ગુજરાતમાં પીવાના પાણીનુ જળસંકટ ટળ્યું : વિજય રૂપાણી

947
guj10-2-2018-3.jpg

નર્મદા કન્ટ્રોલ ઓથોરિટીએ રાજ્યને પીવાના પાણી માટે સિપેજ અને ડેડ વોટરની ફાળવણી કરવાની આપેલી મંજૂરી આપી હોવાથી હવે નર્મદા આધારિત પીવાનું પાણી મેળવતા ૧૦ હજાર ગામ, ૧૬૭ નગરોને ૩૧ જુલાઈ સુધી પીવાના પાણીની કોઇ સમસ્યા રહેશે નહિં   
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નવી દિલ્હીમાં મળેલી નર્મદા કન્ટ્રોલ ઓથોરિટીની બેઠકમાં ગુજરાતને પીવાના પાણી માટે સિપેજ અને ડેડ વોટરની ફાળવણી નર્મદામાંથી કરવાની મંજૂરી આપવા અંગે આભાર વ્યક્ત કર્યો છે. 
 આ પરવાનગી મળતા રાજ્યમાં પીવાના પાણીનું સંકટ ટળી ગયું છે.નર્મદા આધારિત પાણી મેળવતા ૧૦ હજાર જેટલા ગામો અને ૧૬૭ નગરને આના પરિણામે ૩૧ જુલાઈ, ૨૦૧૮ સુધી પીવાના પાણીની કોઇ સમસ્યા રહેશે નહીં, તેમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.  મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના હિતના આ નિર્ણય માટે સંબંધિત રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીઓનો પણ આભાર માન્યો છે.
  ઉલ્લેખનીય છે કે,ગુજરાતના મહત્વના ડેમનો હાલનો જથ્થો ગત દસ વર્ષના સરેરાશ જથ્થાથી પણ નીચો ગયો છે. નર્મદાના સરદાર સરોવર ડેમ સહિતના કેટલાક ડેમ હાલ શિયાળાના સમયગાળામાં જ પાણીનો જથ્થો ગુમાવી રહ્યા છે. મહત્વના ૧૦ ડેમોમાં તેની સ્ટોરેજ ક્ષમતામાંથી ૪૫ ટકા પાણી જ હાલ બચ્યુ છે. ગુજરાતના કેટલાંક મહત્વના ડેમ છેલ્લાં દસ વર્ષની સરેરાશ સપાટીથી પણ ઓછી સપાટીએ પહોંચ્યા છે.
હાલ મહત્વના ડેમમાં રહેલો પાણીનો જથ્થો ગત દસ વર્ષના સરેરાશ જથ્થાથી પણ ઓછો છે. આ ડેમમાં સરદાર સરોવર, ઉકાઇ, કડાણા, શેત્રુંજી અને ધરોઈ(સાબરમતી) ડેમનો સમાવેશ થાય છે. આમ, માત્ર નર્મદાના સરદાર સરોવર ડેમ નહીં પરંતુ અન્ય ડેમ પણ ધીમે-ધીમે તળિયે પહોંચી રહ્યા છે. પંચમહાલમાં મહી નદી પર આવેલા કડાણા ડેમમાંથી પંચમહાલ અને દાહોદને તો લાભ મળે જ છે પરંતુ તેનું કેટલુંક પાણી અમદાવાદને પણ મળે છે. આ પાણીના જથ્થામાં ધરખમ કાપ મૂકવાની હાલ વાતો ચાલી રહી છે. આવી જ રીતે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના નાના અને મધ્યમ કદના મોટાભાગના ડેમ સિંચાઇ અને વપરાશનું પાણી આપવા સક્ષમ છે. સેન્ટ્રલ વોટર કમિશનની માહિતી અનુસાર ગુજરાતના મહત્વના ૧૦ ડેમમાં હાલ તેની કુલ સ્ટોરેજ ક્ષમતાના ૪૫ ટકા પાણી જ બચ્યું છે. ગત વર્ષે આ ડેમોમાં તેની કુલ સ્ટોરેજ ક્ષમતાના ૫૪ ટકા પાણી હતું. ગત દસ વર્ષની સરેરાશ ટકાવારી ૪૯ ટકા છે.
 

Previous article સરકારી મગફળી વેચી મારવાના કૌભાંડનો પર્દાફાશ, બેની ધરપકડ
Next article રાજ્યમાં ૧૨ માર્ચથી બૉર્ડની પરીક્ષાનો પ્રારંભ