માનસિક તાણ (ટેન્શન), તનાવ ઘટાડવાની ૩૩ અણમોલ વાતો

0
284

માનવીમાં રહેલાં ઘણાં દુર્ગુણોમાંનો આ એક મહત્વનો દુર્ગુણ છે. બાળક પેદા થાય ત્યારે જ અમુક ગુણ, અવગુણ તેને વારસામાં મળે છે. મા-બાપનાં ગુણ ઉપરાંત દાદા-દાદી, નાના-નાની (કેટલાકનાં મતાનુસાર સાત પેઢીનાં ગુણો વારસામાં ઉતરે છે. પરંતુ હાલ મોટાભાગનાં તારણો ત્રણથી ચાર પેઢી સુધીનાં લક્ષણો વારસામાં મળે, તેમ માને છે). પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય છે. એ કહેવતને આજનાં મનોચિકિત્સકો તથા મનોરોગચિકિત્સકોએ અમુક અંશે ખોટી પાડવા અને માનવ સ્વભાવમાં કે પ્રકૃતિમાં ફેરફાર કરવા માટે ઘણાં ઘણાં સંશોધનો કર્યા છે. તેનો ચાવીરૂપ ટૂંકસાર અત્રે આપેલ છે. જે દ્વારા તાણમુક્તિનાં અણમોલ સૂચનો મળશે.

(૧) હેલ્ધી માઇન્ડ ઇન હેલ્ધી બોડી : આરોગ્યમય શરીરમાં જ સ્વસ્થ મન રહી શકે. માટે તનાવ દૂર કરવાં શરીરની દૂરસ્તી આવશ્યક છે. જેની ચર્ચા અન્યત્ર કરાયેલ છે. તે માટે મુખ્યત્વે પૌષ્ટીક, સાદો ખોરાક, શુદ્ધ હવા, પાણી, પૂરતી ઊંઘ, વ્યાયામ, વ્યસનમુક્તિ વગેરે આવશ્યક છે.

(૨) માનસિક તાણનું એક અગત્યનું કારણ ભય છે : ભયનાં અનેક કારણો છે. મોટેભાગે બાળપણમાં મનમાં બંધાયેલ ગ્રંથી અગત્યનો ભાગ ભજવે છે. અચેતન મનમાં (સબકોન્સીયસ માઇન્ડ) તે દબાયેલી પડી રહે છે. બાળક મોટું થાય અને પુખ્ત વયનું થાય ત્યારે આ છુપાયેલી ભયની લાગણી બહાર આવે છે.

(૩) જેમ તનની અસર મન પર પડે છે. તેમ મનની તથા તનાવની અસર તન પર પડે છે. તેથી હાઇ બી.પી. હાર્ટએટેક, હોજરીમાં ચાંદુ અને અન્ય રોગો થાય છે. )મનોશારીરીક રોગો) (૪) માનસિક તનાવ થાય ત્યારે વિશ્વાસ પાત્ર વ્યક્તિ પાસે દિલ ખોલી નાખો. આ વાત વારંવાર રીપીટ કરવામાં આવી છે કારણ કે તેનું મહત્વ ઘણું જ છે. (૫) મી. સેગેટીરીક્સ (મનોચિકિત્સક)નાં જણાવ્યા મુજબ અંગત વ્યક્તિ તરફથી મળતી સહાનુભૂતિ જાદુઇ અસર કરે છે. પ્રેમ, હુંફ, લાગણી વગેરે તનાવને દુર કરે છે. (અંગત વ્યક્તિ ખાસ વાંચવું), (૬) તનાવ આવે ત્યારે મૂળ સમસ્યાને થોડીવાર ભૂલી જાવ. આ અઘરૂં છે, પણ અશક્ય નથી. મનને અન્ય વિષયમાં વાળવું. ગમતી પ્રવૃત્તિ કરવી. (૭) એક સમયે એક જ કામ કરવું. જાજા ઘોડે ચડશો તો પડશો. (૮) મર્યાદા બહારની ઇચ્છાઓ ન રાખવી (૯) તનાવ આવે ત્યારે શાંત થવા પ્રયત્ન કરવો. ઉંડા ઉંડા શ્વાસ લેવા. (૧૦) ટીકાઓ પ્રત્યે બેદરકાર રહેવું, (૧૧) બધાં પાસેથી પ્રશંસાની અપેક્ષા ન રાખો. (૧૨) અન્યની પ્રગતિને મનથી જુઓ, (૧૩) ભૂલોનો સ્વીકાર કરતાં શીખવું, તે માટે પ્રેકટીસ કરવી અને ખુલ્લુ દિલ રાખી મહાપુરૂષોનું જીવનચરિત્ર વારંવાર વાંચવું. (૧૪) અન્યને મદદ કરવી (બદલાની આશા વીના), (૧૫) કોઇ સાથે ઝઘડો થયો હોત તો સમાધાન માટે પહેલ કરવાની હિંમત કરવી. (૧૬) નવરાશનાં સમયે ગમતું કાર્ય કરવું. તાણ દુર કરવાનો આ રાજમાર્ગ છે. ગમતું કામ શોધી કાઢવું અને તેમાં પૂરી નિષ્ઠા અને લગનથી ખુપી જવું. (૧૭) ઉંડા શ્વાસ લેવા મુકવાની ટેવ પાટવી, સવાર સાંજે ૧૫ મીનીટ માટે દરરોજ. (૧૮) નિષ્ણાંત પાસેથી શીખીને પછી ધ્યાન મેડીટેશન કે યોગ કરવા. અયોગ્ય રીતે કરેલ ધ્યાન કે મેડીટેશન વિપરીત પરીણામ લાવી શકે. (૧૯) ધાર્મિક વૃત્તિ કેળવવી, અહીં અંધશ્રદ્ધાની વાત નથી. સાચા અર્થમાં ધાર્મિક બનવાની અને કુદરતની શરણાગતિને સમજણપૂર્વક સ્વીકારવાની વાત છે. (૨૧) કાર્યનું યોગ્ય આયોજન કરવાની સુટેવ પાટવી. અગત્યનાં કાર્યો પહેલા પતાવવા. (૨૨) નિષ્ફળતામળે તો ડગી ન જવું. સફળતા મળે તો છકી ન જવું. (૨૩) ગેરસમજણ થઇ હોય તો નિખાલસ ચર્ચા કરી તેને દુર કરવી. (૨૪) લોકોને હસી-ખુશીથી મળવું. (૨૫) સાચી વ્યક્તિની ખરા દિલથી પ્રશંસા કરવી. (ખુશામત નહીં). (૨૬) સગા-સબંધી વગેરેને અનકૂળ બનાવવા (તનાવ વિના) પ્રયત્ન કરવો. (૨૭) હળવા નિર્દોષ મનોરંજન માટે રોજ સમય ફાળવવો. મુક્ત અને હૃદયપૂર્વકનું હાસ્ય ઘણું મદદરૂપ છે. (૨૮) વાસ્તિવિકતા સ્વીકારવાની સુટેવ પાડવી. નિયમિત અભ્યાસ દ્વારા તે શક્ય છે. (૨૯) નવરાં ન રહેવું. કારણ કે નવરૂ મન શૈતાનનું કારખાનું છે. (૩૦) દુઃખોને ભૂલવવાની સુટેવ પાડવા સતત પ્રયત્નશીલ રહેવું. જરૂર પડે તો મનોરોગચિકિત્સક કે મનોચિકિત્સકને બતાવવું. (૩૧) દરેક વાત હળવાશથી અને સવળાશથી (લાઇટલી એન્ડ રાઇટલી) લેવાની કળા શીખી લેવી. (૩૨) દુનિયાનાં લોકોને સુધારવા શક્ય નથી. જાતને સુધારવી કંઇક અંશે શક્ય છે માટે તેનો યત્ન કરવો. (૩૩) ઉપરોક્ત સુચનો તથા અન્ય પ્રેરણાદાયી તથા તનાવમુક્ત કરે તેવી વાતો વારંવાર વાંચવી અને મનન કરી તે માટેનો અમલ કરવા દિલથી પ્રયત્ન કરવો. યાદ રહે, આશા રાખીને યત્ન કરવાથી મોટે ભાગે સફળતા મળે જ છે.

સ્વાસ્થ્ય જીવન અનુભરી ચૂકેલા જાણીતાં ફિલોસોફરોના સોનેરી સૂચનો (સુત્રો)

શિખામણ સાંભળવી કે વાંચવી કોઇને ગમતી નથી. પરંતુ સ્વાસ્થ્ય, સુખ અને સંતોષ જેવો મહામૂલો ખજાનો મળતો હોય તોભલે, ખમી લઇએ શિખામણો. અલબત્ત ! આ શિખામણો કે સુત્રો કે સૂચનો કોઇ સામાન્ય વ્યક્તિએ નથી આપેલા. ઉપદેશ આપવાનાં હેતુથી નથી આપેલા. સ્વાસ્થ્ય એટલે સારી તનદુરસ્તી અને મનદુરસ્તી મેળવવા, સંતોષી બનવા તથા સાચા અર્થમાં સુખી (પરમ આનંદી) બનવા માટે આવા સૂચનો બરાબર વાંચવા, વિચારવા અને તેના પર દૃઢ મનોબળ કેળવી, અમલ કરવો એ પહેલું સોનેરી સૂત્ર છે.

પયગંબરો, સંત સુફીઓ, વિરલ હસ્તીઓએ આપેલ બોધવચનો, હદીસો વગેરે જીવનરસને અતિમધુર બનાવે છે. જરૂર છે માત્ર આ બોધ પર અંતઃકરણપૂર્વકનાં અમલની લાખ સુત્રો વાંચવા કરતા હજાર સુત્રો વિચારવા એ વધુ મહત્વનું છે. અને હજાર સુત્રો વિચારવા કરતાં સૌ સુત્રો અમલમાં મુકવા એ એથીયે વધુ ફાયદાકારક છે.

સ્વાભાવિક છે કે આ ત્રણેય અણમોલ ચીજ મેળવવા કઠોર પરિશ્રમ, સતત જાગૃતિ અને સમજદારીપૂર્વકની સાધના જરૂરી છે. કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી. શોર્ટ કટ દ્વારા એ મેળવાની લાલચ દુઃખી દુઃખી કરી મુકે છે. માટે સહેલા, સસ્તા, સુંવાળા અને શોર્ટકટનાં અખતરાંના પ્રયોગો , કદીન કરવા. શોર્ટ કટ ઇઝ થ્રોટ કટ. શોર્ટકટ એટલે કે ટૂંકા રસ્તા દ્વારા કઇંક મેળવવાનો પ્રયોગ કેવો હાસ્યાસ્પદ નિવડે છે. તેની એક સત્ય રમુજી ઘટના મમળાવીએ. નીલ આર્મસ્ટ્રોંગ અને તેના સાથી ચંદ્ર પર જઇ આવ્યા બાદ ભારતની મુલાકાતે આવેલ. ૧૯૬૯માં તેઓ ચંદ્ર પરથી જે પત્થરો અને માટી (ધુળના ઢેફા) લાવેલ તે લોકોને જોવા માટે કલકત્તામાં એક સ્થળે રાખવામાં આવેલ. ટૂંક સમય માટે જ આ પ્રદર્શન હતું. તેથી ખુબ જ લાંબી લાઇન લાગી હતી. એક બે કલાકે વારો આવે તેમ હતું. આથી એક શોર્ટકટ પ્રેમી વ્યક્તિએ મુખ્ય લાઇનમાં ઉભા ન રહેતા બાજુમાં આવેલ ટૂંકી લાઇનમાં ઘૂસ મારી. તેણે માન્યું કે આ વી.આઇ.પી. માટેની વ્યવસ્થા. હશે. દસ મીનીટમાં જ તેને અંદર જવા માટે પ્રવેશ મળ્યો ત્યારે તેને ખબર પડી કે તે જાહેર મુતરડી (ટોયલેટ)માં પહોંચ્યો હતો. લઘુશંકા પતાવીને શરમનો માર્યો બહાર નિકળ્યો. આમ, શોર્ટકટનો અખતરો કરવાથી કેવી જગાએ પહોંચી જવાય છે !!!

જોસેફ કેપબેલ નામનાં તત્વચિંતકે એક પુસ્તક લખ્યું છે જેનું નામ છે બીકમ હેપી ઇન એઇટ મીનીટ્‌સ અર્થાત આઠ મીનીટમાં સુખી થાવ. લલચામણું શિર્ષક છે. પરંતુ તે વાંચીએ ત્યારે ખબર પડે કે ખરેખર આ આઠ મીનીટ ઘણી મહેનત અને રોજબરોજની સાધના અને પુરૂષાર્થ માગી લે છે, સમજપૂર્વક આ પુસ્તક વાંચી અમલ કરવાથી ફાયદો થવાની શક્યતા નકારી ન શકાય. લેખકે તેમાં લખેલ ચોટદાર કવિતાનો સારાંશ યાદ રાખવા જેવો છે. (આભાર કાંતીભટ્ટ) આ જીવન એક યુદ્ધ છે. યુદ્ધ જાહેર થાય ત્યારે યોદ્ધાની ફરજ છે કે યુદ્ધને સ્વિકારીને કુદી પડે. દુનિયામાં ઘણાં દુઃખો છે. તે દુઃખોમાં આનંદપૂર્વક બીજા સાથે ભાગ લે તે આજનાં સામાજિક યોદ્ધાની ફરજ છે. જો કે આપણે દુનિયાના બધા દર્દો સારા કરી શકવાના નથી. પરંતુ આનંદમાં રહીને જીવવું તે સો ટકા આપણા હાથની વાત છે. આપણામાંના મોટાભાગનાં લોકો જગતની સમસ્યાઓ ઉકેલવાના પ્રયત્નો કરી ફાફા મારીએ છીએ. તે તદ્દન ખોટો ઇલાજ છે. નાહક ખોટા ઉધામા કરીએ છીએ. એક દ્રષ્ટિએ જોઇએ તો વિશ્વ પૂર્ણ છે. બીજી રીતે વિશ્વમાં અંધાધૂંધી છે. જે આજની નહીં, સૃષ્ટિ શરૂ થઇ ત્યારની છે. આ અંધાધૂંધીની કુદરતી પ્રક્રિયાને આપણે સુધારી શકવાના નથી. આપણી ફરજ માત્ર એટલી જ છે કે આ આડી, ટેઢી, વાંકી ચૂંકી ચાલતી આપણી જીંદગીને લાઇનસર રાખીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here