અનુભવના આંગણે સપ્તરંગી વાતો

755

સામાન્ય રીતે આકાશમાં ખીલતા આકાશી મેઘધનુષી રંગો, આપણને સપ્તરંગી શોભા આપે છે. આ સપ્તરંગી શોભા આપણને અગોચર દુનિયાની સફર કરાવી ઈશ્વરની અદ્ભુત લીલાની પ્રતીતિ કરાવે છે. આ રંગોનું એવું તો આકર્ષણ આપણે અનુભવીએ છીએ; જે તે ક્ષણે તન, મન અને આત્માનું સહિયારું ઝુંડ માનો મનની પેલે પાર પહોંચી જઈ મોજના જગતમાં આપણે ખોવાઈ જઈએ છીએ. આવા સમયે ખુદ ઈશ્વર કલાકાર બની સૌંદર્ય વેરવા આવી પહોંચે છે. આવી અણમોલ પળોમાં માનવી સંબંધોની ક્ષિતિજોને ઓળંગી પ્રકૃતિના જગતમાં વિહાર કરવા લાગે છે. આ યાત્રા વ્યક્તિના ભીતરને ઢંઢોળી કુદરતના અનોખા રહસ્યોને ખોલી ભીતરના ભંડારને ભરી દે છે.
જેના વડે વ્યક્તિ આધ્યાત્મિક માર્ગે કદમ ઉપાડી આગળ ને આગળ પોતાની યાત્રા ધપાવે છે. તમે કહેશોઃ સપ્તરંગી મેઘધનુષ્યના સાત રંગો મને અને તમને શો સંદેશ આપવા માંગે છે? ‘હે માનવ, આ જગતમાં તું જે ધરતી પર વસવાટ કરે છે તે પૃથ્વી પર સાત ખંડો આવેલા છે. જો તારે ધન-દોલત કમાવા હોય તો તું તે ખંડો પૈકી અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા જેવા ખંડોમાં વસવાટ કરી તારો સિક્કો જમાવવા પ્રયત્ન કરજે પણ જો તેનાથી ઊલટું આધ્યાત્મિક ધનરૂપી મૂડી કમાવા ઇચ્છતો હો તો ભૂલ કરીને પણ ધરતી પરના તે ખંડોમાં વસવાટ માટે જવાનું વિચારતો નહીં. કદાચ આ ખંડોમાં અઢળક ધન-દોલત પ્રાપ્ત થઈ શકશે પરંતુ દોડધામવાળા આ પ્રદેશમાં આધ્યાત્મિકક્ષેત્રે આગળ વધવા તું ચિંતન કરી શકીશ નહીં. તેથી હે માનવ, પ્રકૃતિના પ્રત્યેક પાસાઓને સમજી આધ્યાત્મિક સિદ્ધિના શિખરો પર પહોંચવા ૭ અનોખા રંગોની શોભાને જાણજે.
સપ્તરંગી શોભાના સંદેશને સમજવા બીજું એક ઉદાહરણ લઈએ તો પ્રભુતામાં પગલાં પાડતાં યુગલોને સપ્તપદી સંકલ્પ કરાવવામાં આવે છે. જેને વિગતે સમજવાની જરૂર છે.
૧. જીવનમાં આગળ વધવા પ્રત્યેકક્ષેત્રે તારી પકડેલી આંગળી છોડીશ નહીં. ૨. આ માર્ગમાં કંટકો, ખાઈ કે ઢોળાવ આવે તો પણ આપણે એકમેકને યાત્રામાર્ગમાં સહાય કરી આગળ ધપતા રહીશું. ૩. પરિવાર, સમાજ કે સમુદાયની સમસ્યાઓ સાથે મળી ઉકેલવા પ્રયત્ન કરીશું. કોઈ કોઈને દોષ આપી મુશ્કેલીના સમયે એકમેકનો સાથ છોડવાનો વિચાર સુધ્ધાં કરીશું નહીં. ૪. ધન-દોલત, સંપત્તિ જીવનકાળ દરમ્યાન જે કાંઈ મળશે તેનો ઉપયોગ પરિવારના સભ્યો કરી શકે તેવો વ્યવહાર અને વર્તન જીવનપર્યંત રહે તેવી કાળજી રાખવાની ઈશ્વરના સોગંદ સાથે ખાતરી આપીએ છીએ. ૫. મૃત્યુની ઘડી સુધી સાથે મળી કદમ ઉપાડતા રહીશું. ૬. વિશ્વાસ આપીશું અને વિશ્વાસ રાખીશું. ૭. ઉભયપક્ષે અહંકારને અજાણતા પણ સ્થાન ન મળે તે માટે જાગૃત રહેશું.
આ સપ્તપદી પ્રતિજ્ઞાની જેમ મેઘધનુષી રંગોની શોભાને લઈ પૃથ્વી પરનો માણસ આગળ વધવા જો દ્રઢ સંકલ્પ કરશે તો આજ નહીં તો કાલ ઈશ્વર તેના કલ્યાણ માટે કૃપાદૃષ્ટિ કરશે. આપણે ઘણા બધા ગ્રંથો, શાસ્ત્રોમાંથી નિચોડરૂપે અપાયેલ સંદેશની કેટલીક વાતો વાંચીએ અને સાંભળીએ છીએ. જેમ કે સુખ અને દુઃખ એક સિક્કાની બે બાજુઓ છે. કોઈ પણ પરિસ્થિતિ કાયમ રહેવાની નથી. સુખી માણસ હંમેશા સુખી રહેવાનો નથી. એવી જ રીતે દુઃખી માણસ પણ હંમેશા દુઃખી રહેવાનો નથી. દેખીતી રીતે દેખાતો ધનવાન માણસ તેના જીવનમાં સુખી હોતો નથી. દેખીતી રીતે મહેનત કરી પરસેવો પાડી પેટિયું રળતો માણસ તેના મનથી દુઃખી હોતો નથી. સુખ કે દુઃખની વ્યાખ્યા વ્યક્તિ વ્યક્તિએ બદલાય છે. જે રીતે પાણીને આપણે જે પાત્રમાં ભરીએ છીએ, તેવો આકાર ધારણ કરી લે છે. આ મેઘધનુષી રંગો વિશાળ આકાશમાં પણ પોતાનું સ્થાન મેળવી કોઈ ચોક્કસ પ્રાદેશમાં પ્રજાને પોતાની શોભા વડે અભિભુત કરી શકે છે, તેમ મર્યાદિત શક્તિ ધરાવતો માણસ પોતાના દ્રઢ મનોબળ વડે જીવનમાં સફળ થઈ શકતો હોય છે. હેલન કેલર, લૂઈ બ્રેઈલ, જોન મિલ્ટન જેવા અનેક વ્યક્તિઓએ પોતાની આંખોની રોશની ગુમાવ્યા પછી પણ જગતને ઘણુંબધું આપ્યું છે. તેની સામે સુદ્રઢ શરીરવાળો વ્યક્તિ પોતાના નબળા મનોબળના કારણે સો વર્ષની જિંદગી જીવીને પણ સમાજને કંઈ પણ આપ્યા વિના વિદાય થતો હોય છે. તારાઓના જગતની એક લટાર લગાવીએ તો તેમાં આપણને સપ્તર્ષિની શૃંખલા જોવા મળે છે. જે સૂચવે છે – તેજસ્વી માણસોએ પણ સામાન્ય માણસોની સાથે રહી સમાજના દરેકક્ષેત્રે કાર્ય કરવા પોતાના જીવનકાળ દરમિયાન યત્ન કરતાં રહેવું જોઈએ. આપણો એક પણ સૂર અર્થાત્‌ વ્યવહાર કોઈ માટે ઘોંઘાટ ન બની જાય તે સમજવા અને જાણવા સંગીતના સાત સૂરોનો સંવાદ સાંભળતાં રહેવું જોઈએ. સડઝ, રિસબ, ગંધાર, મધ્યમ, પંચમ, ધૈવત અને નિષાદની સૂરાવલીમાંથી ઉદ્ભવતા શ્રુતિનાદને પણ જીવનમાં સ્થાન આપવું પડશે. જેના જીવનમાં ૨૨ શ્રુતિઓ, ૭ શુદ્ધ સ્વરો, ૪ કોમળ સ્વરો અને ૧ તીવ્ર મધ્યમની વાંસળી વાગશે તે હંમેશા અન્યને મીઠાશ આપશે. પરંતુ જેઓ બાવન બહાર આવેલા અક્ષરની જેમ વર્તતા રહેશે, તેઓ જગતની આ અનુભૂતિથી વંચિત રહેશે. પરંતુ સાધના વડે જેઓ ઉપર જણાવેલા જગતમાં વિહરવા કદમ ઉપાડશે તેમની મોરલી માધવનું આકર્ષણ જરૂર બનશે.
મેઘધનુષી રંગોના રહસ્યોને જેઓ જાણી જીવનમાર્ગમાં આગળ ધપતા રહે છે તેમના જીવન પ્રદેશમાં સાત સૂરોની સરગમ ખુશીનો સંવાદ સ્થાપી મધુરતા આપે છે. જેના કારણે માણસ પોતાના માનવતાના પ્રદેશમાં આગવી ઓળખ ઊભી કરી શકે છે. આ વાતને સમજવા મને એક સંત-મહાત્માનું દ્રષ્ટાંત યાદ આવે છે. સૌરાષ્ટ્રના અમરેલી પ્રદેશની આ વાત છે. કોલેજમાં અભ્યાસ કરતી એક દીકરી કોઈ પુરુષના પરિચયમાં અચાનક આવે છે. તેના વ્યક્તિત્વથી અંજાઈ જઈને એકવાર અજુગતું પગલું ભરી લે છે. દિવસો પછી દિવસો પસાર થતા રહે છે. સમયની સાથોસાથ દીકરીની વિમાસણ વધવા લાગે છે. એક દિવસ આવનારી સમસ્યાને લઈ આ દીકરી આત્મહત્યા કરવા ગામડાગામની વાડીમાં આવેલા કૂવામાં પડતું મૂકવા રાત્રિના અંધારાનો લાભ લઇ નીકળી જાય છે. દીકરીના મતે મને કોઈ જોતું નથી તેમ માની તે લગભગ કૂવામાં પડતું મૂકી દે છે, પરંતુ પાણી પીવાની ઈચ્છાથી આવેલા સંતની નજરમાં કૂવામાં પડતું મુકવાનો પ્રયાસ કરતી દીકરી આવી જાય છે. મહાત્મા શક્તિ એકત્રિત કરી કૂવામાં ઝંપલાવતી દીકરીની ચૂંદડીનો છેડો પકડી લે છે અને એ રીતે તેને કૂવામાં પડતું મૂકતા રોકે છે. દીકરી સાથે થયેલા સંવાદમાંથી સાધુ મહાત્માને જાણવા મળે છે કે : દીકરી તેના પેટમાં ઉછરી રહેલા કલંકના કારણે આ રીતે કૂવામાં પડતું મૂકી જીવન ટૂંકાવવા તૈયાર થઈ ગઈ હોય છે. મહાત્માએ દીકરીની પૂરી વાત સાંભળી તેને આશ્વાસન આપતા કહ્યુંઃ ’તારું આ કલંક હું માથે લેવા તૈયાર છું. લખચોરાસી યોનિમાં ભટક્યા પછી મળેલ માનવ અવતાર બેટા, આ રીતે એળે જવા દઈ શકાય નહીં. પોલીસ સ્ટેશનમાં હું સોગંદનામું કરી તારું કલંક માથે ચડાવવા તૈયાર છું. આ સંત મહાત્માએ કોઈ એક જિંદગીને બચાવવા પોતાના પર આળ ઓઢી લઇ મોટું પુણ્ય કર્યું કહેવાય. પરંતુ જગતના લોકો આવી વાત સમજી શકતા નથી. લોકોના ટોળાએ સંત પર પથ્થરમારો કરી હુમલો કર્યો પણ ભગવાને આ મહાત્માનો આબાદ બચાવ કરી મેઘધનુષી સપ્તરંગી શોભાને ખરા અર્થમાં સજાવી માનવતાના મુલકને રળિયામણો બનાવવાનો પ્રયત્ન કર્યો હતો.
ઈશ્વરની કૃપાદ્રષ્ટિ પામવા પ્રત્યેક વ્યક્તિએ સપ્તરંગી રહસ્યોને શોભાવતી રંગોળી જગતમાં પૂરી જગતને સોહામણું બનાવવા જીવનપર્યંત યત્ન કરતા રહેવું જોઈએ, ત્યારે જ આ સપ્તરંગી અનુભવના આંગણે થયેલી વાતો રંગ લાવી શકશે.

Previous articleઆજથી વિધાનસભાનું ચોમાસુ સત્ર : નીતિન પટેલ સંપૂર્ણ બજેટ રજૂ કરશે : રોજગારીને મહત્વ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે