આહારનો બુદ્ધિશક્તિ અને યાદશક્તિ સાથેનો સંબંધ

692

તું ભણવામાં નબળો છે, ઠોટ છે બદામ ખા… ફલાણી દવા લે.

ઉપરોક્ત સલાહ અગાઉનાં જમાનામાં શિક્ષકો અને વડિલો દ્વારા બહુ અપાતી. આજે પણ અપાય છે. પરંતુ જેમ જેમ આહાર તબીબી વિજ્ઞાનની શાખા પ્રગતિ કરતી ગઇ તેમ તેમ નવા નવા જ્ઞાનનાં કિરણો દ્વારા બદામનું મહત્વ ઘટતું ગયું. બદામથી બુદ્ધિ તથા યાદશક્તિ વધે છે તેવી વાતો પાયા વિનાની પૂરવાર થઇ છે. બજારમાં મળતી મોઘીદાટ દવાઓ વડે યાદશક્તિ વધે છે કે નહીં એ પૂરવાર કરવાનું હજુ બાકી છે. તબીબો, વિજ્ઞાનિકો, આહારશાસ્ત્રીઓ અને ન્યુરોલોજીસ્ટોએ આ ક્ષેત્રે ઘણાં જાણવા જેવા સંશોધનો દ્વારા મજાની અને અમલમાં મુકવા જેવી વાતો પૂરવાર કરી છે. તેમાંની કેટલીક વાતોનો ટૂંકસાર વાચકવર્ગ સમક્ષ સાદર હાજર છે.

(૧) બાળકોનો બુદ્ધિઆંક આઇ.ક્યુ. અને માતાનું દૂધ એ વિષય પરનાં સર્વેક્ષણ દ્વારા નિઃશંક પૂરવાર થયું છે. કે અન્ય દૂધ પિનારા કરતાં માતાનું દૂધ પિનારાનો આઇ.ક્યુ. (બુદ્ધિઆંક) વધુ હોય છે.

(૨) મગજમાં અબજો સેલ (કોષો) આવેલાં છે. બે કોષો વચ્ચે સંદેશા વ્યવહાર ચોક્કસ પ્રકારનાં રસાયણો દ્વારા થાય છે. જે પ્રક્રિયા અને રસાયણોના નામ વગેરે. અટપટો વિષય છે. જેની ખટપટોને કોરે મૂકી મૂળ વાત સાદી રીતે સમજીએ.

આવા રસાયણો (કેમીકલ્સ) આહારમાંથી મળે છે. જેમાં કોલીન નામનું મૂળ રસાયણ અન્ય ઘણાં રસાયણો બનાવીને કોષોનાં સંદેશા વ્યવહાર જાળવીને યાદશક્તિ અને બુદ્ધિની જાળવણીમાં મદદ કરે છે. આ રસાયણ એક પ્રકારનું વિટામીન બી ફેકટર છે. ફળો, લીલા શાકભાજી, ઇંડા વગેેરમાંથી મળે છે. ઇંડા ન ખાનારા કઠોળ દ્વારા તે જરૂર મેળવી શકે છે. યુ.પી.માં તો કહેવત છે કે જો ખાયે ચના, વહ રહે બના. યાદશક્તિ ઉપરાંત અન્ય કાર્યશક્તિ અને શારીરીક ક્ષમતા વધારવા માટે કઠોળવાળા ખોરાકો સ્પોર્ટસમેનોને (રમતવીરો) આપી તેમની કાર્યક્ષમતામાં વધારો થયાનું સાબિત કરાયું છે. કાર્યક્ષમતા વધવાથી બુદ્ધિશક્તિ તથા યાદશક્તિમાં થોડો વધારો થાય છે.

(૩) અગાઉનાં જમાનામાં ગળી વસ્તુને મહત્વ બહુ અપાતું. કેટલેક અંશે તે સાચું છે. હાલ તજજ્ઞોએ સાબિત કર્યું છે. કે શર્કરા દ્વારા લાંબા સમયની યાદશક્તિમાં સુધારો થાય છે. કાર્બોદિત પદાર્થોથી ભરપૂર ખોરાક જેવા કે ખાંડ, મીઠાઇ વગેરે મનનો તનાવ કે ટેન્શન ઘટાડવામાં મદદ કરે છે. તથા મનની શાંતિ આપે છે. (સ્થૂળકાળ વાળાએ વધુ ગળપણ ન ખાવું !) ઉપરાંત ડાયાબિટીસનાં દર્દીઓ પણ સાવધાન મીઠાઇ પર તૂટી પડતાં પહેલા ડોકટરને મળજો. કારણ કે જે વસ્તુ અન્ય લોકોમાં (ડાયાબિટીસ વિનાના) ફાયદો કરે તે જ ગળી વસ્તુ આવા દર્દીમાં ેગેરફાયદો કરે છે.

(૪) અગાઉનાં જમાનામાં ઘીને બહુ મહત્વ અપાતું. તેમાં હવે વિરોધ નોંધાયો છે. સંતૃપ્ત ચરબી દા.ત.માખણ, ઘી, વનસ્પતિ ઘી વગેરે આહારમાં વધુ લેવાય તો માણસ નિરાશ બને છે. કાર્યશક્તિ મંદ થાય છે. માટે ઓલ્ડ ઇઝ ગોલ્ડ એ બધા ખોરાકો માટે સાચું નથી. (અગાઉનાં લોકો ૧૦-૧૫ કિ.મી. રોજ સહેલાઇથી ચાલતા એ યાદ રાખવું જોઇએ.)અલબત્ત કેટલીક અસંતૃપ્ત ચરબી મગજમાં આરોગ્ય માટે સારી પૂરવાર થઇ છે. જેમાં ઓલીવ ઓઇલ, અખરોટનું તેલ, રાઇનું તેલ, સોયાબીનનું તેલ, સૂર્યમુખીનું તેલ મુખ્ય છે. (ઓસો અસૂરા) આ બધામાં રહેલ લાયનોલેનિક એસીડ મગજનાં જ્ઞાનતંતુ માટે ઉપયોગી છે. તેમાંય આજકાલ સોયાબીનનું મહત્વ ઘણું ઘણું જળવાઇ રહ્યું છે. સ્વાદમાં મજા ન આવે પરંતુ આરોગ્ય માટે ઘણું સારૂં છે.

(૫) પ્રજીવક એ તથા સી (વિટામીન એ તથા સી) નું મહત્વ પણ આ ક્ષેત્રે અદકેરૂં અંકાયું છે. રોગપ્રતિકારક શક્તિ વધારી તનની દૂરસ્તી વધારવા એ અને સી ઉપરાંત વિટામિન ઇ તથા ખનીજ તત્વ સેલેનીયમ (જે ફળો તથા શાકભાજીમાં મળે છે) પણ મદદ કરે છે. દુરસ્ત તનમાં જ તંદુરસ્ત મન રહી શકે. એ હેલ્ધી માઇન્ડ ઇન હેલ્થી બોડી…

ઉપરોક્ત વિટામિનો તથા ખનીજ વગેરે એન્ટીઓક્સીડન્ટસ (શરીરને હાની કરનાર તત્વોનો નાશ કરનાર પદાર્થો) તરીકે ઓળખાય છે. જે રોગ પ્રતિકારક શક્તિ વધારવાની સાથે કેટલાક કેન્સરો થવાની શક્યતા પણ ઘટાડે છે. અને મગજની રક્તનળીઓને મજબુત બનાવીને લોહીનો પૂરવઠો વધુ પહોંચાડીને મગજનાં કાર્યમાં મદદરૂપ થાય છે. માટે ફળો, લીલા શાકભાજી તથા દૂધ આરોગ્ય જેથી ગોળી ગળવાનો વારો નહીં આવે.

(૬) કઠોળ ઉપરાંત બટાટા, ટામેટર, ગાજર, દ્રાક્ષ, સફરજન, સંતરા, ચેરી, શક્કરટેટી વગેરેને આહારમાં સપ્રમાણ સ્થાન મળવું જરૂરી છે. આ સાથે ચોખા, અનાજ વગેરે મળી સમતોલ આહાર બની શકે છે. આર્થિક સદ્ધરતાવાળા અખરોટ, સોયા તેલ, વિગેરે લઇ શકે. બિનશાકાહારી માછલી, ઇંડા, વિગેરે લઇ શકે છે. લસણનો બાદ ન હોય તો તેનું મહત્વ પણ આ ક્ષેત્રે ઘણું છે.

ઘણી ચોઇસ છે. માટે કોઇપણ પ્રકારનાં વર્ગનાં અને જુદા જુદા રસવાળા લોકો ઉપરોક્ત લાંબી યાદીમાંથી પોતાની પસંદગીનો આહાર લઇને બુદ્ધિશક્તિ અને યાદશક્તિ વધારી શકે છે. અને મોંઘીદાટ દવાના ખર્ચા તથા બે કોડીની બદામ (જેનું મગજનાં કાર્ય માટે મહત્વ સિદ્ધ નથી થયું.) ને વિદાય આપી શકે છે.

ટૂંકમાં : ઓછી ચરબી, જરૂરી પ્રોટીન (નત્રલ પદાર્થો) તથા સપ્રમાણ કાર્બોદીત પદાર્થોની સાથે પૂરતા પ્રજીવકો (વિટામિન), મર્યાદીત મીનરલ્સ (ખનીજ) ફળો તથા લીલા શાકભાજી વગેરેમાંથી મેળવી મગજને જરૂરી પોષણ આપી બુદ્ધિબળ તથા યાદશક્તિ અને તાણમુક્ત જીવન મેળવી શકાય.

સાથો સાથ મગજનો વ્યાયામ એટલે કે યાદશક્તિ વધારવાનાં અન્ય ઉપાયો જેવા કે (૧) એકાગ્રતાપૂર્વક વાંચન, (૨) સતત મનન, (૩) સતત અભ્યાસ, (૪) ધ્યાનપૂર્વકનું શ્રવણ, (૫) જે તે વિષયને વારંવાર રીપીટ કરવાની સૂટેવ, (૬) યાદ રાખવાનો દિલપૂર્વકનો પ્રયત્ન કરવામાં આવે તો યાદશક્તિ ખીલવવામાં, આહારના યોગ્ય ઉપાયના સહકારથી સોનામાં સુગંધ ભળી શકે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleરંઘોળા સહિતના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં આખલાનો ભારે આતંક