ગરીબોને શોધીને દાન કરવા કરતા તેઓ જાતે જ લઇ જાય તેવી વ્યવસ્થા

560

ગરીબોને દાન આપીને તેને ક્ષોભજનક સ્થિતિમાં મુકવાને બદલે કે ગરીબોને શોધીને દાન કરવા કરતા તેને ઉપયોગી હોય તે વસ્તુ જાતે લઇ જાય તે માટે આદિજાતિ વિકાસ કમિશ્નર જે.રણજીતકુમાર દ્વારા સૌની દિવાલ કચેરીની પાસે બનાવી છે. જેમાં કપડાં, પગરખાં, અનાજ, રમકડાં, પુસ્તકો, નાસ્તો સહિતની વસ્તુઓ માટે ખાના બનાવ્યા છે.

ધાર્મિકગ્રંથોમાં કરાયેલા ઉલ્લેખ મુજબ ગુપ્તદાનને મહત્વ આપવા માટે આદિજાતિ વિકાસ કમિશ્નર જે.રણજીતકુમારે સૌની દિવાલ બનાવી છે. છેલ્લા પાંચેક માસથી બનાવેલી સૌની દિવાલને સારો એવો પ્રતિસાદ મળ્યો છે. સૌની દિવાલમાં જરૂરીયાત મંદોને ધ્યાનમાં લઇને દરેક વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પુસ્તકો, નાસ્તો, અનાજ, રમકડાં, કપડાં, પગરખામાં બુટ અને ચંપલ તેમજ અન્ય સહિતના અલગ અલગ ૧૪ ખાના બનાવવામાં આવ્યા છે.

બીરસામુંડા ભવનની કચેરીની બહાર બનાવેલી સૌની દિવાલમાં કર્મચારીઓ પણ પોતાની યથાશક્તિ ઉપયોગમાં આવે તેવી વસ્તુઓ મુકી રહ્યા છે.

સૌની દિવાલમાં બનાવેલા અલગ અલગ ખાના કોટાસ્ટોન પથ્થર મુકીને બનાવવામાં આવ્યા છે. સૌની દિવાલને બનાવવા માટે રૂપિયા ૧૦ હજારનો ખર્ચ થયો છે. તામિલનાડુમાં મિત્રો દ્વારા જરૂરીયાત મંદોને મદદ કરવા માટે આવું આયોજન કર્યું હતું. જેની પ્રેરણા લઇને કચેરીની બહાર સૌની દિવાલ બનાવી હોવાનું આદિજાતિ વિકાસ કમિશ્નર જે. રણજીતકુમારે જણાવ્યું છે.

રાજ્યના દાહોદમાં કલેક્ટર તરીકે નિમણુંક થતાં જ ત્યાં દરેક બસ સ્ટેન્ડ પાસે દાહોદ દર્પણ બનાવી હતી. તેજ રીતે દેવગઢ બારીયા, લિમડી, લિમખેડામાં આયોજન કર્યું હતું.

Previous articleદહેગામના વોર્ડ નં.૫ અને ૬માં ઓછા ફોર્સથી પાણી આપવાના કારણે રહીશો પરેશાન
Next articleગ-૨ નજીક ૪ દુકાનના તાળાં તૂટતાં વેપારીઓમાં ભારે ફફડાટ