દર્શન હોટલના માલિક અને મેનેજરની કરાયેલ ધરપકડ

661

વડોદરાના ડભોઇ તાલુકાના ફરતીકૂઇ ગામ પાસે આવેલી દર્શન હોટલના ખાળકૂવાની સફાઇ દરમ્યાન ૭ વ્યક્તિઓના મોતના મામલામાં આખરે હોટલના માલિક અને મેનેજરની ધરપકડ કરી લેવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલા હોટલના માલિક અને મેનેજરની પુછપરછ શરૂ કરવામાં આવી ચુકી છે. તેમના ઉપર કઠોર કાર્યવાહી કરવા માટેનું દબાણ વધી રહ્યું છે. સાત વ્યક્તિના મોત બાદથી દર્શન હોટલના માલિક અને મેનેજર ફરાર થઇ ગયા હતા. ત્યારબાદથી તેમની ઉંડી શોધખોળ ચાલી રહી હતી.

આખરે બનાવ બન્યા બાદ તેમની ધરપકડ કરવામાં સફળતા મળી છે. બનાવના ટુંકાગાળામાં જ ધરપકડ કરી લેવામાં આવતા નારાજગી લોકોની દૂર થાય તેવી સંભાવના દેખાઈ રહી છે. અત્રે નોંધનીય છે કે, બનાવ બાદ દર્શન હોટલને ડભોઇ મામલતદાર કચેરી દ્વારા ગઇકાલે સીલ મારવામાં આવ્યું હતું. આજે શોધખોળ બાદ હોટલનો માલિક હસન અબ્બાસની ધરપકડ કરી લેવામાં આવી છે. થુવાવી ગામના પિતા-પુત્ર સહિત ૭ વ્યક્તિઓનો ભોગ લેનાર ડભોઇ તાલુકાના ફરતીકૂઇ ગામ પાસે આવેલી દર્શન હોટલને ગઇકાલે ડભોઇ પ્રાંત અધિકારી હિતેષ પરીખ અને ડભોઇ મામલતદારની ઉપસ્થિતિમાં સીલ મારવામાં આવ્યું હતું. આ સાથે ઘટના બાદ ફરાર થઇ ગયેલા હોટલના માલિક સામે નાયબ કલેક્ટર દ્વારા પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી જેના ભાગરુપે આજે તેમને પકડી લેવામાં આવ્યા હતા.

ઉપરાંત મેનેજરની પણ ધરપકડ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, દર્શન હોટલની સામે આવેલી દાવરા સોસાયટીમાં રહેતા સામાજિક કાર્યકર રમણીકભાઇ મકવાણાએ હોટલ દ્વારા છોડવામાં આવતા દૂષિત પાણી અંગે ડભોઇ મામલતદાર કચેરીમાં અવાર-નવાર રજૂઆતો કરી હતી. એ તો ઠીક તેઓએ મુખ્યમંત્રી સ્વાગત ઓન લાઇનમાં પણ ફરિયાદો કરી હતી. પરંતુ, ડભોઇના પ્રાંત અધિકારી કે મામલતદાર કચેરી દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જો રમણીકભાઇ મકવાણાની ફરિયાદોને ગંભીરતાથી લઇને જે તે સમયે હોટલને સીલ મારી દેવામાં આવ્યું હોત તો કદાચ આ સાત વ્યક્તિઓની જિંદગી બચી ગઇ હોત. જો કે, હવે સાત મજૂરોના મોતની કરૂણ દુર્ઘટના બાદ આખરે મોડે મોડે પણ સત્તાવાળાઓએ દર્શન હોટલને સીલ મારી હવે સમગ્ર પ્રકરણમાં આકરી કાર્યવાહી કરવાની દિશામાં તજવીજ હાથ ધરી હતી. ચાર દિવસ પહેલાં ડભોઇ તાલુકાના ફરતીકૂઇ ગામ પાસે આવેલી દર્શન હોટલના ખાળકૂવાની સફાઇ કરતા થુવાવી ગામના ૪ અને હોટલમાં કામ કરતા ૩ મળી ૭ વ્યક્તિઓ મોતને ભેટ્યા હતા.

Previous articleઓનલાઇન મંગાવાતી ઇ-સિગારેટ ઉપર પણ ગુજરાતમાં પ્રતિબંધ : પ્રદીપસિંહ જાડેજા
Next articleમોદી સરકારે શરૂ કરેલ શાળા પ્રવેશોત્સવ રદ કરાતા ચર્ચાઓ