વિધવા સહાયતા માટે અરજી કરવાની સમયમર્યાદા દૂર થઇ

14227

ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની સંવેદનશીલ સરકાર દ્વારા વિધવાઓની સહાયમાં ૨૫ ટકા જેટલો વધારો કરીને હવે માસિક ૧૨૫૦/- કરવામાં આવી છે. આ માટે ચાલુ વર્ષના અંદાજપત્રમાં ૩૭૬ કરોડથી વધુ રકમની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત હવે વિધવા સહાય માટે અરજી કરવા માટેની સમયમર્યાદા હતી તે દૂર કરવામાં આવી છે એટલે હવે જ્યારે પણ વિધવા બહેન સહાય માટે અરજી કરશે ત્યારથી તેમને વિધવા સહાય આપવામાં આવશે. આ અંતર્ગત સુરત જિલ્લામાં છેલ્લા ૧ વર્ષમાં કુલ ૧૯૫૨ વિધવા સહાયની અરજી કરવામાં  આવી છે. જેમાંથી ૧૮૧૯ અરજીઓ મંજૂર કરવામાં આવી છે, જ્યારે બાકીની અરજીઓ વિવિધ કારણોસર નામંજૂર કરવામાં આવી છે તેમ વિધાનસભા ગૃહમાં કતારગામના ધારાસભ્ય વિનોદ મોરડીયા દ્વારા વિધવા સહાય અંગે પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં મહિલા અને બાળ કલ્યાણ રાજ્ય મંત્રી વિભાવરીબહેન દવેએ જણાવ્યું હતું. રાજ્ય મંત્રીએ ચોર્યાસીના ધારાસભ્ય ઝંખનાબહેન પટેલ દ્વારા વિધવા સહાય અંગેના પૂરક પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું હતુ કે અગાઉ વિધવાને ૨૧ વર્ષથી વધુ વયનો પુત્ર થાય ત્યારે વિધવા સહાય બંધ કરવામાં આવતી હતી પણ હવેથી એ નિયમ દૂર કરવામાં આવ્યો છે.

આ સહાય માટે ગ્રામ્ય વિસ્તારમાં આવકમર્યાદા અગાઉ જે ૪૭,૦૦૦/- હતી તે વધારીને ૧.૨૦ લાખ, જ્યારે શહેરી વિસ્તારમાં અગાઉ જે ૬૮,૦૦૦/- હતી તે  વધારીને ૧.૫૦ લાખ કરવામાં આવી છે. આ સહાય અંગેની પ્રક્રિયા સેવાસેતુ કાર્યક્રમમાં પણ કરવામાં આવે છે, તેમ પણ મંત્રીએ વધુ વિગતો આપતાં ગૃહમાં જણાવ્યું હતું.

Previous articleસ્વાઇનફ્‌લૂનો ગાંધીનગર જિલ્લામાં પગપેસારોઃ શેરથાનો યુવાન સપડાયો
Next articleસાબરમતી રિવરફ્રન્ટ પર સક, ફ્લેમિંગો અને સ્પૂન ડક