૧૬ માસની પુત્રીની હત્યા કરીને દંપતિનું અગ્નિસ્નાન

612

રાજકોટ શહેરના હંસરાજનગરમાં રહેતા એક દંપતિએ મકાનની લોનના હપ્તા ભરપાઇ નહીં થતાં તેની ચિંતામાં પોતાની ૧૬ મહિનાની પુત્રીને ગળેડૂમો દઇ મોતને ઘાટ ઉતારી દીધી હતી. પુત્રીની હત્યા કર્યા બાદ રાત્રે જાતે જ બંનેએ બ્લેડથી ઘસરકા કરી હાથની નસ કાપી નાખી હતી તેમ છતાં મૃત્યુ નહીં મળતાં રવિવારે સવારે બંનેએ સજોડે શરીરે આગ ચાંપી દીધી હતી, જેમાં હાલ બંનેની હાલત હોસ્પિટલમાં ગંભીર હોવાની વાત સામે આવી રહી છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી અને માત્ર ૧૬ મહિનાની બાળકીની હત્યાને લઇ અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી.આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટના હંસરાજનગરના મહેશ્વરપાર્કમાં રહેતા મનીષભાઇ મહેશભાઇ રાવસાણી (ઉ.વ.૨૯) અને તેના પત્ની ભાવિકાબેન રાવસાણી (ઉ.વ.૨૫) તેમની ૧૬ મહિનાની બાળકી સાથે રહે છે. તેમણે મકાન ખરીદવા માટે અગાઉ રૂ.૩૦ લાખની લોન લીધી હતી. પિતા સાથે ફૂટવેરનો વેપાર કરતાં મનીષભાઇ ધંધો બરોબર નહીં ચાલતા લોનના હપ્તા ભરી શકતા નહોતા અને બેંકના હપ્તા ચઢી જતાં પતિ-પત્ની બંને આ બાબતે સતત ટેન્શનમાં રહેતા હતા. આર્થિક સંકડામણ અને બેંક લોનની ચિંતામાં શનિવારે રાત્રે આ દંપત્તિને ક્રૂર વિચાર આવ્યો હતો અને તેમની ૧૬ મહિનાની નિંદ્રાધીન પુત્રી ખુશીને ગળે ડૂમો દઇ મોતને ઘાટ ઉતારી દીધી હતી. પુત્રીની હત્યા કર્યા બાદ મનીષભાઇ અને ભાવિકાબેને જાતે જ પોતાના હાથ પર બ્લેડથી ઘસરકા કરી હાથની નસ કાપી નાખી હતી અને બંનેએ ઘેનના ટીકડાં પી લીધા હતા.

હાથની નસ કાપવાથી બંનેના હાથમાંથી લોહી વહેવા લાગ્યું હતું.

આખી રાત બંને તડપતા રહ્યા હતા. પરંતુ તેઓનું મોત નીપજયુ નહોતું. તેથી રવિવારે સવારે બંનેએ મોતના નિશ્ચય સાથે કેરોસીન છાંટી સજોડે અગ્નિસ્નાન કરી લીધું હતું. બંનેને ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં હોસ્પિટલમાં ખસેડ્‌ાયા હતા. પોલીસે પતિ-પત્નીએ લખેલી સ્યુસાઇડ નોટ પણ કબ્જે કરી હતી.

Previous articleપ્રચંડ વિજય નવા ભારતના નિર્માણ માટેનો જનાદેશ છે
Next article‘ગ્રીન ગાંધીનગર-કલીન ગાંધીનગર’નાં સંકલ્પ સાથે ગુજરાત માહિતી આયોગ દ્વારા વૃક્ષારોપણ કરાયુ