનપુરમાં મંગળવારે વહેલી સવારથી સામાન્ય વરસાદ શરૂ થયો હતો.ત્યારે સામાન્ય વરસાદ દરમિયાન જ શહેરની સિવિલ હોસ્પિટલમાં ઠેર ઠેર પાણી ભરાઇ જતાં દર્દીઓ તેમજ સગા સબંધીઓ ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા હતા.ત્યારે વિવિધ બીમારીઓની સારવાર અર્થે આવતા દર્દીઓ વધુ બીમાર થાય તેવી સ્થિતિ સર્જાઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here