અમિત જેઠવા કેસ : દીનુ બોઘા સહિત તમામ ૭ દોષિત

828

જૂનાગઢના આરટીઆઇ એકટીવીસ્ટ અમિત જેઠવાની હત્યાના રાજયભરમાં ખળભળાટ મચાવનારા કેસમાં ભાજપના પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી તથા તેના ભત્રીજા શિવા સોલંકી સહિત ૭ આરોપીઓને આજે સીબીઆઈ કોર્ટે દોષિત જાહેર કર્યા છે. હવે આ તમામ દોષિતોને સીબીઆઇ કોર્ટ દ્વારા તા.૧૧ જુલાઈએ સજા સાંભળવવામાં આવશે. સીબીઆઇ સ્પેશ્યલ કોર્ટે આજે આ મર્દાનગીભર્યો ચુકાદો જાહેર કરતાં જેઠવાના પિતા અને પરિવારજનોએ ન્યાય મળ્યાની લાગણી વ્યકત કરી હતી. અમિત જેઠવા હત્યા કેસમાં સીબીઆઇ સ્પેશ્યલ કોર્ટ દ્વારા દોષિત ઠરાવાયેલા આરોપીઓમાં મુખ્ય સૂત્રધાર શૈલેષ પંડ્‌યા, ઉદાજી ઠાકોર, શિવા પચાણ, શિવા સોલંકી, બહાદુરસિંહ વાઢેર(પોલીસ કોન્સ્ટેબલ), સંજય ચૌહાણ અને ભાજપના પૂર્વ સાંસદ દિનુબોઘા સોલંકીનો સમાવેશ થાય છે. સીબીઆઇ કોર્ટના આ ચુકાદાને પગલે આજે ભાજપના રાજકીય ગલિયારામાં પણ ભારે ચર્ચા જાગી હતી. ચકચારભર્યા આ કેસની વિગતો એવી છે કે, જૂનાગઢના આરટીઆઇ એકટીવીસ્ટ ૩૫ વર્ષીય અમિત જેઠવાની ગત તા.૨૦ જુલાઇ,૨૦૧૦ના રોજ ગુજરાત હાઇકોર્ટ સામે આવેલ સત્યમેવ કોમ્પ્લેક્સની નીચે જ સાંજના સુમારે ધોળેદહાડે ગોળી મારી હત્યા કરાઈ હતી. સીબીઆઇએ આ કેસની તપાસ હાથ ધરી ભાજપના જૂનાગઢના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી સહિત ૭ આરોપી સામે કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કર્યું હતું. આ કેસની તપાસમાં એવી ચોંકાવનારી હકીકતો પણ સામે આવી હતી કે, આરટીઆઇ એકટીવીસ્ટ અમિત જેઠવાએ તે જ દિવસે હાઇકોર્ટમાં જૂનાગઢના ગીરના જંગલોમાં ચાલી રહેલા ગેરકાયદે ખનન અંગે પીઆઇએલ કરી હતી.

 અમિત જેઠવાની હત્યા પાછળ, દિનુ બોઘા સોલંકીનો હાથ છે તેવો આક્ષેપ અમિત જેઠવાના પિતા ભીખાભાઇએ કર્યો હતો. આ ઘટનામાં પોલીસે ભાજપના તત્કાલીન સાસંદ દિનુ સોલંકી અને તેના ભત્રીજા શિવા સોલંકીની ધરપકડ કરી હતી. પરંતુ ક્રાઇમ બ્રાન્ચે દિનુ બોઘા સોલંકીને ક્લિન ચીટ આપી દેતા, આ તપાસ સુરેન્દ્રનગરના એસપી રાઘવેન્દ્ર વત્સને સોંપાઇ હતી. રાઘવેન્દ્ર વત્સે દિનુ બોઘા સોલંકીને ક્લિન ચીટ આપતા ૨૦૧૨માં તેને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી. કોર્ટે ત્યારબાદ સીબીઆઇને કેસ સુપરત કરવાનો હુકમ કર્યો હતો. આખરે ૨૦૧૩માં સીબીઆઇએ તપાસ કરી ભાજપના સાંસદ દિનુ બોઘા સોલંકીની ધરપકડ કરી હતી.

Previous articleબાબરાનાં ઉમિયાનગરનાં રહેણાંકી મકાનમાં તસ્કરી
Next article‘૭૦ વર્ષમાં ગાયોની સંખ્યા ઘટી હોવા છતાં દૂધ ૭૦ ગણું વધ્યું’