ટાબોર એથ્લેટિક્સ ટુર્નામેન્ટઃ હિમા દાસે ૨૦૦ મીટર રેસમાં ગોલ્ડ મેડલ જીત્યો

477

ભારતની યુવા સ્પ્રિંટર હિમા દાસે શાનદાર પ્રદર્શન યથાવત રાખ્યું છે. હિમા દાસે માત્ર ૧૫ દિવસમાં જબરદસ્ત પ્રદર્શન કરી દેશનું ગૌરવ વધાર્યું છે. હિમાએ ચેક ગણરાજ્યમાં થયેલ ટાબોર એથ્લેટિક્સ ટુર્નામેન્ટમાં ૨૦૦ મીટર રેસમાં સ્વર્ણ પદક જીત્યો છે.

આ સાથે હિમાએ માત્ર ૧૫ દિવસમાં ચોથો ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે અને વિશ્વ સ્તરે દેશનું નામ રોશન કર્યું છે. ૧૯ વર્ષની દેશની આ દીકરી હિમા દાસે માત્ર ૨૩.૨૫ સેકન્ડમાં આ રેસ પૂરી કરી. જ્યારે હમવતની વી.કે.વિસમાયાએ ૨૩.૪૩ સેકન્ડના સમયમાં રેસ પૂરી કરી બીજા નંબરે રહી. સીઝનમાં આ તેનું સૌથી શાનદાર પ્રદર્શન છે.

પુરૂષ વર્ગની વાત કરીએ તો રાષ્ટ્રીય રેકોર્ડ હોલ્ડર મોહમ્મદ અનસે ૪૦૦ મીટરની સ્પર્ધામાં ૪૫.૪૦ સેકન્ડનો સમય લઈ ગોલ્ડ મેડલ જીત્યો છે. અનસે આ પહેલા ૧૩ જુલાઈએ આ જ સ્પર્ધામાં ૪૫.૨૧ સેકન્ડથી ગોલ્ડ જીત્યો હતો. ૨ જુલાઈ બાદ યુરોપમાં હિમાનો આ ચોથો ગોલ્ડ મેડલ છે. જીત બાદ હિમાએ ટ્‌વીટ કરી લખ્યું કે,‘આજે ૨૦૦ મીટરમાં ફરી ગોલ્ડ જીત્યો અને ટાબોરમાં સમય સુધારી ૨૩.૨૫ સેકન્ડ કર્યો.’ આ પહેલા ૨ જુલાઈના રોજ પોલેન્ડમાં થયેલ પહેલી રેસમાં ૨૩.૬૫ સેકન્ડમાં ગોલ્ડ જીત્યો હતો.

Previous articleવિન્ડીઝ પ્રવાસ : કોહલી અને રોહિત સહિતના બધા રમશે
Next articleવર્લ્ડ કપમાં હાર બાદ શ્રીલંકામાં …તમામ કોચિંગ સ્ટાફને કાઢી મૂકાશે..!!