વિદ્યાર્થીઓને આરટીઈ હેઠળ પ્રવેશ ન મળતા કોંગ્રેસનો ચક્કાજામ, ૩૦ કાર્યકરોની અટકાયત

532

રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ(આર.ટી.ઇ.) હેઠળ પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની માંગ સાથે આજે ડી.ઇ.ઓ. કચેરી ખાતે શહેર કોંગ્રેસ આવેદનપત્ર આપવા માટે ગયું હતું. પરંતુ, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં ન મળતા કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો. પોલીસે ચક્કાજામ કરનાર શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત ૩૦ મહિલા-પુરૂષ કાર્યકરોની અટકાયત કરી હતી.

વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે, આર.ટી.ઇ. એક્ટ હેઠળ પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓને સ્કૂલોમાં પ્રવેશ આપવા માટે જિલ્લા શિક્ષણાધિકારીને ૩ દિવસે પૂર્વે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. તે સમયે ડી.ઇ.ઓ.એ તા.૨ જી જુલાઇના રોજ બાકી રહેલા વિદ્યાર્થીઓની યાદી મૂકવાની ખાતરી આપી હતી. પરંતુ આજે પણ ડી.ઇ.ઓ. કચેરી દ્વારા યાદી મૂકવામાં આવી નથી. જેથી પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માટે અમે કચેરીમાં ગયા હતા. પરંતુ ડી.ઇ.ઓ. ન મળતા ન છૂટકે કોંગ્રેસને ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવાની ફરજ પડી છે. જેના ભાગરૂપ કચેરી નજીક ચક્કાજામ કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસ તંત્ર દ્વારા કોંગ્રેસના આંદોલનને કચડી નાંખવા માટે મહિલા-પુરૂષ સહિત ૩૦ કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે.

પરંતુ જ્યાં સુધી પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં નહીં આવે ત્યાં સુધી કોંગ્રેસ દ્વારા આંદોલન ચાલુ રહેશે.

Previous articleઅલ્પેશને સસ્પેન્ડ કરવાની માંગ હાઇકોર્ટે ફગાવી દીધી
Next articleગુજરાત રાજયનું બજેટ ૨ લાખ કરોડને પાર