શાહીબાગમાં ડમ્પરની ટક્કરથી વિદ્યાર્થિનીનું મોતઃ બીજી વિદ્યાર્થિનીની હાલત ગંભીર

496

અમદાવાદમાં જાહેર રોડ પર બેફામ વાહન હંકારવાના કારણે અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. તેમાંયે ખાસ કરીને છેલ્લા કેટલાક સમયથી ડમ્પરની ટક્કરથી નિર્દોષ વાહન ચાલકોના મોત થયા છે. આજે સવારે શાહીબાગમાં ઘેવર સર્કલ પાસે ડમ્પર ચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી. જ્યાં ટયુશનમાં જઇ રહેલી એક વિદ્યાર્થિનીનું ડમ્પરના વ્હીલ નીચે કચડાઇ જવાથી મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલી વિદ્યાર્થિનીને ગંભીર ઇજાઓ થઇ હતી. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ડમ્પર ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

શાહીબાગમાં કમળકુંજ સોસાયટીમાં રહેતા અને પ્લાસ્ટીકનો વ્યવસાય કરતા ચેતનભાઇ બળદેવભાઇ પટેલે એફ ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે કે તેમની ધોરણ-૧૧માં અભ્યાસ કરતી ૧૮ વર્ષની પુત્રી હેતાંશી આજે સવારે એક્ટિવા લઇને શાહીબાગમાં શુભ કોમ્પલેક્ષમાં આવેલા ટયુશન ક્લાસમાં જતી હતી તેના એક્ટિવા પાછળ ધુ્રહી નામની તેની બહેનપણી બેઠી હતી.

સવારે ૭.૪૫ કલાકે એક્ટિવા લઇને ઘેવર સર્કલ પાસેથી પસાર થઇ રહ્યા હતા આ સમયે પાછળથી પૂર ઝડપે આવી રહેલા ડમ્પરના ડ્રાઇવરે પોતાના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી બેસતા એક્ટિવાને ટક્કર મારી હતી, જેથી એક્ટિવા હંગાળાઇ જતા ડમ્પરના વ્હીલ નીચે હેતાંશીનું માથું છુંદાઇ જતાં ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે એક્ટિવાની પાછળ બેઠેલી તેની બહેન પણીને પણ શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી. આ બનાવના પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ગંભીર રીતે ઘવાયેલી વિદ્યાર્થિનીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી.

લોકોના ટોળાએ ડમ્પર મૂકી ભાગવાનો પ્રયાસ કરતાં ડમ્પરના ડ્રાઇવરને પકડીને પોલીસને સુપરત કર્યો હતો. આ બનાવના પગલે શાહીબાગમાં ડફનાળાથી ઘેવર સર્કલ સુધી ટ્રાફિક ચક્કાજામ થઇ ગયો હતો. ટ્રાફિક પોલીસે ડમ્પર ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Previous articleપૂર્વ મેયર સહિતને વોટ્‌સએપ ગ્રુપમાંથી પ્રમુખે રીમુવ કર્યાં
Next articleગાંધીનગરની સ્કૂલો સામે વધુ ફી વસુલવાની ૨૧ ફરિયાદો