પાટનગરમાં ૫૦ દિવસમાં ફક્ત ૭ ઇંચ વરસાદ પડયો

436

ચોમાસાની મોસમનો વિધિવત રીતે આમ તો ૧૫ જુનથી પ્રારંભ થઇ જતો હોય છે ત્યારે રાજ્યના પાટનગરમાં હજુ સિઝન પુર્ણરૂપે ખીલી ન હોય તેમ મેઘરાજા પણ મહેર કરી રહ્યા નથી. અત્યાર સુધી ગાંધીનગર શહેરમાં ફક્ત સાત ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. રાજ્યના અન્ય જિલ્લામાં હાલ મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે પરંતુ ગાંધીનગર પ્રત્યે જ અણગમો હોય તેમ હજુ સુધી પુરતા પ્રમાણમાં વરસાદ નહીં વરસતાં લોકો પણ ત્રસ્ત થઇ રહ્યાં છે. તો બીજી તરફ જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ હજુ સુધી ૨૫  જેટલો વરસાદ વરસ્યો છે.

સરકારી ચોપડે આમ તો વિધિવત રીતે ૧૫ જુનથી ચોમાસાની મોસમનો પ્રારંભ થતો હોય છે. ત્યારે આ વર્ષે વાયુ વાવાઝોડાની અસર હેઠળ રાજ્યના વિવિધ વિસ્તારોમાં જે તે વખતે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે વાવાઝોડુ ફુંકાયું હતું અને વરસાદ પણ વરસ્યો હતો. આમ વાવાઝોડાની અસર હેઠળ જે તે સમયે વરસાદ પડયાં બાદ અચાનક જ બદલાયેલા હવામાનના કારણે વરસાદે પણ વિરામ લીધો હોય તેમ આંતરે દિવસે ફક્ત ઝરમર વરસાદ પડતો હતો. આમ અગાઉ જુન માસમાં પ્રારંભ થતી ચોમાસાની મોસમમાં જુલાઇ પુર્ણ થતાં સુધીમાં ૭૦ થી ૮૦ ટકા જેટલો વરસાદ વરસી પડતો હતો.

આમ છેલ્લા બે વર્ષથી આબોહવામાં પણ બદલાવ આવ્યો હોય તેમ જુલાઇ માસ પુર્ણ થાય ત્યાં સુધી ફક્ત ૧૬ થી ૧૮ જેટલા વરસાદ વરસ્યો છે. આ આબોહવાની અસર આ વર્ષે પણ અનુભવવા મળી હોય તેમ ચોમાસાની મોસમનો પ્રારંભ થયાને ૫૦ દિવસ થવા છતાં અત્યાર સુધી ગાંધીનગર શહેરમાં ફક્ત સાત ઇંચ જેટલો જ એટલે કે ૧૭૫ એમ.એમ. વરસાદ પડયો છે. તો બીજી તરફ જિલ્લાના ચારેય તાલુકાઓમાં પણ પુર્ણરૂપે ચોમાસાની મોસમ જામી ન હોય તેમ ૨૫  ટકા જેટલો વરસાદ નોંધાયો છે. ત્યારે હવામાન ખાતા દ્વારા આગાહી તો કરવામાં આવે છે પરંતુ વાદળો વરસ્યા વગર જ પસાર થઇ જતાં વરસાદ પણ હાથતાળી આપીને ગાયબ થઇ જાય છે.

Previous articleધણપના પરિવારે પુત્રના જન્મદિને ૧૧૧૧ રોપા વહેંચ્યા
Next articleઅરવલ્લીના મેઘરજ અને શામળાજીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ભિલોડામાં પણ વરસાદ