ઈન્સ. ઓફ એડવાન્સ્ડ રીસર્ચ, ગાંધીનગરનો પ્રથમ પદવીદાન સમારંભ સુપેરે સંપન્ન થયો

766
gandhi822018-1.jpg

ઇન્સ્ટિટૂયૂટ ઓફ એડવાન્સ્ડ રીચર્સ, ગાંધીનગરના સ્નાતક અને માસ્ટર ઓફ સાયન્સના વિધાર્થીઓનો પ્રથમ પદવીદાન સમારંભ આજરોજ રાજયપાલ ઓ.પી.કોહલીની ઉપસ્થિતમાં શૈક્ષણિક સંકુલ, કોબા ખાતે યોજાયો હતો. આ પદવીદાન સમારંભમાં ૯૦ વિધાર્થીઓને પદવી અને બે વિધાર્થીઓને ગોલ્ડ મેડલ રાજયપાલના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. 
રાજયપાલ ઓ.પી.કોહલીએ જણાવ્યું હતું કે, વિશ્વમાં અવિકસિત, વિકાસશીલ અને વિકસિત એમ ત્રણ પ્રકારના દેશો છે. આપણા દેશનો સમાવેશ વિકાસશીલ દેશમાં થાય છે. જેને વિકસિત દેશની હરોળમાં લઇ જવાની જવાબદારી આપ જેવા યુવાનોના ખભે છે. દેશના વડા પ્રઘાન  નરેન્દ્રભાઇ મોદી સહિત દેશનો દરેક નવયુવાન ન્યુ ઇન્ડિયા બનાવવા ઇચ્છી રહ્યો છે, તેવું કહી રાજયપાલે સર્વે નવયુવાનોને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું ’હિંદ સ્વરાજ’ અને ’ મેરે સ્વપ્નો કા ભારત’ પુસ્તક વાંચવા માટે જણાવ્યું હતું. 
શિક્ષણનો ઉપયોગ વ્યક્તિગત જીવન સાથે સાથે સમાજ માટે પણ કરવો ખૂબ જરૂરી છે, તેવું કહી રાજયપાલે જણાવ્યું હતું કે, શિક્ષણ મેળવી નોકરી-ધંધા માટે લાગવું તે શિક્ષણનો ઉપયોગ માત્ર પોતાના માટે જ કર્યો છે. પરંતુ જો આપ આપના જ્ઞાનનો ઉપયોગ કરીને સારા વ્યવસાય થકી કોઇને રોજગારી આપી શકો તેવા સક્ષમ બનશો તો આપ  સમાજને કેવી રીતે ઉપયોગી થઇ શકશો તેની દષ્ટાંત પૂર્વક વાત કરી હતી. આજનો યુગ સ્પર્ધાત્મક છે, હવે, સ્પર્ધા માત્ર દેશ પૂરતી રહી નથી. પણ આ યુગમાં સ્પર્ધા વિશ્વ કક્ષાએ બની છે, તેવું કહી રાજયપાલે શિક્ષણનો ઉપયોગ વિવેક પૂર્વક કરવા સર્વે વિધાર્થીઓને અપીલ કરી હતી. પદવી મેળવનાર વિધાર્થીઓને રાજયપાલશ્રીએ અભિનંદન આપીને તેમના સુવર્ણ  ભવિષ્ય માટે શુભેચ્છાઓ પણ પાઠવી હતી.  
યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ગુના માગશને મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરીને જણાવ્યું હતું કે, યુનિવર્સીટી માં અનેક ક્ષેત્રોમાં પી.એચ.ડી, માસ્ટર્સ અને અન્ડરગ્રેજ્યુએટના કાર્ષે ચાલી રહ્યા છે. વિદેશી પોસ્ટરડોક્ટરલ અનુભવ ધરાવે છે, જેઓના સંશોધનો પ્રખ્યાત પીયર રીવ્યુ કરાવેલા છે. તેમજ હાઇ-ઇમ્પેક્ટ જર્નલ્સમાં પ્રકાશિત થાય છે. તેઓને અનેક પરિષદોમાં મુખ્ય વક્તા તરીકે આમંત્રિત કરવામાં આવે છે. અમારી પાસે પસંદગી આધારિત ક્રેડિટ સિસ્ટમ છે. જેથી વિધાર્થીઓ વિજ્ઞાન, એન્જી-નિયરિંગ, વ્યવસાય અને હ્મુમેનિટીઝમાં રસ ધરાવતા તેમના વિષયોને આગળ વધારવા વિશાળ શ્રેણીના વિષયોને આગળ વધારવા વિશાળ શ્રેણીના વિષયોને મિક્સ એન્ડ મેચ કરવાનો વિકલ્પ પણ અપનાવી શકે છે.
પ્રથમ પદવીદાન સમારંભને એસ.કે.ડી એગ્રીકલ્ચરલ યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલર ર્ડા. આર.સી. મહેશ્વરીએ ખુલ્લો મુક્યો હતો. આ પ્રસંગે મહારાષ્ટ્ર રાજયના પૂનાના નેશનલ સેન્ટર ફોર સેલ સાયન્સના ડાયરેકટર ર્ડા. જ્ઞાનચંદ્ર મિશ્રા,  ઇન્સ્ટિટૂયૂટ ઓફ એડવાન્સ રીચર્સના ડીન ર્ડા. ચંદ્રમણિ પાઠક સહિત વિધાર્થીઓ, વાલીઓ અને ઇન્સ્ટિટૂયૂટ ઓફ એડવાન્સ રીચર્સનો સ્ટાફ પરિવાર ઉપસ્થિત રહ્યાં હતાં. 

Previous articleઆરોગ્ય વિભાગનું સ્ટિંગ ઓપરેશન ગર્ભ પરીક્ષણ કરતો ડૉક્ટર ઝડપાયો
Next articleપ્લાસ્ટિક ઉદ્યોગના વિશ્વના ત્રીજા સૌથી મોટા પ્રદર્શનનું ગાંધીનગરમાં ૧૨ ફેબ્રુઆરી સુધી આયોજન