બાવળા-સાણંદ ચોકડી પાસે અકસ્માત : બે બાળકના મોત

1190

અમદાવાદથી ૩૨ કિમી દૂર સાણંદ-બાવળા ચાર રસ્તા પાસે ગઇ મોડી રાત્રે એક એસટી બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એસટી બસમાં સવાર બે નાના બાળકોના કરૂણ મોત નીપજયા હતા, જયારે ન્ય ૩૦ જેટલા મુસાફરોને નાની મોટી ઇજા થઇ હતી. અકસ્માતના આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી અને લોકોના ટોળેટોળા ત્યાં ઉમટી પડયા હતા. જેને પગલે સાણંદ-બાવળા હાઇવે પર ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. અકસ્માતની જાણ થતાં પોલીસ પણ ત્યાં આવી પહોંચી હતી અને સમગ્ર બનાવ અંગે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. બીજીબાજુ, આ અકસ્માતમાં ૧૩ વર્ષની બાળકી અને પાંચ વર્ષના બાળકનું કરૂણ મોત નીપજયુ હોવાના કારણે લોકોમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. બસમાં સવાર અને ઘાયલ થયેલા ૩૦ જેટલા મુસાફરોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, સંતરામપુર ડેપોની એસ.ટી બસ ધોળકા તરફ જઈ રહી હતી ત્યારે સાણંદ-બાવળા ચોકડી પાસે અકસ્માત થયો હતો. જેમાં ટ્રકની ટક્કર બાદ બસ સીધી પાસેના ગટરના પાણી ભરેલા ખાડામાં ખાબકી હતી. મોડી રાત્રે ૧-૨૦ આસપાસ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ થતાં પોલીસ અને નગરપાલિકાની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. મધ્યપ્રદેશના પીપલોદથી જૂનાગઢ જતી બસને ગુજરાત એસટીની બસને અકસ્માત નડ્‌યો હતો. જેમાં વિકાસ બારીયા (ઉ.વ.૫) અને પ્રિયા નામ (ઉ.વ.૧૩)ની બાળકીનું મોત નીપજયુ હતું, જયારે અન્ય ૩૦ મુસાફરોને ઇજા પહોંચતા તેઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. મામલામાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleભાજપ સરકાર સર્વે કરાવીને ખેડૂતોને હવે પાક વીમો આપે