કર્ણાટકમાં નાટકનો અંત : સ્વામીની સરકાર ગબડી

546

કર્ણાટકમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલતા રાજકીય નાટકનો આજે અંત આવી ગયો હતો. કર્ણાટકમાં ૧૪ મહિના જુની એચડી કુમારસ્વામી સરકાર વિશ્વાસમતમાં પડી ગઈ હતી. આનીસાથે જ હાલમાં ચાલી રહેલી ચર્ચાઓનો પણ અંત આવી ગયો છે. રાજકીય ઉથલપાથલનો દોર અસંતુષ્ટોના રાજીનામા સાથે શરૂ થયો હતો ત્યારબાદથી વિધાનસભામાં વિશ્વાસમતને લઇને પણ ભારે વિલંબની સ્થિતિ રહી હતી. આજે મંગળવારે સાંજે વિધાનસભામાં વિશ્વાસમત પ્રસ્તાવ પર મતદાન થયા બાદ સત્તા પક્ષને માત્ર ૯૯ મત મળ્યા હતા જ્યારે ભાજપની તરફેણમાં ૧૦૫ મત પડ્યા હતા તે વખતે ગૃહમાં કુલ ૨૦૪ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ અને જેડીએસની છાવણીમાં સોપો પડી ગયો હતો. કર્ણાટકમાં જાદુઈ આંકડાને લઇને હાલમાં ચર્ચા ચાલી રહી હતી. જાદુઈ આંકડો કર્ણાટકમાં ૧૦૩નો રહ્યો છે. ભાજપને ૧૦૫નો ટેકો છે. ગઠબંધનને આજે ૯૯નો ટેકો મળ્યો હતો. વિશ્વાસમત પ્રસ્તાવ પર વોટિંગ દરમિયાન સત્તા પક્ષને માત્ર ૯૯ મત જ મળ્યા હતા. આ પહેલા સ્પીકર રમેશકુમારે ધારાસભ્યોને ઉભા કરીને સત્તાપક્ષ અને વિપક્ષના સભ્યોની ગણતરી કરી હતી. સ્પીકરે વિધાનસભામાં દરેક લાઈનને અલગ અલગ ઉભા થઇને અધિકારીઓ પાસેથી ધારાસભ્યોની ગણતરી કરાવી હતી. અધિકારીઓએ પહેલા સત્તાપક્ષના સભ્યોની ગણતરી કરી હતી ત્યારબાદ વિપક્ષના ધારાસભ્યોની ગણતરી કરી હતી. કર્ણાટકના રાજકીય ઇતિહાસમાં પ્રથમ વખત આવું બન્યું છે જ્યારે ગૃહમાં ધારાસભ્યોની ગણતરી ફિઝિકલીરીતે કરવામાં આવી હતી. ૧૫ અસંતુષ્ટ ધારાસભ્યોના રાજીનામા બાદ કોંગ્રેસ અને જેડીએસ બંને પક્ષોના લોકો સરકાર બનાવવા અને બચાવવા માટે લાગેલા હતા. છેલ્લા કેટલાક દિવસથી શાસક પક્ષ દ્વારા વિશ્વાસ પ્રસ્તાવને ટાળવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. આને લઇને રાજ્યપાલ સાથે પણ વિખવાદ થયો હતો.

મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો હતો. મુખ્યમંત્રી કુમારસ્વામીએ પણ સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરીને રાજ્યપાલ સામે વાંધો ઉઠાવ્યો હતો અને દરમિયાનગીરી કરવાનો આક્ષેપ કર્યો હતો. ઉથલપાથલના દોર વચ્ચે આજે મતદાન થયું હતું. કુમારસ્વામીની સરકાર માટે આજે છેલ્લો દિવસ સાબિત થયો હતો. વિશ્વાસમત ઉપર ચર્ચા હાલમાં ચાલી રહી હતી. કુમારસ્વામીના ભાગ્યને લઇને આજે ફેંસલો થયો હતો. સરકાર ગબડી પડ્યા બાદ કુમારસ્વામી રાજીનામુ આપવા પહોંચ્યા હતા. એચડી કુમારસ્વામી વર્ષોથી અસંતુષ્ટોના શાપ લઇને આગળ ચાલતા રહ્યા હતા. ૨૮મી જાન્યુઆરી ૨૦૦૬ના દિવસે પ્રથમ વખત કુમારસ્વામી સરકાર બની હતી. ૨૦૦૮માં પણ ફરી તક મળી હતી. જેડીએસ અને કોંગ્રેસની વચ્ચે ગઠબંધનથી કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયા પહેલાથી જ નાખુશ હતા. તેઓએ તત્કાલિન કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને સલાહ આપી હતી કે, ગઠબંધનનો અંત લાવવામાં આવે પરંતુ રાહુલ ગાંધીએ સાંભળી ન હતી. મુશ્કેલીઓની શરૂઆત વર્ષ ૨૦૧૯થી શરૂ થઇ હતી. ૧૫મી જાન્યુઆરી ૨૦૧૯ના દિવસે કોંગ્રેસના સાત ધારાસભ્યોએ પાર્ટી છોડવાની ધમકી આપી હતી. ચોથી જૂન ૨૦૧૯ના દિવસે વિશ્વનાથે જેડીએસના અધ્યક્ષપદેથી રાજીનામુ આપ્યું હતું. કર્ણાટકમાં હાલમાં જ રાજકીય સંકટની શરૂઆત છઠ્ઠી જુલાઈના દિવસે થઇ હતી જ્યારે જેડીએસ અને કોંગ્રેસના ૧૨ ધારાસબ્યોએ મેમ્બરશીપ તરીકે રાજીનામા આપ્યા હતા. આનાથી સરકાર હચમચી ઉઠી હતી. વિશ્વાસમતમાં સરકાર પડી ગયા બાદ મોડેથી કુમારસ્વામીએ રાજીનામુ આપ્યું હતું અને તેમના રાજીનામાનો સ્વીકાર કરાયો હતો.

યેદીયુરપ્પા ગુરુવાર સુધીમાં મુખ્યપ્રધાન તરીકે શપથ લેશે

કર્ણાટકમાં ૧૪ મહિના જુની સરકાર ગબડી પડ્યા બાદ ભાજપને સરકાર બનાવવાની તક મળી ગઈ છે. વિશ્વાસમતમાં જીત મળ્યા બાદ ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મુખ્યમંત્રી યેદીયુરપ્પાએ વિક્ટ્રી સાઈન દર્શાવીને ખુશી દર્શાવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ એચડી કુમારસ્વામી રાજભવન જઇને રાજીનામુ સોંપી રહ્યા છે. બીજી બાજુ તેમના રાજીનામા બાદ ભાજપના વરિષ્ઠ નેતા યેદીયુરપ્પા સરકાર રચવાની કવાયતમાં લાગી ગયા છે. મળેલી માહિતી મુજબ યેદીયુરપ્પા આવતીકાલે બુધવારના દિવસે રાજ્યપાલ વજુભાઈ વાળાને મળશે અને સરકાર બનાવવા દાવો કરશે. ગુરુવારના દિવસે નવા મુખ્યમંત્રી તરીકે શપથ લે તેવી શક્યતા પણ દેખાઈ રહી છે. જો કે, આ સંબંધમાં હજુ સુધી કોઇ નક્કર માહિતી મળી શકી નથી. ૧૫ અસંતુષ્ટ ધારાસભ્યોના રાજીનામા બાદથી જ કુમારસ્વામી સરકારના પતનના દિવસો શરૂ થઇ ગયા હતા. મતદાનને ટાળવાના તમામ પ્રયાસ હાલમાં થઇ રહ્યા હતા.

અંતે આજે સાંજે વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ પર મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં સત્તાપક્ષને માત્ર ૯૯ મત મળ્યા હતા.

હું એક્સિડેન્ટલ સીએમ બન્યો, નસીબથી રાજનીતિમાં આવ્યો : સ્વામી

કર્ણાટકમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલતી રાજકીય ખેંચતાણનો અંત આવ્યા બાદ આજે વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થયું હતું અને કુમારસ્વામીની સરકાર ગબડી ગઈ હતી. આ પહેલા કુમારસ્વામીએ વિધાનસભામાં ભાવુક નિવેદન કર્યું હતું અને કહ્યું હતું કે, તેઓ વિશ્વાસ પ્રસ્તાવ માટે તૈયાર છે. ખુશી સાથે મુખ્યમંત્રી પદ છોડી દેશે. કુમારસ્વામીએ કહ્યું હતું કે, તેઓ રાજનીતિમાં આવવા માટે ઇચ્છુક ન હતા પરંતુ તેઓ નસીબથી તેઓ આવ્યા હતા. એક્સિડેન્ટલ મુખ્યમંત્રી હોવાની વાત કુમારસ્વામીએ કરી હતી. પ્રજા પાસે માફી પણ માંગી હતી. કુમારસ્વામીએ કહ્યું હતું કે, તેઓ ખુબ જ ભાવનાશીલ અને ભાવુક વ્યક્તિ છે જ્યારે તેઓએ પોતાની સામે રિપોર્ટ જોયા ત્યારે લાગ્યું હતું કે તેમને આ પદ ઉપર રહેવું જોઇએ નહીં જેથી રાજીનામુ આપવા માટે ઇચ્છુક છે. વિશ્વાસમતની કાર્યવાહી લાંબા સમય સુધી ખેંચાઈ જવા બદલ પણ કુમારસ્વામીએ માફી માંગી હતી અને કહ્યું હતું કે, કાર્યવાહીને લાંબા સમય સુધી ખેંચવાની તેમની કોઇ યોજના ન હતી.

આના માટે વિધાનસભા અધ્યક્ષ અને રાજ્યની પ્રજાની માફી માંગે છે. જેડીએસ નેતા પ્રસાદ ગૌડાએ કહ્યું હતું કે, કુમારસ્વામી રાજીનામુ આપી રહ્યા છે.

કુમારસ્વામીએ તાજવેસ્ટ એન્ડ હોટલના રુમમાં રહેવાને લઇને પણ ખુલાસો કર્યો હતો. ચર્ચા દરમિયાન સિદ્ધારમૈયાએ આક્ષેપ કરતા કહ્યું હતુંકે, હોલસેલ ટ્રેડિંગની પ્રક્રિયા સમસ્યા છે. બીજી બાજુ કુમારસ્વામી માટે હંમેશા મુખ્યમંત્રીપદને લઇને નસીબની તકલીફ રહી છે. બે વખત મુખ્યમંત્રી બન્યા હોવા છતાં ક્યારે પણ અવધિ પુરી કરી શક્યા નથી. આ પહેલા તેઓ ૨૧ મહિના સુધી રાજ્યના મુખ્યમંત્રી રહ્યા હતા. આ વખતે ૧૪ મહિના સુધી તેમની સરકાર ચાલી શકી છે.

Previous articleમધ્યસ્થીની વાત મોદીએ ક્યારેય કરી નથી : ભારતની સ્પષ્ટ વાત
Next articleગાંધીજીની પ્રતિમાના ધોવાણને લઇ લોકોમાં જોરદાર આક્રોશ